ધ્રોલના લતીપર ગામમાં પિતાના ઠપકાથી વ્યથિત થઈ યુવાનનો આપઘાત
ઝેરી ટીકડા ખાઈ જીંદગી ટૂંકાવી: પરિવારમાં શોકનો માહોલ
અગ્ર ગુજરાત, ધ્રોલ
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લતીપર ગામે એક અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે. જેમાં પિતાએ દારૂ પીવાની કુટેવ અંગે ઠપકો આપતા, ૨૫ વર્ષના પુત્રએ મનમાં લાગી આવતા પોતાની જ વાડીએ જઈ અનાજમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ આપઘાત કરી લીધો છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, લતીપર ગામના સીમ વિસ્તારમાં રહેતા ભાર્ગવભાઈ ભાણજીભાઈ તાલપરા (ઉંમર વર્ષ ૨૫) ને દારૂ પીવાની ભારે લત હતી. આ દારૂની કુટેવના કારણે અગાઉથી જ તેમના ફેફસાં અને કિડનીમાં ગંભીર તકલીફો ઊભી થઈ હતી, જે અંગે તેમની તબીબી સારવાર પણ ચાલુ હતી. આમ છતાં, ગત તારીખ ૦૪ જૂન ૨૦૨૬ના રોજ ભાર્ગવભાઈ ફરીથી દારૂ પીને ઘરે આવ્યા હતા.
બીમાર હોવા છતાં પુત્રને દારૂ પીધેલી હાલતમાં જોઈને તેના પિતા ભાણજીભાઈ ચકુભાઈ તાલપરાએ પુત્રના ભલા માટે દારૂ ન પીવા અંગે કડક શબ્દોમાં ઠપકો આપ્યો હતો. પિતાનો આ ઠપકો મરણજનાર ભાર્ગવભાઈને મનમાં લાગી આવ્યો હતો. જેથી તેઓ ગુપચુપ પોતાની વાડીએ ચાલ્યા ગયા હતા અને ત્યાં અનાજમાં મૂકવાના ઝેરી ટીકડા (દવા) ગળી લીધા હતા.
યુવાને ઝેરી દવા ખાઈ લીધાની જાણ થતાં જ પરિવારજનો તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ સારવાર કારગત નીવડે તે પહેલાં જ ટૂંકી સારવાર દરમિયાન યુવાનનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
આ બનાવ અંગે મૃતકના પિતા ભાણજીભાઈ તાલપરાએ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં જાહેરાત આપતા, પોલીસ હેડ કોન્સ્ટેબલ જે.કે. દલસાણીયાએ બી.એન.એસ.એસ. અકસ્માત મોત તરીકે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. એકના એક યુવાન પુત્રના આવા પગલાથી લતીપર ગામમાં અને પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.


