સરસ્વતી શિશુમંદિર ખાતે છ દિવસીય યોગયેલા આચાર્ય પ્રશિક્ષણ વર્ગ સંપન્ન
શિક્ષકો ફક્ત ક્લાસ ટીચર ન બની રહેતા વિદ્યાભારતીના કાર્યકર્તા અને વિદ્યાર્થીઓના કુલગુરુ બને તેવો પ્રયાસ
અગ્ર ગુજરાત, રાજકોટ
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન તેમજ સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ રાજકોટ સંચાલિત પ્રવીણકાકા મણીઆર કેમ્પસ ખાતે આવેલા સરસ્વતી શિશુમંદિર મારૂતિનગર ખાતે છ દિવસીય વિશેષ આચાર્ય પ્રશિક્ષણ વર્ગ યોજાઈ ગયો. સંસ્થાના ચેરમેન અપૂર્વભાઈ મણીઆરના જણાવ્યા અનુસાર આ પ્રશિક્ષણ વર્ગમાં નિષ્ણાંતો દ્વારા આચાર્યોના સર્વાંગી વિકાસ માટે શૈક્ષણિક, પ્રાયોગિક અને જીવનલક્ષી કૌશલ્યોનું સઘન માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શિક્ષકો ફક્ત ક્લાસ ટીચર ન બની રહેતા તેઓ વિદ્યાભારતીના કાર્યકર્તા અને વિદ્યાર્થીઓના કુલગુરુ બને તેવો પ્રયાસ આ પ્રશિક્ષણ વર્ગમાં હાથ ધરવામાં આવ્યો હતો.
છ દિવસીય આચાર્ય પ્રશિક્ષણ વર્ગમાં શાળાના મેનેજીંગ ટ્રસ્ટી ડૉ. બળવંતભાઈ જાની, ટ્રસ્ટી અનિલભાઈ કિંગર, ખંતિલભાઈ મહેતા, સમીરભાઈ પંડિત, રક્ષિતભાઈ પટેલ તેમજ વિદ્યાભારતીના પ્રાંત પ્રશિક્ષણ પ્રમુખ શ્રીમતી ચંદાબેન કૌરાણી તથા મહેશભાઈ દૂધાતની પ્રેરક ઉપસ્થિતિમાં ભારતીય શિક્ષણ દર્શન અને પંચકોશાત્મક વિકાસ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓના શારીરિક, પ્રાણિક, માનસિક, વિજ્ઞાનમય અને આનંદમય એમ ‘પંચકોશાત્મક વિકાસ’ અને ‘પંચપદી શિક્ષણ પદ્ધતિ’ વિશે વિસ્તૃત પરિચય આપ્યો હતો. આ ઉપરાંત સંગીત શિક્ષણ, વૈદિક ગણિત તેમજ શાશ્વત શૈક્ષણિક મૂલ્યો અને ગુરુ-શિષ્ય પરંપરા પર ચર્ચા કરવામાંઇ આવી હતી. આરએસએસના મહાનગર કાર્યવાહ આશિષભાઈ શુક્લ દ્વારા સંઘની સ્થાપના અને તેની શિસ્તબદ્ધ કાર્યપદ્ધતિ સહિત સંઘની વિચારધારા આધારિત સંગઠનો વિશે માહિતી આપવામાં આવી હતી. આચાર્ય પ્રશિક્ષણ વર્ગમાં વિદ્યાભારતી સંલગ્ન શાળાઓના એકસોથી વધુ શિક્ષક ભાઈઓ – બહેનોએ ભાગ લઈ જીવન ઉપયોગી અને વર્ગખંડ શિક્ષણ આધારિત કુશળતા મેળવી હતી.


