નવનિયુકત પદાધિકારીઓની પ્રથમ સ્ટેન્ડિંગ બેઠક
શાસકોએ તામજામવાળા વિકાસ કામોને હોલ્ડમાં રાખ્યા, પ્રજાહિતને પ્રધાન્ય
રેસકોર્ષ ફરતે કાયમી દિવાળી કાર્નિવલ જેવી રોશની શણગારની દરખાસ્ત અને ગ્રીન પોલીસને પેન્ડીંગમાં રાખી : સ્નાનાગારમાં જીમને વધુ પાંચ વર્ષનો કોન્ટ્રાકટ આપવાની અરજી નામંજૂર કરી
સ્ટેન્ડિંગમાં આવેલી ૨૦ દરખાસ્તમાંથી ૮૦ કરોડના કામની અરજીને લીલીઝંડી આપી
૨૦ કરોડના ખર્ચે નિર્માણ પામશે એનિમલ હોસ્ટેલ : ફાયર સ્ટેશનને મંજૂરી
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકામાં પદાધિકારીઓની નિયુકિત થયા બાદ આજે પ્રથમ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં સામાન્ય લાગતા પણ ખર્ચાળ ગણાતા કામોને નામંજૂર કર્યા છે. તો કેટલાક પેન્ડીંગ રાખવામાં આવ્યા છે. આજે ૨૦ જેટલી દરખાસ્ત પર ચર્ચા વિચારણા કરી એક અરજી નામંજૂર કરાઇ છે. જયારે ત્રણ અરજીઓ હાલ પેન્ડીંગ રાખવામાં આવી છે. તેમજ ૮૦ કરોડના વિકાસ કામોને લીલીઝંડી આપવામાં આવી છે.
રાજકોટના હૃદય સમાન ગણાતા રેસકોર્ષ રીંગ રોડને વધુ સુંદર બનાવવા નાગરિકોને કાયમ માટે દિવાળી કાર્નિવલનો અહેસાસ થાય તે માટે ૨.3૦ કરોડનો ખર્ચ કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી તેને સ્ટેન્ડીંગ દ્વારા પેન્ડીંગમાં રાખવામાં આવી છે. ઉપરાંત શહેરને હરિયાળુ બનાવવા ગ્રીન પોલીસીની પણ દરખાસ્ત કરવામાં આવી હતી. જેને પણ પેન્ડીંગ રાખવામાં આવી છે. તેમજ કાલાવડ અને પેડક રોડ પર આવેલા સ્નાનાગારમાં જીમનો કોન્ટ્રાકટ હજુ પાંચ વર્ષ લંબાવવાની દરખાસ્ત કરવામાં આવી હતી. જેને નામંજૂર કરવામાં આવી છે.
રાજકોટના સેન્ટ્રલ ઝોન હેઠળ આવતા વોર્ડ નં. 14માં સ્થિત ઐતિહાસિક સોરઠીયાવાડી ગાર્ડનની કાયાપલટ કરવાનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. આ બગીચાને આધુનિક અને તમામ સુવિધાઓથી સજ્જ બનાવવા માટે તંત્ર દ્વારા અંદાજે રૂ. 3,13,46,400નું એસ્ટીમેટ મંજૂર કરવામાં આવ્યું હતું. અંદાજે 5945 ચોરસ મીટર જેટલા વિશાળ વિસ્તારમાં ફેલાયેલા આ હૈયાત ગાર્ડનને નવું રૂપ આપવા માટેના પ્રોજેક્ટમાં અનેક આકર્ષણો ઉમેરવામાં આવ્યા છે, જેમાં ગાર્ડનની સુરક્ષા માટે આધુનિક ચોકીદાર રૂમનું નિર્માણ, હરિયાળી જાળવી રાખવા માટે અન્ડરગ્રાઉન્ડ વોટર ટેન્ક અને નવી લોન તેમજ આકર્ષક પ્લાન્ટસનું પ્લેન્ટેશન, મુલાકાતીની સુરક્ષા માટે સમગ્ર બગીચામાં સીસીટીવી કેમેરા નેટવર્કની સુવિધા ઉભી કરવામાં આવશે.
વોર્ડ નં.14ના નાગરિકોને સામાજિક અને સાંસ્કૃતિક પ્રસંગો ઉજવવા માટે સ્થાનિક સ્તરે જ ઉત્તમ સુવિધા મળી રહે તે માટે પારડી રોડ પર શેઠ હાઈસ્કૂલની બિલકુલ સામે આવેલી ટી.પી. સ્કીમ નં. 5, એફ.પી. નં. 230 વાળી જમીન પર એક નવો ભવ્ય કોમ્યુનિટી હોલ બનાવવાનું નક્કી કરાયું છે. આ પ્રોજેક્ટ માટે મહાનગરપાલિકા દ્વારા રૂ. 20,53,60,000નું ટેન્ડર એસ્ટીમેટ મંજૂર કરીને વહીવટી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.
રાજકોટનાં સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ફાયર સેફ્ટીની કામગીરી વધુ સુદ્રઢ બનાવવા અને કટોકટીના સમયે ત્વરિત કામગીરી થઈ શકે તે હેતુથી પારડી રોડ પર જ શેઠ હાઈસ્કૂલની સામે, ટી.પી. સ્કીમ નં. 5, એફ.પી. નં. 231 વાળી જગ્યા પર એક નવું અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ માટેના રહેણાંક ક્વાર્ટર્સ બનાવવાની દરખાસ્ત લાવવામાં આવી છે. આ પ્રોજેક્ટ માટે રૂ. 23,30,00,000નું એસ્ટીમેટ તૈયાર કરીને ઓનલાઈન ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું.
આ પ્રોજેક્ટ હેઠળ અંદાજીત 7480 ચોરસ મીટર જેટલા વિશાળ એરિયામાં ગ્રાઉન્ડ પ્લસ 7 માળનું (G+7) ભવ્ય બિલ્ડિંગ બનાવવામાં આવશે. આ બિલ્ડિંગની મુખ્ય વિશેષતાઓમાં ભોંયતળિયે ફાયર ફાઈટર વાહનોની અવરજવર અને કંટ્રોલ રૂમ સહિત ફાયર સ્ટેશનને લગતી તમામ અદ્યતન સગવડતાઓ ઊભી કરાશે. તો કટોકટીના સમયે ફાયરનો સ્ટાફ 24 કલાક ઘટનાસ્થળે પહોંચવા માટે તત્પર રહી શકે તે માટે આ જ બિલ્ડિંગમાં ઉપરના માળે 2 બીએચકે (2 BHK) ના કુલ 50 સ્ટાફ ક્વાર્ટર્સ બનાવવામાં આવશે.
મનપા પર દર મહિને રૂ.3૯ લાખનો ઇંધણ ખર્ચ
આઇઓસીએલ ડિઝલનો કન્ઝયુમર રેટ રૂ.૧3૭.૪૧ પ્રતિ લીટર છે. જયારે આઇઓસીએલ ડિઝલનો રીટેઇલ રેટ ૯૭.૭૨ પ્રતિ લીટર છે. આમ ડિઝલના કન્ઝયુમર રેટ, રીટેઇલ રેટ કરતા રૂ.3૯.૬૯ પ્રતિ લીટર વધુ છે. રાજકોટ મનપાના વર્ષ ૨૦૨૫-૨૬નો એવરેજ ડિઝલ વપરાશ 3૨૮૧ લીટર પ્રતિ દિવસનો હતો. તે મુજબ મનપા અને રૂ.3૯ લાખનો દર મહિને વધારાનો બોઝ પડી રહ્યો છે.


