વિસનગર પાલિકાના ભાજપના બિનહરીફ થયેલા કોર્પોરેટરનો ટ્રેન હેઠળ આપઘાત
પક્ષના નેતાના પગલાથી સમગ્ર પંથકમાં ચકચાર : વરેઠા-ગાંધીનગર પેસેન્જર ટ્રેનમાં પડતૂ મૂકી જીવન ટૂંકાવ્યું : પરિવારમાં શોક
અગ્ર ગુજરાત, વિસનગર
વિસનગરના વોર્ડ નંબર-1ના ભાજપ નગરસેવક દીપક મોદીએ વહેલી સવારે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો છે. તેઓ કાંસા એન.એ. વિસ્તારની ગણેશનગર સોસાયટીમાં રહેતા હતા. આ ઘટનામાં ટ્રેન નીચે આવી જવાથી તેમના શરીરના બે ટૂકડા થઈ ગયા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, દીપકભાઈ મોદીએ વહેલી સવારે વરેઠા-ગાંધીનગર પેસેન્જર ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હતી. આ ઘટના પટણી દરવાજાથી માટેલ હોટલ તરફ જતા માર્ગ પર આવેલા સ્મશાન નજીકના નાળા પાસે બની હતી.
દીપકભાઈ મોદી વિસનગર નગરપાલિકાની તાજેતરની ચૂંટણીમાં વોર્ડ નંબર-1માંથી બિનહરીફ વિજેતા બન્યા હતા. તેમને પાલિકામાં પક્ષના નેતા તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, 54 વર્ષના દીપક મોદી એક સેવાભાવી અને સક્રિય વ્યક્તિત્વ ધરાવતા અગ્રણી હતા, તેઓ RSSના સભ્ય તરીકે પણ જોડાયેલા હતા. તેમના પરિવારમાં એક દીકરી અને બે દીકરા એમ કુલ ત્રણ સંતાન છે. દીપકભાઈ મહિલા સખી મંડળ અને ગૃહ ઉદ્યોગના સંચાલન સાથે જોડાઈને મહિલા સશક્તિકરણ અને સ્થાનિક રોજગારીને પ્રોત્સાહન આપવામાં મહત્વનું યોગદાન આપી રહ્યા હતા. જ્યારે તેમના પત્ની ભારતીબેન મોદી કાંસા.એન.એ પંચાયતમાં સભ્ય તરીકે સેવા કરી ચૂક્યા છે.
ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને તેમના પરિચિતો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો.
ભાજપના પ્રમુખ, નગરસેવકો તેમજ કાર્યકરો સિવિલે ઉમટયા
હાલ પોલીસે પંચનામુ કરી લાશને વિસનગર સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી છે. જેની જાણ થતાં ભાજપના પ્રમુખ, શહેર ભાજપ પ્રમુખ, નગરસેવકો તેમજ ભાજપના કાર્યકરો ઉમટી પડ્યા હતા.


