રિસોર્ટમાં બાળકો સાથે રમતી 15 વર્ષની આનંદીનું અચાનક મોત, હાર્ટ એટેકની આશંકા
પરસોત્તમ માસના જમણવાર પ્રસંગે પરિવાર સાથે આવેલી જામનગરની કિશોરી બેભાન થઈ ઢળી પડી
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ-જામનગર રોડ પર આવેલા એક રિસોર્ટમાં પરિવારજનો સાથે ધાર્મિક પ્રસંગે આવેલી 15 વર્ષની કિશોરીનું રમતાં રમતાં અચાનક મોત થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ, અન્ય બાળકો સાથે પકડમપટ્ટી રમતી વખતે કિશોરી અચાનક બેભાન થઈ જમીન પર ઢળી પડી હતી. તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હોવા છતાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.
જામનગરના બર્ધન ચોક વિસ્તારની રહેવાસી આનંદી રાજેશભાઈ મોદી પોતાના પરિવાર સાથે રાજકોટ આવી હતી. તેના મામા ગોપાલભાઈ કટારીયાએ પરસોત્તમ માસ નિમિત્તે જમણવારનું આયોજન કર્યું હતું, જેમાં પરિવારના સભ્યો અને સગાસંબંધીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન આનંદી અન્ય બાળકો સાથે રમતમાં મસ્ત હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, પકડમપટ્ટી રમતી વખતે તે અચાનક અસ્વસ્થ થઈ અને બેભાન થઈ ગઈ. ઘટનાના સમયે કેટલાક લોકો બાળકોની રમતોનો વીડિયો ઉતારી રહ્યા હતા, જેના કારણે સમગ્ર ઘટના કેમેરામાં પણ કેદ થઈ હોવાનું જાણવા મળ્યું છે.
પરિવારજનો દ્વારા તરત જ આનંદીને રાજકોટ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, પરંતુ ફરજ પરના તબીબોએ તપાસ બાદ તેને મૃત જાહેર કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ હોસ્પિટલ પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. પ્રાથમિક તબક્કે કિશોરીને હાર્ટ એટેક આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે મૃત્યુનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે. આનંદી પરિવારની સૌથી નાની સંતાન હતી. તેણે તાજેતરમાં ધોરણ-9 પૂર્ણ કર્યું હતું અને હવે ધોરણ-10માં પ્રવેશ લેવાની તૈયારીમાં હતી. તેના પિતા જામનગરમાં સ્ટુડિયોનો વ્યવસાય કરે છે. આનંદીના અચાનક અવસાનથી પરિવારજનો સહિત સમગ્ર સગાવહાલામાં ગમગીની છવાઈ ગઈ છે.


