“સેવા પરમો ધર્મઃ” આપણા શાસ્ત્રોનો મૂળભૂત સંદેશ છે : પરાગજી અભ્યંકર
રાજકોટમાં RSS દ્વારા પ્રાંત સેવા મિલન સેવા ભારતી ગુજરાતના સહયોગથી સંપન્ન
અગ્ર ગુજરાત, રાજકોટ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સૌરાષ્ટ્ર પ્રાંત અને સેવા ભારતી ગુજરાતના સહયોગથી રાજકોટની વી.વી.પી. ઇજનેરી કોલેજ ખાતે સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે ‘પ્રાંત સેવા મિલન’નું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ સેવા પ્રકલ્પો સાથે જોડાયેલા આશરે ૫૦૦ સેવા કાર્યોના ૧,૧૦૦થી વધુ સેવાભાવી ભાઈઓ-બહેનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
પહેલી વખત યોજાયેલ આવા વિરાટ મિલનની ભૂમિકા મુકતા સૌરાષ્ટ્ર પ્રાંત પ્રચારકજી શ્રી મહેશભાઈ જીવાણી એ કચ્છના અંતિમ ગામડાંઓથી લઈને સંપૂર્ણ સૌરાષ્ટ્રના દરેક ખૂણેથી નિઃસ્વાર્થ ભાવથી સેવા કરતા લોકોના આ મિલનને સેવા કુંભ તરીકે બિરદાવ્યો હતો.
સવારથી સાંજ ચાલેલા આ કાર્યક્રમના ઉદ્ઘાટન સત્રમાં અખિલ ભારતીય સેવા પ્રમુખ પરાગજી અભ્યંકરે જણાવ્યું હતું કે “સેવા પરમો ધર્મઃ” એ ભારતીય સંસ્કૃતિનો મૂળભૂત સંદેશ છે. તેમણે જીવનરક્ષક સેવા અને જીવનનિર્માણ સેવાના મહત્વને સમજાવતા જણાવ્યું હતું કે આપત્તિના સમયમાં સહાય તેમજ શિક્ષણ અને સંસ્કાર આધારિત પ્રવૃત્તિઓ દ્વારા સમાજના સર્વાંગી વિકાસનું કાર્ય થાય છે. તેમણે સેવા પ્રવૃત્તિઓને સમાજના અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડવાની જરૂરિયાત પર ભાર ક્યો હતો.
અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત જાણીતા સ્ત્રીરોગ નિષ્ણાત અને સામાજિક કાર્યકર ડૉ. અમીબેન મહેતાએ માતૃ આરોગ્ય, બાળવિકાસ અને સમાજસેવાના ક્ષેત્રમાં થઈ રહેલા પ્રયાસોના મહત્વ અંગે માર્ગદર્શન આપતા આ પ્રકારના કામમાં પોતાનો સંપૂર્ણ સહયોગ રહેશે તેવા ભાવ વ્યક્ત કર્યા હતા.
પશ્ચિમ ક્ષેત્ર પ્રચારક સુમંતજી આમસેકરે જણાવ્યું હતું કે સમાજના કોઈપણ વ્યક્તિને મુશ્કેલીના સમયે સહાય માટે આગળ આવવું એ ભારતીય સંસ્કૃતિનું જીવંત મૂલ્ય છે. સેવા કાર્ય માત્ર સહાય પૂરતું મર્યાદિત નથી, પરંતુ સમાજમાં સ્વાભિમાન, આત્મવિશ્વાસ અને સંસ્કારોનું નિર્માણ કરવાનું અસરકારક સાધન છે.
કાર્યક્રમમાં અખિલ ભારતીય સેવા પ્રમુખ પરાગજી અભ્યંકર, સેવા ભારતી ટ્રસ્ટના પ્રમુખ તથા પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક ડૉ.જયંતીભાઈ ભાડેશીયા, સૌરાષ્ટ્ર પ્રાંતના સંઘચાલક મુકેશભાઈ મલકાણ તથા પશ્ચિમ ક્ષેત્ર પ્રચારક સુમંતજી આમસેકર ઉપસ્થિત રહ્યા હતા. પ્રાંત સેવા પ્રમુખ નારણભાઈ વેલાણીના સંચાલનમાં યોજાયેલા આ કાર્યક્રમને સફળ બનાવવા રાજકોટના આશરે ૧૩૦ કાર્યકર્તાઓએ આયોજનની જવાબદારી સંભાળી હતી.


