ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતો ઉમેદવાર નીચી પોસ્ટ માટે સામાન્ય : સુપ્રિમ કોર્ટ
સરકારી નોકરી મેળવવાની લાલચમાં સાચી શૈક્ષણિક લાયકાત છુપાવવી તે અયોગ્ય : SC
ભરતીની સૂચના અને નિયમોનું કડક-અક્ષરસ: પાલન કરવા સૂચના
અગ્ર ગુજરાત, નવી દિલ્હી
સરકારી નોકરીઓની ભરતી પ્રક્રિયા અને ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતને લઈને સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ શબ્દોમાં ઠરાવ્યું છે કે, કોઈ પણ ઉમેદવાર પોતાની ઉચ્ચ શૈક્ષણિક લાયકાત (Higher Educational Qualification) નો ઉપયોગ ઓછી લાયકાત ધરાવતા અરજદારો માટે ખાસ નિર્ધારિત કે અનામત રાખવામાં આવેલી નોકરીઓ મેળવવા માટે કરી શકે નહીં.
કોર્ટે ગંભીર અવલોકન કરતા જણાવ્યું કે, સરકારી નોકરી મેળવવાની લાલચમાં કોઈ વ્યક્તિ દ્વારા પોતાની સાચી શૈક્ષણિક લાયકાત વિશેની માહિતી છુપાવવી એ સંપૂર્ણપણે અયોગ્ય છે. આવું કરવાથી જે ઉમેદવારો ખરેખર તે પદ માટે લાયક છે, તેમને નોકરી મેળવવાની વાજબી અને સમાન તક મળતી નથી.
આ સમગ્ર વિવાદ સિન્ડિકેટ બેંકમાં કામચલાઉ બેંક એટેન્ડન્ટ તરીકે નિયુક્ત થયેલા એક કર્મચારી સાથે જોડાયેલો છે. બેંક દ્વારા આ ચોક્કસ નોકરી માત્ર એવા ઉમેદવારો માટે અનામત રાખવામાં આવી હતી જેમણે ફક્ત 10મા ધોરણ (Ssc) સુધીનો જ અભ્યાસ કર્યો હોય. જોકે, પાછળથી તપાસ દરમિયાન એવો ખુલાસો થયો હતો કે જે વ્યક્તિની આ પદ પર પસંદગી થઈ હતી, તે વાસ્તવમાં સ્નાતક (Graduate) હતો. પરંતુ અરજી કરતી વખતે તેણે પોતાના હાયર એજ્યુકેશનના પ્રમાણપત્રો અને ડિગ્રીની માહિતી બેંકથી છુપાવી રાખી હતી.
આ બાબતને સુપ્રીમ કોર્ટે ગંભીર ગણાવી હતી અને ચુકાદો આપ્યો હતો કે લાયકાત છુપાવીને નોકરી મેળવવી એ પસંદગી પ્રક્રિયાની વાજબીતા અને પારદર્શિતા સાથે ચેડા સમાન છે. આથી, સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઇકોર્ટના એ આદેશને પણ રદ કરી દીધો છે જેમાં કર્મચારીને ફરીથી નોકરી પર રાખવા (પુનઃસ્થાપિત કરવા) માટે કહેવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટે સંબંધિત કર્મચારીને સેવામાંથી દૂર કરવાના મૂળ નિર્ણયને યોગ્ય ઠેરવતા જાહેર કર્યું કે આ નિમણૂક શરૂઆતથી જ અમાન્ય હતી.
સર્વોચ્ચ અદાલતે પોતાના અગાઉના વિવિધ ચુકાદાઓનો હવાલો આપતા પુનરોચ્ચાર કર્યો છે કે, દેશમાં સરકારી નોકરીઓ માટે બહાર પાડવામાં આવતી કોઈ પણ સત્તાવાર ભરતી સૂચના (Notification) માં ઉલ્લેખિત નિયમો અને શરતોનું કડક અને અક્ષરશઃ પાલન થવું જ જોઈએ. કાયદાકીય દ્રષ્ટિએ, ઉચ્ચ લાયકાત ધરાવતી કોઈ પણ વ્યક્તિને ઓછી લાયકાત માટે નિર્ધારિત કરાયેલી પોસ્ટ પર દાવો કરવાનો કે અરજી કરવાનો કોઈ કાનૂની અધિકાર નથી. કોર્ટના આ આદેશ બાદ હવે દેશભરની સરકારી ભરતીઓમાં શૈક્ષણિક લાયકાતના ખોટા સોગંદનામા કે માહિતી છુપાવનારા તત્વો પર મોટી લગામ કસાશે.
સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં નોંધેલી બાબતો
સરકાર એક ન્યાયી એમ્પ્લોયર: કોઈ પણ લોકશાહી દેશમાં સરકાર પાસે એક ન્યાયી અને સમાનતાવાદી નોકરીદાતા તરીકે કાર્ય કરવાની અપેક્ષા રાખવામાં આવે છે.
નબળા વર્ગોનું રક્ષણ: સમાજના ઓછો અભ્યાસ કરનારા અથવા વંચિત વર્ગોને રોજગારીની સમાન તકો મળી રહે તે માટે જ કેટલીક પાયાની નોકરીઓ ઓછી લાયકાત ધરાવતી વ્યક્તિઓ માટે અનામત રાખવામાં આવે છે.
તકોની ચોરી અટકાવવી: જો ઉચ્ચ ડિગ્રીઓ ધરાવતા ઓવર-ક્વોલિફાઇડ ઉમેદવારો પણ પોતાની લાયકાત છુપાવીને આ નાની જગ્યાઓ માટે અરજી કરવા લાગશે, તો તે ગરીબ અને ઓછું ભણેલા લોકોના હકો પર ત્રાપ મારવા બરાબર થશે અને તેમના માટે રોજગારીની તકો સાવ ખતમ થઈ જશે.


