રાજય યોગ બોર્ડ દ્વારા આયોજીત ઉનાળુ વેકેશન બેંચનું સમાપન
૧3૦થી વધારે બાળકોને યોગ અને પ્રાણાયામનું પ્રશિક્ષણ અપાયું
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અખિલ હિન્દ મહિલા પરિષદ સંકુલ ખાતે બાળકો માટે ઉનાળુ વેકેશન યોગ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. 130 થી વધુ બાળકોએ નિયમિત રીતે સતત 15 દિવસ માટે આ વય જૂથમાં ઉપયોગી એવા યોગાસન અને યોગ અભ્યાસની અન્ય પદ્ધતિઓ નું પ્રશિક્ષણ મેળવ્યું હતું.
યોગ વર્ગનું ઉદ્ઘાટન રાજકોટના ધારાસભ્ય દર્શિતાબેન શાહે કર્યું હતું. અખિલ હિન્દ મહિલા પરિષદ રાજકોટના પ્રમુખ અને રાષ્ટ્રીય કોષાધ્યક્ષ ભાવનાબેન જોષીપુરાની અધ્યક્ષતામાં આયોજિત ઉદ્ઘાટન સમારંભમાં યોગ પ્રશિક્ષક બિનલ બહેન મહેતા, કોર્પોરેટર ચંદ્રાબેન વાળા, અરુણાબેન, માનસુર ભાઈ, યોગ નિષ્ણાત વર્ષાબેન અને રેખાબેન વિપુલભાઈ ઉપસ્થિત રહ્યા હતાં.
પૂર્ણાહુતિ સમારંભમાં ઇતિહાસવિદ્ ડો.પ્રફુલાબેન રાવલ, નીલાબેન શાહ, ધારેશ્વર યોગ સેન્ટરના કિશોરભાઈ, પારુલ દીદી, ડો મૌલી ગણાત્રા ઉપસ્થિત રહ્યા હતા. ડો.દર્શિતાબેને જણાવ્યું હતું કે ગુજરાત યોગ બોર્ડ વિવિધ વિસ્તારમાં જઈ અને આ પ્રકારે યોગ શિબિરનું આયોજન કરે છે કે ખરેખર પ્રશંસનીય છે. આપણા શેરી આપણા મહોલ્લા સુધી યોગબોર્ડ પહોંચી શકે છે તે ખરેખર ઉદાહરણરૂપ છે.
અધ્યક્ષ સ્થાનેથી ભાવના જોષીપુરા એ જણાવ્યું હતું કે અખિલ હિન્દ મહિલા પરિષદના સંકુલમાં આયોજિત આ યોગ શિબિરમાં વિસ્તારમાં વસતા પરિવારોએ પોતાના બાળકને ઉત્સાહપૂર્વક આ યોગ શિબિરમાં ભાગ લેવા માટે મોકલ્યા છે જે શરીર સંભાળ માટેની જાગૃતિ દર્શાવી જાય છે. ગુજરાત સરકાર યોગબોર્ડ દ્વારા સવિશેષ રીતે
આર્થિક પછાત વિસ્તારોમાં પણ જે રીતે કાર્યક્રમો આયોજિત થાય છે તે અભિનંદનને પાત્ર છે. યોગ બોર્ડના યોગ નિષ્ણાત બહેનો મીતાબેન તેરૈયા, વંદના બહેન દ્વારા વ્યવસ્થા નિષ્પન્ન કરવામાં આવેલ. પૂર્ણાહુતિ સમારોહ દરમિયાન પ્રત્યેક શિબિરાર્થીને પ્રમાણપત્ર અપાયેલ, બાળકોને પ્રોત્સાહન રૂપે અખિલ હિન્દ મહિલા પરિષદ દ્વારા ઉપયોગી શિક્ષણ સંબંધી સામગ્રી ભેટ અપાયેલ હતી.


