L&T EduTech અને આત્મીય યુનિવર્સિટી વચ્ચે મહત્વના કરારો
ગુજરાતમાં પહેલીવાર L&T EduTech કંપનીએ કોઈ શૈક્ષણિક સંસ્થા સાથે કરારો કર્યા.
અગ્ર ગુજરાત, રાજકોટ
આત્મીય યુનિવર્સિટી એ શૈક્ષણિક જગતમાં વધુ એક સફળતાનું સોપાન સર કર્યું છે. L&T EduTech અને આત્મીય યુનિવર્સિટી વચ્ચે એક મહત્વપૂર્ણ શૈક્ષણિક કરાર કરવામાં આવતાની સાથે જ આ વર્ષે “ઇન્ડસ્ટ્રી ઇન્ટિગ્રેટેડ બી.ટેક.” અભ્યાસક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. L&T EduTech એક એવી કોર્પોરેટ કંપનીએ છે જેણે ગુજરાતમાં પહેલીવાર કોઈ શૈક્ષણિક સંસ્થા સાથે કરારો કર્યા હોય! આ કરારથી વિદ્યાર્થીઓને સ્કિલ આધારિત પ્રોગ્રામો જેવા કે કમ્પ્યુટર એન્જિનિયરિંગ, કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ જેવા જુદા-જુદા કારકિર્દીમાં ફાયદો કરાવતા અભ્યાસક્રમોમાં આ વધુ એક તક બનશે.
આ શૈક્ષણિક કરાર L&T EduTech કંપનીના રીજનલ હેડ મુરલી ઐયર તેમજ આત્મીય યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પરમ પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીજી, વાઇસ ચાન્સેલર ડૉ.રાકેશ મુદગલ, રજિસ્ટ્રાર શ્રી ડૉ.દિવ્યાંગ ડી.વ્યાસ, ફેકલ્ટી ઓફ એન્જીનીયરીંગ અને ટેક્નોલોજીના ડીન ડૉ. યજ્ઞેશ શુક્લ, ફેકલ્ટી ઓફ સાયન્સ ના એસોસિયેટ ડીન ડૉ. રવિ ટાંક ની અધ્યક્ષતામાં કરવામાં આવ્યો હતો. શૈક્ષણિક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ આ કરારની ઉપલબ્ધીથી હવે વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે-સાથે સારી એવી કોર્પોરેટ કંપની સાથે કામ કરવાનો અનુભવ મળશે. વર્તમાન અને ભાવિ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલો આ અભ્યાસક્રમ વિદ્યાર્થીઓને ટેક્નોલોજીના બદલાતા પ્રવાહ સાથે તાલમેલ સાધવામાં પણ મદદરૂપ બનશે.
આ ઉપરાંત વિદ્યાર્થીઓને કંપનીમાં કામ કર્યાનું પ્રમાણપત્ર, અદ્યતન ટેક્નોલોજી વિષયક તાલીમ, ઉદ્યોગ આધારિત પ્રોજેક્ટ્સ પર કાર્ય કરવાની તક, વાસ્તવિક ઇજનેરી સમસ્યાઓના નિરાકરણ માટે માર્ગદર્શન તેમજ પ્રાયોગિક કૌશલ્ય વિકાસ માટે હેન્ડ્સ-ઓન તાલીમ આપવામાં આવશે. આ સાથે વિદ્યાર્થીઓને ભવિષ્યલક્ષી કારકિર્દી માટે જરૂરી જ્ઞાન, અનુભવ અને આત્મવિશ્વાસ પ્રાપ્ત થશે.
આ કરાર વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક ડિગ્રી અને પ્રમાણપત્રો પુરતો જ નહી પરંતુ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં વ્યાવસાયિક ઇજનેર તરીકે મોટી ઉપલબ્ધતા હાંસલ કરે તે માટેનો પણ હશે.
આત્મીય યુનિવર્સિટી ની આ અગ્રગામી પહેલ ગુજરાતના ટેક્નિકલ શિક્ષણ ક્ષેત્રે નવી દિશા તો સ્થાપિત કરશે જ આ સાથે રાજ્યભરના પ્રગતિશીલ વિદ્યાર્થીઓ માટે ગુણવત્તાસભર ટેક્નિકલ શિક્ષણની નવી તકો પણ ઉભી કરશે.


