અબુધાબીના BAPS મંદિરને પ્રતિષ્ઠિત ટોલરન્સ એવોર્ડથી સન્માનિત કરાયું
ઇન્ટરનેશનલ ડાયલોગ ઓફ સિવિલાઇઝેશન એન્ડ ટોલરન્સ કોન્ફરન્સમાં એવોર્ડ એનાયત
અગ્ર ગુજરાત, રાજકોટ
બી.એ.પી.એસ હિન્દુ મંદિર અબુ ધાબીને ત્રીજી ‘ઇન્ટરનેશનલ ડાયલોગ ઓફ સિવિલાઇઝેશન્સ એન્ડ ટોલરન્સ કોન્ફરન્સ’ (IDCT 2026) માં પ્રતિષ્ઠિત ‘ટોલરન્સ એવોર્ડ’ થી સન્માનિત કરવામાં આવ્યું હતું. આ પુરસ્કાર એવી વ્યક્તિઓ અને સંસ્થાઓને અર્પણ કરવામાં આવે છે, જેમનું કાર્ય વૈશ્વિક સહિષ્ણુતા, પારસ્પરિક આદર અને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વને પ્રોત્સાહન આપે છે. આ પસંદગી પરિષદની સાયન્ટિફિક કમિટી દ્વારા તેમની આંતરરાષ્ટ્રીય અસર અને યોગદાનના આધારે કરવામાં આવે છે.
આ પુરસ્કાર યુ. એ. ઈ. અને તેની બહાર સૌહાર્દ, સંવાદ અને સામાજિક એકતા કેળવવામાં મંદિરના અસાધારણ યોગદાનની ઊંડી સ્વીકૃતિ સમાન છે. મંદિર દ્વારા કરવામાં આવેલાં અનેક સેવાકીય આયોજનો જેવા કે – ફેસ્ટિવલ ઓફ હાર્મોની, ઓમસીય્યત તેમજ વર્તમાન સંઘર્ષમાં અને કોવિડના સમયમાં મંદિર દ્વારા હાથ ધરવામાં આવેલ ‘કેર ઈન ક્રાઈસીસ’ જેવાં રાહતકાર્યો હોય; મંદિરને પ્રાપ્ત આ એવોર્ડ હજારો સ્વયંસેવકોના સામૂહિક પ્રયાસની સાથે અસંખ્ય મુલાકાતીઓની પણ સહિયારી પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. મંદિર એક એવું સ્થાન છે, જ્યાં દરેક પૃષ્ઠભૂમિ, સંસ્કૃતિ અને આસ્થાના લોકો સ્વાગત અને આદરનો અનુભવ કરે છે.
આ કોન્ફરન્સનું આયોજન એમિરેટ્સ સ્કોલર સેન્ટર ફોર રિસર્ચ એન્ડ સ્ટડીઝ (ESCRS) અને અબ્રાહમિક ફેમિલી હાઉસ દ્વારા, એમિરેટ્સ જર્નાલિસ્ટ્સ એસોસિએશન, ધ ચર્ચ ઓફ જિસસ ક્રાઇસ્ટ ઓફ લેટર-ડે સેઇન્ટ્સ અને અબુ ધાબી કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન બ્યૂરોના સહયોગથી કરવામાં આવ્યું હતું. યુ. એ. ઈ. દ્વારા ૨૦૨૬ ને “યર ઓફ ધ ફેમિલી” જાહેર કરવામાં આવ્યું છે, જે અંતર્ગત આ કોન્ફરન્સનો હેતુ હતો – સરકારો, શૈક્ષણિક સંસ્થાઓ, આંતરરાષ્ટ્રીય સંગઠનો, ધાર્મિક સમુદાયો અને સિવિલ સોસાયટીના આગેવાનોને એક સહિયારા સંકલ્પ સાથે એકત્ર કરવા, વિવિધ સંસ્કૃતિઓ વચ્ચેના સંવાદને સુદૃઢ બનાવવો, સહઅસ્તિત્વને આગળ વધારવું, તેમજ AI તથા નવા માધ્યમો દ્વારા વૈશ્વિક સ્તરે કુટુંબો અને સમાજ પર થઈ રહેલા ઊંડા પ્રભાવને સમજવો.
ડૉ. અબ્દુલ્લા બેલ્હૈફ અલ નુઐમી, ચાન્સેલર એમિરેટ્સ સ્કોલર સેન્ટર ફોર રિસર્ચ એન્ડ સ્ટડીઝ, અને ડૉ. ખલીફા અલ ધાહેરી, ચાન્સેલર મોહમ્મદ બિન ઝાયેદ યુનિવર્સિટી ફોર હ્યુમેનિટીઝ, ના હસ્તે આ સન્માન સ્વીકારતાં બી.એ.પી.એસ હિન્દુ મંદિર, અબુ ધાબીના વડા પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ કુટુંબ, આસ્થા અને ટેક્નોલોજીના ભવિષ્ય વિશે વક્તવ્ય આપ્યું હતું. જ્યારે વિશ્વ AI શું કરી શકે છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે, ત્યારે તેમણે આ ટેક્નોલોજીના કારણે આપણે માનવજાત તરીકે કેવા બની રહ્યા છીએ તે વિષયક વિચારપ્રેરક અને હૃદયસ્પર્શી વાતો રજૂ કરી હતી.


