સૌરાષ્ટ્ર સનાતન સમિતિ દ્વારા હનુમત કથા પ્રસંગે ભવ્ય આયોજન
બાગેશ્વર ધામ ખાતેના હનુમંત પૂજન દ્વારા પવિત્ર કરાયેલ 11 અક્ષત કળશોનું રાજકોટમાં આગમન
તા.૪ જૂન સાંજે ૬ વાગ્યે રાજકોટ શહેરના ૧૧ ઝોનમાં ધાર્મિક અને સામાજિક સંગઠનો દ્વારા અક્ષત કળશનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ ઉજાગર કરતી કળશ પદયાત્રા નીકળશે
અગ્ર ગુજરાત, રાજકોટ
ભારતીય સંસ્કૃતિમાં અક્ષત કળશને શુભ, સમૃદ્ધિ, પવિત્રતા અને મંગલકાર્યોનું પ્રતિક માનવામાં આવે છે. સનાતન ધર્મમાં કોઈપણ ધાર્મિક અનુષ્ઠાન, યજ્ઞ, પૂજન, કથા કે શુભ પ્રસંગની શરૂઆત અક્ષત કળશની સ્થાપના સાથે કરવામાં આવે છે. કળશમાં રહેલા અક્ષત(ચોખા)જીવનનું પ્રતિક છે, જ્યારે તેના ઉપર સ્થાપિત શ્રીફળ અને આમ્રપર્ણ સુખ, શાંતિ અને સમૃદ્ધિના સંદેશવાહક માનવામાં આવે છે.
સૌરાષ્ટ્ર સનાતન સમિતિ ના મુખ્ય આયોજક અને સમિતિના અધ્યક્ષ જાણીતા ઉદ્યોગપતિ શ્રીકિશોરભાઈ ખંભાયતા, (ડુનેક્ષ), આશિષભાઈ શુક્લ,રાજેશભાઈ પીલાઈ, વિક્રમસિંહ પરમાર, રમેશભાઈ શિંગાળા, મંગેશભાઈ દેસાઈ;ડેનીશભાઈઆડેસરા ,વિજયભાઈ પારખીયા વિશેષ માહિતી આપતા જણાવે છે કે, આપણી પવિત્ર પરંપરાને વધુ વ્યાપક બનાવવા તથા સમાજમાં ધાર્મિક જાગૃતિ અને એકતાનો સંદેશ પહોંચાડવાના હેતુથી તા. ૪ જૂનના રોજ સાંજે ૬ વાગ્યા થી રાજકોટ શહેરના ૧૧ ઝોનમાં વિવિધ ધાર્મિક અને સામાજિક સંગઠનોના સહયોગથી ભવ્ય અક્ષત કળશ યાત્રા, પદયાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે.
બાબા બાગેશ્વર ધામ, છતરપુર (મધ્યપ્રદેશ) ખાતે હનુમંત પૂજન દ્વારા પવિત્ર કરાયેલા ૧૧ અક્ષત કળશો ખાસ રાજકોટ લાવવામાં આવ્યા છે. શોભાયાત્રા દરમિયાન તમામને અક્ષત (ચોખા) આપવામાં આવશે.
આ કળશ આજરોજ પરમ પૂજ્ય સંત શ્રી ભક્તિ પ્રકાશ સ્વામી ખીરસરા ના વરદ હસ્તે ઝોન વાઇસ વિતરણ કરવામાં આવેલ હતા. આ પવિત્ર કળશોનું શહેરના વિવિધ ૧૧ ઝોનમાં ભવ્ય સ્વાગત કરવામાં આવશે અને ઝોનવાઇઝ કળશ યાત્રાઓ યોજાશે. કથા નિમિતે સમગ્ર શહેરમાં કળશ યાત્રા કાઢવાના બદલે પેટ્રોલ-ડિઝલની બચત થાય એ હેતુથી કથાના આગલા દિવસે વિવિધ ઝોનમાં પદ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે.
કળશ યાત્રામાં મોટી સંખ્યામાં મહિલાઓ, યુવાનો, વડીલો તેમજ ધર્મપ્રેમી નાગરિકો પરંપરાગત વેશભૂષામાં ભાગ લેશે. યાત્રા દરમિયાન ભજન-કીર્તન, ધર્મધ્વજ, સાંસ્કૃતિક ઝાંખીઓ અને આધ્યાત્મિક સંદેશો દ્વારા સનાતન સંસ્કૃતિના મૂલ્યોને જનમાનસ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે.
આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં આધ્યાત્મિક ચેતના જગાવવાનો, પારિવારિક અને સામાજિક એકતા મજબૂત બનાવવાનો તેમજ ભારતીય સંસ્કૃતિના ગૌરવને ઉજાગર કરવાનો છે. અક્ષત કળશ યાત્રા માત્ર ધાર્મિક કાર્યક્રમ નહીં પરંતુ સમાજને એક સૂત્રમાં બાંધતી સાંસ્કૃતિક અને સામાજિક એકતાનું પ્રતિક બની રહેશે. આયોજકો દ્વારા રાજકોટના તમામ ધર્મપ્રેમી નાગરિકોને કળશ યાત્રામાં સહભાગી બની આ ભવ્ય ધાર્મિક આયોજનને સફળ બનાવવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.


