ગુજરાતમાં જ નશાનું નેટવર્ક! નર્મદા જિલ્લામાં ધમધમતી મેફેડ્રોન ડ્રગ્સની કંપની ઝડપાઇ
૨૦ કિલો ડ્રગ્સ, સાધનો, કેમિકલ્સ સહિત રૂ.૭૫ કરોડનો મુદામાલ જપ્ત : મુંબઇ પોલીસનો દરોડાએ કૌભાંડ ખુલ્લૂ કર્યુ
૧૦૧ ગ્રામ સાથે ઝડપાયેલી મહિલાએ સમગ્ર રેકેટ ઉજાગર કર્યુ
અગ્ર ગુજરાત, રાજકોટ
મુંબઈ પોલીસની સાકીનાકા પોલીસ અને એન્ટી-નાર્કોટિક્સ ટીમે એક મોટી સફળતા મેળવીને ગુજરાતના નર્મદા જિલ્લામાં ચાલતી મેફેડ્રોન ડ્રગ્સ બનાવવાની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં આશરે 20 કિલો એમડી ડ્રગ્સ, ભારે માત્રામાં કેમિકલ્સ, અત્યાધુનિક લેબના સાધનો અને ડ્રગ્સ બનાવવામાં વપરાતી સામગ્રી જપ્ત કરવામાં આવી છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત આશરે 75 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. ચોંકાવનારી વાત એ છે કે, આ આખા રેકેટનો ખુલાસો મુંબઈમાં 101 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે પકડાયેલી એક મહિલા આરોપીની પૂછપરછ બાદ થયો હતો.
આખો મામલો સાકીનાકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા NDPS એક્ટના એક કેસ સાથે જોડાયેલો છે. 21 મે 2026ની રાત્રે સાકીનાકા વિસ્તારમાં અંધેરી-ઘાટકોપર લિંક રોડ પર આવેલી પેનિનસુલા હોટલ સામેથી પોલીસે મુસ્કાન સમીર ખાન નામની 26 વર્ષની મહિલાની ધરપકડ કરી હતી. આ મહિલા પાસેથી 101 ગ્રામ મેફેડ્રોન એટલે કે એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે મુસ્કાન વ્યવસાયે ઓલા-ઉબર ડ્રાઈવર છે અને તે આ ડ્રગ્સ વેચવા માટે લાવી હતી. તેની સામે સાકીનાકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ હતી.
ધરપકડ કરાયેલી મહિલાની ઝીણવટભરી પૂછપરછમાં પોલીસને ડ્રગ્સ સપ્લાય ચેઈન અંગે મહત્વની માહિતી મળી હતી. આરોપી મહિલાએ ખુલાસો કર્યો કે તેણે આ એમડી ડ્રગ્સ વજુલ કમર અબુલ વફા ચૌધરી ઉર્ફે પપ્પુ નામના વ્યક્તિ પાસેથી ખરીદ્યું હતું. ત્યારબાદ સાકીનાકા પોલીસની એન્ટી-નાર્કોટિક્સ ટીમે ટેકનિકલ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે કાર્યવાહી કરીને 26 મે 2026ના રોજ આરોપી પપ્પુને શિલફાટા વિસ્તારમાંથી ઝડપી લીધો હતો. પોલીસ પૂછપરછમાં આરોપીએ જે ખુલાસો કર્યો તેણે તપાસ એજન્સીઓને પણ ચોંકાવી દીધી હતી. આરોપીએ જણાવ્યું કે તે ગુજરાતના નર્મદા જિલ્લાના રાજપીપળા-નાંદોદ તાલુકામાં આવેલા વરખડ ગામમાં એક પરિચિતનું ઘર ભાડે રાખીને ત્યાં પોતે જ એમડી ડ્રગ્સ તૈયાર કરતો હતો.
માહિતી મળતાની સાથે જ સાકીનાકા પોલીસની વિશેષ ટીમ ગુજરાત પહોંચી અને સંબંધિત સ્થળે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસને ત્યાં ગેરકાયદેસર રીતે ચાલતી એક આખી ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગ યુનિટ મળી આવી હતી, જ્યાં મોટા પાયે મેફેડ્રોન તૈયાર કરવામાં આવી રહ્યું હતું.
પોલીસને આશંકા છે કે આ નેટવર્ક માત્ર મહારાષ્ટ્ર અને ગુજરાત પૂરતું સીમિત નથી, પરંતુ તેના તાર દેશના અન્ય રાજ્યો સાથે પણ જોડાયેલા હોઈ શકે છે. આ જ દિશામાં તપાસ આગળ વધારવામાં આવી રહી છે. મુંબઈ પોલીસનું કહેવું છે કે ડ્રગ્સ માફિયાઓ સામે આ કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે અને હવે આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય સપ્લાયર્સ, ફાઈનાન્સર્સ અને ખરીદદારોની ઓળખ કરવામાં આવી રહી છે.
આ સમગ્ર ઓપરેશનને મુંબઈ પોલીસ કમિશનર દેવેન ભારતી, જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ કુમાર શર્મા, એડિશનલ પોલીસ કમિશનર અભિનવ દેશમુખ, ડેપ્યુટી કમિશનર દત્તા નલાવડે અને અન્ય વરિષ્ઠ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સાકીનાકા પોલીસ સ્ટેશનની એન્ટી-નાર્કોટિક્સ ટીમે અંજામ આપ્યો હતો.


