લોકાર્પણ આડે કોન્ટ્રાક્ટરની બેદરકારીનું વિઘ્ન: હજારો લોકોને હજુ વેઠવી પડશે હાલાકી
સાંઢીયા પુલમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા જ ભુલાય
ચકાસણી દરમિયાન સબસલામતના દાવા કરનાર અધિકારીઓની લોલમલોલ ખુલ્લી પડી : ચોમાસામાં ભરાતા પાણીના નિકાલની પાઇપલાઇન નાખવાનું કોન્ટ્રાક્ટર ભૂલી ગયા, કરોડોના ખર્ચે બનેલા બ્રિજમાં સામે આવેલી ગંભીર બેદરકારી
બેદરકારીની પોલ ખુલ્લી પડતા છેલ્લી ઘડીએ તોડફોડ કરી નવેસરથી પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ કરતું તંત્ર
અગ્ર ગુજરાત, રાજકોટ
જામનગર રોડ પર ઐતિહાસિક સાંઢિયા પુલને તોડી તેની જગ્યાએ નવા બ્રિજનું રૂપિયા 74 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે. આ બ્રિજમાં કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે. પુલ તૈયાર થઈ ગયો હોય તેમાં વરસાદી પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી નથી. સાંઢિયા પુલની લોકાર્પણની તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી ત્યાં ફરી બેદરકારીનું વિઘ્ન વચ્ચે આવ્યું છે. આ બેદરકારીના કારણે હજુ થોડા દિવસ વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડશે.
જામનગર રોડ પર બનાવવામાં આવેલા સાંઢીયા પુલમાં વરસાદી પાણીના નિકાલ માટે કોન્ટ્રાક્ટર દ્વારા ગંભીર બેદરકારી દાખવવામાં આવી હતી. કામગીરી દરમિયાન પાણીના નિકાલ માટે નાખવામાં આવતી પાઇપલાઇન કોન્ટ્રાક્ટર ભૂલી ગયા હતા. તાજેતરમાં જ મનપાના અધિકારીઓ દ્વારા તેમજ પદાધિકારીઓ દ્વારા સાંઢીયા ફૂલનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને સબસલામત હોવાના દાવા કરવામાં આવ્યા હતા. પરંતુ આ બેદરકારી સામે આવતા તંત્રની પણ સબ સલામતની લોલમ લોલ ખુલ્લી પડી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મેયર સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા તાજેતરમાં સાંઢીયા પુલનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યારે પણ કેટલીક ક્ષતિઓ સામે આવતા મેયર સહિતના પદાધિકારીઓ સ્થળ પર જ અધિકારીઓનો ઉધડો લીધો હતો અને તાત્કાલિક ધોરણે આ ખામીઓ દૂર કરવા માટે આદેશ આપવામાં આવ્યા હતા ત્યારે વધુ એક ગંભીર ભૂલ સામે આવી છે. જેનાથી તંત્રની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે.
વરસાદી પાણીના નિકાલની પાઇપલાઇન નાખવાનું ભૂલી ગયા હોવાનું સામે આવતા કોન્ટ્રાક્ટર દ્વારા હાલ આ કામગીરી શરૂ કરવામાં આવી છે. સાંઢીયા પુલ બની ગયા બાદ હવે નવેસરથી પાઇપલાઇન નાખવાનું શરૂ કરવામાં આવ્યું છે. લોકાર્પણની ઘડીઓ વચ્ચે સાંઢીયા પુલમાં કોન્ટ્રાક્ટર દ્વારા તોડફોડ કરી અને પાઇપલાઇન ફીટીંગ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે રાજકોટના જામનગર રોડ પર સાંઢીયા પુલની જગ્યાએ રૂ. 74 કરોડના ખર્ચે નવો ફોરલેન બ્રિજ બનીને તૈયાર થઇ ગયો છે. આ બ્રિજના ઉદઘાટન માટે ગઇકાલે ગાંધીનગર ગયેલા ભાજપના નવા પદાધિકારીઓએ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને આમંત્રણ પાઠવ્યું છે. મેયર નેહલ શુકલની આગેવાનીમાં ડે.મેયર દક્ષાબેન વસાણી, સ્ટે.ચેરમેન પરેશ પીપળીયા,શાસક નેતા હિરેન ખીમાણીયા અને દંડક સંજયસિંહ રાણા સહિતની ટીમે ગઇકાલે બપોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ માધવ દવે પણ જોડાયા હતા. મુલાકાત દરમિયાન વિકાસ કામો અને લોકઉપયોગી કાર્યો પર ચર્ચા કરવામાં આવી હતી.જોકે સરકાર અને મનપા દ્વારા મોટા કાર્યક્રમો પર કરકસરના ભાગરૂપે નિયંત્રણો મુકાયા હોવાથી મુખ્યમંત્રી રૂબરૂ આવે તેવી શક્યતા ઓછી છે.આથી, મોટા સમારોહ વગર સરકાર દ્વારા આ બ્રિજનું ઈ-લોકાર્પણ કરવામાં આવે તેવી સંભાવના છે.જો મુખ્યમંત્રી કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સમય ન આપી શકે, તો રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી જીતુ વાઘાણીના હસ્તે આ બ્રિજ ખુલ્લો મુકાઈ શકે છે. આગામી 1થી 2 દિવસમાં ઉદઘાટનની તારીખ જાહેર થવાની આશા હતી પરંતુ ઉપરોકત ખામી સામે આવતાં લોકોને હજુ રાહ જોવી પડે તેવો ગણગણાટ શરૂ થયો છે.


