રાજકોટના વિદ્યાર્થીઓએ પર્યાવરણના જતન માટે બનાવેલ ડિઝાઇન વિશ્વ ફલક પર ચમકશે
NIF ગ્લોબલ દ્વારા ૨૫ વર્ષની ઉજવણી નિમિત્તે સસ્ટેનેબલ ફેશન શો યોજાયો
૩૦૦થી વધુ વિદ્યાર્થીઓએ પર્યાવરણને અનુલક્ષી ઇકોફ્રેન્ડલી ડિઝાઇન બનાવી
પસંદ થયેલ ગારમેન્ટસને લંડન, ન્યુયોર્ક, દુબઇ અને લેકમે ફેશનવિકમાં મોકલાશે
અગ્ર ગુજરાત, રાજકોટ
NIF ગ્લોબલ રાજકોટ દ્વારા તેના ૨૫ વર્ષના ગૌરવપૂર્ણ યાત્રાની ઉજવણી ના ભાગરૂપે ૭ જુન ને રવિવારે ફેશન ડિઝાઇનના વિદ્યાર્થિઓ દ્વારા ડિઝાઇન કરાયેલા ભવ્ય સસ્ટેનેબલ (પર્યાવરણને નુકસાન કર્યા વિનાનો વિકાસ) ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માત્ર ફેશન પ્રદર્શનનો નહોતો, પરંતુ સર્જનાત્મકતા, સંશોધન, સંસ્કૃતિ, વારસા અને સસ્ટેનેબિલિટીના વિચારોને એક મંચ પર રજૂ કરતો અનોખો અનુભવ હતો.
NIF ગ્લોબલ રાજકોટના સેન્ટર ડિરેક્ટર નૌશિકભાઇ પટેલે જણાવ્યું હતું કે, આ વર્ષની ફેશન શોમાં ૩૦૦ થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા ડિઝાઇન કરાયેલ ૨૦થી વધુ કલેક્શન્સ અને ૧૬૦ થી વધુ પરિધાનો રજૂ કરવામાં આવ્યા હતા. દરેક પરિધાન વિદ્યાર્થીઓ દ્વારા સંશોધન, ડિઝાઇન વિકાસ, ટેક્સટાઇલ એક્સપ્લોરેશન અને હસ્તકૌશલ્યના આધારે તૈયાર કરવામાં આવ્યું હતું જે સમગ્ર કાર્યક્રમને ભવ્યતા અને વૈવિધ્યતા પ્રદાન કરતું હતું. દરેક કલેક્શન પાછળ ઊંડું સંશોધન, કલાત્મક અભિગમ અને સામાજિક અથવા સાંસ્કૃતિક વિચારધારા જોડાયેલી હતી. વિદ્યાર્થીઓએ ફેશનને માત્ર પરિધાન તરીકે નહીં પરંતુ વિચાર અને અભિવ્યક્તિના શક્તિશાળી માધ્યમ તરીકે રજૂ કર્યું.
આ વર્ષની થીમ સસ્ટેનેબલ એટલે કે કુદરતી સંસાધનોનો યોગ્ય ઉપયોગ કરી વસ્ત્રોની ડિઝાઇન તૈયાર કરાઇ હતી. વિવિધ કલેક્શન્સમાં ભારતીય લોકકથાઓ, પરંપરાગત કલા અને હસ્તકલા, ભૂલાઈ રહેલા ટેક્સટાઇલ્સ, માનસિક સ્વાસ્થ્ય, સામાજિક દબાણો, પર્યાવરણ સંબંધિત પ્રશ્નો, સાંસ્કૃતિક ઓળખ અને વારસાના સંરક્ષણ જેવા વિષયો પર સર્જનાત્મક રજૂઆતો કરવામાં આવી હતી.
કાર્યક્રમનું વિશેષ આકર્ષણ “અર્ધનારીશ્વર” કલેક્શન રહ્યું, જેમાં ટ્રાન્સજેન્ડર સમુદાયની ઓળખ, ગૌરવ અને સ્વીકારની વાતને ફેશન દ્વારા રજૂ કરવામાં આવી હતી. આ કલેક્શનમાં ટ્રાન્સજેન્ડર ઇન્ફ્લુએન્સર્સની ભાગીદારીને પ્રેક્ષકો દ્વારા વિશેષ પ્રશંસા મળી હતી. આ રજૂઆતે સમાજમાં સંવેદનશીલતા અને સ્વીકાર અંગે મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો.


