હત્યા કેસમાં થયેલા જામીન ખર્ચના રૂપિયા માંગતા ભાઈ પર જીવલેણ હુમલો
અનિડા વાછરા ગામે દાતરડા અને ધોકાથી મારમાર્યો; ઇજાગ્રસ્ત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ
અગ્ર ગુજરાત, રાજકોટ
ગોંડલ તાલુકાના અનિડા વાછરા ગામે ભાઈને જામીન પર છોડાવવા કરાયેલા ખર્ચના રૂપિયા પરત માંગવાની બાબતે પરિવારજનો વચ્ચે વિવાદ ઉગ્ર બનતા એક વ્યક્તિ પર દાતરડા અને ધોકાથી હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. ગંભીર ઇજા પામેલા વ્યક્તિને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
મળતી વિગતો મુજબ, રાજકોટના ખોડીયારનગર વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા 47 વર્ષીય ગુલમહંમદ સુલેમાનભાઈ જોબણ ગઈકાલે બપોરે અનિડા વાછરા ગામે પોતાના મોટા ભાઈના નિવાસસ્થાને ગયા હતા. ત્યાં બંને ભાઈઓ વચ્ચે પૈસાની બાબતે બોલાચાલી થતાં મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો.
ગુલમહંમદભાઈના જણાવ્યા અનુસાર, તેમના મોટા ભાઈ ઈશાક ઉર્ફે ઘોઘા સામે અગાઉ હત્યાનો ગુનો નોંધાયો હતો અને લાંબા સમય સુધી જેલમાં રહ્યા બાદ તેઓ જામીન પર મુક્ત થયા હતા. જામીન પ્રક્રિયા તથા સંબંધિત કાનૂની કામગીરી પાછળ અંદાજે રૂ. 4.80 લાખનો ખર્ચ થયો હતો. આ રકમ પરત આપવા માટે વારંવાર માંગણી છતાં જવાબ ન મળતાં તેઓ ફરીથી પૈસાની ઉઘરાણી કરવા ગયા હતા.
આ દરમિયાન ભાઈ ઈશાક અને તેની સાથે રહેતી મુક્તા નામની મહિલાએ ગુસ્સે થઈ દાતરડા અને ધોકા વડે હુમલો કર્યો હોવાનું ઇજાગ્રસ્તે જણાવ્યું છે. હુમલામાં માથા સહિત શરીરના અન્ય ભાગોમાં ઇજાઓ પહોંચતાં તેમને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં ગોંડલ તાલુકા પોલીસ હોસ્પિટલ પહોંચી ઇજાગ્રસ્તનું નિવેદન નોંધ્યું હતું અને ફરિયાદના આધારે વધુ તપાસ તથા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


