રાજકોટની સરકારી પોલીટેકનિક ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો
વિદેશ અભ્યાસ, લોન સહિતના વિવિધ પાસાઓ અંગે છાત્રાને માહિતી અપાઇ
અગ્ર ગુજરાત, રાજકોટ
સરકારી પોલીટેકનિક, રાજકોટ ખાતે રોજગાર વિનિમય કચેરી તેમજ પ્રાદેશિક માહિતી કચેરી દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં સરકારી પોલીટેકનિક રાજકોટ ખાતે અભ્યાસ કરતા સિવિલ, આઈસીટી, કેમિકલ, ઇલેક્ટ્રિકલ સહિતની શાખાઓનાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ સેમિનારમાં મદદનીશ નિયામક રોજગાર કચેરીના કેરિયર કાઉન્સિલર રાજેશભાઈ ચૌહાણ દ્વારા રોજગારલક્ષી કાર્ડ કઢાવવાની પ્રક્રિયા, સંરક્ષણ દળોમાં ભરતી મેળાની તાલીમ, ખાનગી સંસ્થાઓમાં નોકરી માટે યોજાતા રોજગારલક્ષી મેળા સહિત શિક્ષણ મેળવ્યા બાદ સરકારી અને ખાનગી સંસ્થાઓમાં રોજગારીની તકો વિશે વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતું.
ઓવરસીઝ એમ્પ્લોયમેન્ટ ઓફિસ રાજકોટના કેરિયર કાઉન્સિલર હમીરભાઇ ચૌહાણે વિદેશ રોજગાર અને પાસપોર્ટ કઢાવવા તેમજ વિદેશ એજ્યુકેશન માટેની લોન સહિત ઉચ્ચ શિક્ષણ વિશે માર્ગદર્શન આપ્યું હતું.
પ્રાદેશિક માહિતી કચેરીના સિનિયર સબ એડિટર જીતેન્દ્ર નિમાવતે માહિતી ખાતા દ્વારા પ્રકાશિત પુસ્તિકાઓની જાણકારી આપી હતી. જેમાં ગુજરાત પાક્ષિક, રોજગાર સમાચાર, ધન્ય ધરા ગુજરાત, પ્રજાલક્ષી પંચાયતી રાજ અને ગ્રામ વિકાસ, કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક, ગુજરાતની લોક સંસ્કૃતિ અને કલા વૈભવ, મિશન વિકસિત ગુજરાત સહિત અન્ય પ્રકીર્ણ પ્રકાશનો શૈક્ષણિક કાર્ય ઉપરાંત જાહેર પરીક્ષાઓમાં આ સાહિત્યની ઉપયોગીતા વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા.
આ સેમિનારનાં અંતે પ્રાદેશિક માહિતી કચેરી દ્વારા વિદ્યાર્થીઓ તેમજ પોલિટેકનિક લાઇબ્રેરી માટે ગુજરાત પાક્ષિક સહિત પ્રકીર્ણ પુસ્તકો વિનામૂલ્યે વિતરણ કરાયા હતા.
આ સેમિનારમાં પોલિટેકનિકના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ એચ.આર.સાપરામેર, સેમિનાર કોર્ડીનેટર પી.એન.કરગટીયા, ઇલેક્ટ્રિકલ વિભાગના ઇન્ચાર્જ વડા આર. એલ. પટેલ સહિત ઇલેક્ટ્રિકલ, કેમિકલ, આઈસીટી અને સિવિલ વિભાગના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


