માંગરોળમાં મકોડા વડલીથી કંકાસા રોડમાં ભાજપનો વિકાસ અટવાયો..!
સાત માસમાં કામગીરી પૂર્ણ કરવાને બદલે 14 મહિના વિતિ જવા છતા રસ્તામાં ધૂળ અને કાકરા ઉડી રહ્યાની રાવ
માર્ગ અને મકાન વિભાગની અરજી અને ધારાસભ્યની રજુઆતની માંગરોળ પીજીવીસીએલ પર કોઈ અસર નહીંની થતી ચર્ચા
અગ્ર ગુજરાત, માંગરોળ
જુનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે મકોડા વડલી થી વાયા વાંધાળી સીમ ટુ કંકાસા સુધીનો ચાર કીમી રોડ બે કરોડ ત્રેપ્પન લાખના ખર્ચે માર્ગ અને મકાન વિભાગમાંથી પાસ થયો હતો. આ રસ્તાની કામગીરી સાત મહિનાના સમયગાળામાં પૂર્ણ કરવાની હતી.15 એપ્રિલે 2025 મા ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા હસ્તે રસ્તાનું ખાત મુહૂર્ત કર્યું હતું. ચોમાસા પહેલા રસ્તો બનાવી દેવા કોન્ટ્રાક્ટરે પણ બહેંધરી આપી હતી. પરંતુ આજે 14 મહિના જેટલો સમય વિતી જવા છતા અને બીજું ચોમાસુ માથે મંડળાઈ રહ્યું છે છતા આ રસ્તાનું કામ હજુ સુધી પૂર્ણ થયું નથી. એક તરફ હલકી ગુણવત્તા અને નબળી કામગીરી ના પાપે રસ્તામાં ચારે બાજુ રેડા પડી જવાથી રસ્તામાં ચારેબાજુ કાકરા અને ધૂળની ડમરીઓ ઉડી રહી છે. જેના પ્રતાપે રાહદારીઓને ભારે હલાકી ઉપાડવી પડે છે. તો બીજી તરફ રસ્તો બનાવવા માટે ખેડૂતોના ખેતરો ની માલિકીની વંડીઓ હટાવી દેતા અને હજૂ સુધી રસ્તાની કામગીરી પૂરી ના થતા, બેબારા ખેતરોમાં રખડતા ઢોર જેમકે, ગાયો, ખૂટીયાઓ, ભૂંડ અને રોઝડાઓ ગમે ત્યાંથી ખેતરોમાં ઘુસી જાય છે. અને બગીચાઓમાં તેમજ ખેતરોમાં ઉભા પાક અને નાળિયેરીના રોપા સહિતને ભારે નૂકશાન પહોચાડી રહ્યા છે. જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડે છે.
રસ્તા પર નડતર રૂપ વિજ થાંભલાઓ માંગરોળ પીજીવીસીએલ હટાવતી નથી…! એટલે રસ્તાનું ડામર કામ કરવામા આવતું નથી…! તેવું છેલ્લા પાંચ મહિનાથી તંત્ર દ્વારા ઓઠું આપવામાં આવી રહ્યું છે. આ બાબતે ધારાસભ્યએ પણ પીજીવીસીએલ ને રજુઆત કરી હોય તેમ છતા પીજીવીસીએલ ગણકારતી નથી…! જો માર્ગ અને મકાન વિભાગ ની અરજી અને ધારાસભ્ય ની રજુઆત ની પણ પીજીવીસીએલ મા કોઈ અસર ના પડતો હોય તો આમ નાગરિકોની શું હાલત હશે…? એકદરે નેતાઓ, તંત્રની નિરશતા અને પીજીવીસીએલની અડોડાઈ ના વાંક ભાજપનો વિકાસ મકોડા વડલી રોડ પર અટવાઈ ગયો છે. ગત ચોમાસા પહેલા રસ્તો રસ્તાની કામગીરી પૂર્ણ કરવાના બદલે બીજું ચોમાસું માથે આવી ગયું છે ત્યારે હજું આ રસ્તાનું કામ ક્યારે પૂર્ણ કરવામાં આવશે તે જોવાનું રહ્યું.


