સૌરાષ્ટ્ર-કચ્છના 355 ગામોમાં ગીરગંગા ટ્રસ્ટ દ્વારા જળસંચયના ભગીરથ કાર્યોનો ધમધમાટ
અમરેલી જિલ્લામાં સૌથી વધુ 234 ગામોમાં જળ સ્ટ્રક્ચરોના નિર્માણ સાથે વર્ષ ૨૦૨૬માં જળસંચયનો નવો અધ્યાય
આગામી પેઢીને જળસંકટમાંથી ઉગારવા ગ્રામીણ સ્તરે જળ સંગ્રહશક્તિ વધારવી એ જ ઉપાય
અગ્ર ગુજરાત, રાજકોટ
ધરતીના અમૃત સમાન પાણી બચાવવાના અભિયાનમાં અગ્રેસર સામાજિક સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચાલુ વર્ષ ૨૦૨૬માં જળસંચય અને જળ સ્ટ્રકચરોના નિર્માણ માટેનો એક નવો ઇતિહાસ રચવા તરફ પ્રયાણ કરવામાં આવ્યું છે. સંસ્થા દ્વારા આ વર્ષે સૌરાષ્ટ્ર અને કચ્છના ૩૫૫ ગામો ઉપરાંત ગુજરાતના ગામોમાં જળ સંચય તેમજ વિરાટ જળ સ્ટ્રક્ચરોના નિર્માણની પ્રવૃત્તિઓ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે.
આ ભગીરથ જળ અભિયાનને વેગ આપવા માટે તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં અમરેલીના 85 ગામોમાં જળસંચયનો પાયો નાખતું એક ભવ્ય જળ સંમેલન સંપન્ન થયું હતું. ઊર્જામંત્રી કૌશિકભાઈ વેકરિયાના વિશેષ પ્રયાસો અને ગીરગંગા પરિવાર ટ્રસ્ટના આયોજન હેઠળ શરૂ થયેલા આ ઐતિહાસિક અભિયાનમાં જેટકો જેવી સરકારી સંસ્થાઓએ પણ ઉદાર હાથે સહયોગ આપ્યો છે, જે સૌરાષ્ટ્રની પાણીની સમસ્યાના કાયમી ઉકેલ તરફ એક મોટું કદમ છે.
ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચાલુ વર્ષે અમરેલી જિલ્લામાં સૌથી વધુ ૨૩૪ ગામોમાં જળસંચયના કાર્યો આદરવામાં આવ્યા છે. આ અભિયાન અંતર્ગત કુકાવાવના જંગર ગામેથી ઐતિહાસિક જળસંચયનો શંખનાદ કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત ૪૫ ગામોના ચેકડેમો ઊંડા ઉતારવામાં આવ્યા. ઊર્જામંત્રી કૌશિકભાઈ વેકરિયા અને પીજીવીસીએલના સંયુક્ત સહયોગથી ખેડૂતોને આ કામગીરી માટે નિ:શુલ્ક હિટાચી મશીનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા.
આ ઉપરાંત, ઊર્જામંત્રી કૌશિકભાઈ વેકરિયાના સહયોગ અને વિવિધ વિસ્તારના ધારાસભ્યોના સક્ષમ માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લાના જુદા-જુદા તાલુકાઓમાં લોકભાગીદારીથી ચેકડેમો ઊંડા ઉતારવાની કામગીરી પુરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. જેમાં બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવીયા, બગસરાના ધારાસભ્ય જે.વી. કાકડિયા અને સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના અને રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ કામગીરી ચાલી રહી છે.
અમરેલી ઉપરાંત સોરાષ્ટ્ર અને કરછના ગામમાં વિવિધ જળ સ્ટ્રક્ચરોનું નિર્માણ થઈ રહ્યું છે. વૈજ્ઞાનિક પદ્ધતિથી તૈયાર થઈ રહેલા આ ચેકડેમો, બોર રિચાર્જ અને તળાવ ઊંડા ઉતારવાના કાર્યોથી ચોમાસાના વહી જતા પાણીનો સંગ્રહ થશે, જેનાથી ભૂગર્ભ જળ સ્તર નોંધપાત્ર રીતે ઊંચા આવશે
ગીરગંગા પરિવાર ટ્રસ્ટના ભગીરથ પ્રયાસો અને લોકભાગીદારીના કારણે સૌરાષ્ટ્રના ગ્રામીણ અર્થતંત્રને અભૂતપૂર્વ વેગ મળ્યો છે. જ્યાં જળ સ્ટ્રક્ચરોનું નિર્માણ થયું છે, ત્યાં ભૂગર્ભ જળના તળ સરેરાશ ૪૦ થી ૬૦ ફૂટ સુધી ઊંચા આવ્યા છે. કૂવા અને બોર પુનઃજીવિત થવાના કારણે ખેડૂતો હવે શિયાળુ અને ઉનાળુ પાક લેતા થયા છે, જેનાથી ખેતીની આવકમાં સરેરાશ ૩૫ થી ૪૦ ટકાનો નોંધપાત્ર વધારો થયો છે. આનાથી ગામમાં જ બારેમાસ પાણી અને રોજગારી ઉપલબ્ધ થતાં, પશુપાલકો અને શ્રમિકોનું શહેરો તરફ થતું સ્થળાંતર ૭૦ ટકા જેટલું ઘટી ગયું છે.


