પશ્ચિમ એશિયાની જંગથી વૈશ્વિક બજારમાં બ્લડબાથ
યુદ્ધના ભયે રોકાણકારોની સંપત્તિમાં રૂ. 5 લાખ કરોડનો કડાકો
ઈરાન-ઈઝરાયલ તણાવથી વૈશ્વિક બજારોમાં હાહાકાર : સેન્સેક્સ 800 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 23100ની નીચે : ક્રૂડ ઓઈલ 96 ડોલરને પાર જતાં મોંઘવારીની ચિંતા વધી
અગ્ર ગુજરાત, નવી દિલ્હી
પશ્ચિમ એશિયામાં ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ભભૂકેલા યુદ્ધે સોમવારે વૈશ્વિક નાણાકીય બજારોને ધ્રુજાવી દીધા હતા. તેની સીધી અસર ભારતીય શેરબજાર પર જોવા મળી હતી, જ્યાં દલાલ સ્ટ્રીટ પર ‘બ્લેક મન્ડે’ જેવી સ્થિતિ સર્જાઈ હતી. બજાર ખુલતાની સાથે જ ભારે ગભરાટભરી વેચવાલી શરૂ થતાં સેન્સેક્સ 800થી વધુ પોઈન્ટ તૂટી ગયો હતો, જ્યારે નિફ્ટી પણ 250 પોઈન્ટનો જોરદાર ફટકો ખાઈ 23100ની સપાટીની નજીક પહોંચી ગયો હતો. માત્ર થોડા જ સમયમાં રોકાણકારોની સંપત્તિમાં અંદાજે રૂ. 5 લાખ કરોડનો ધોવાણ નોંધાયો હતો.
વૈશ્વિક સ્તરે યુદ્ધના જોખમો વધતાં રોકાણકારોએ જોખમી રોકાણોમાંથી નાણા ખેંચવાની શરૂઆત કરી હતી. તેના પરિણામે શેરબજારમાં લગભગ તમામ સેક્ટરોમાં વેચવાલી જોવા મળી હતી. સેન્સેક્સની ટોચની 30 કંપનીઓમાંથી 28 કંપનીઓના શેર ઘટાડા સાથે ટ્રેડ થયા હતા. ખાસ કરીને એવિએશન, મેટલ, ફાઈનાન્સ અને આઈટી ક્ષેત્રના શેરો પર સૌથી વધુ દબાણ જોવા મળ્યું હતું.
ઈન્ડિગો, બજાજ ફાઈનાન્સ, ટાટા સ્ટીલ, એશિયન પેઈન્ટ્સ, ટીસીએસ અને અન્ય બ્લુચિપ કંપનીઓના શેરોમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. બીજી તરફ, અનિશ્ચિતતાના માહોલમાં ફાર્મા અને હેલ્થકેર ક્ષેત્ર રોકાણકારો માટે સુરક્ષિત આશ્રયસ્થાન તરીકે ઉભરી આવ્યા હતા. સન ફાર્મા અને ટેક મહિન્દ્રા જેવા કેટલાક શેરો મર્યાદિત વધારા સાથે ટ્રેડ થતા જોવા મળ્યા હતા. ભારતીય બજારમાં આ કડાકો માત્ર સ્થાનિક કારણોસર નહોતો. સમગ્ર એશિયન બજારો યુદ્ધની અસરમાં સપડાયા હતા. દક્ષિણ કોરિયાના બજારમાં 9 ટકા જેટલો ઐતિહાસિક ઘટાડો નોંધાયો હતો, જેના કારણે અસ્થાયી રીતે ટ્રેડિંગ રોકવાની ફરજ પડી હતી. જાપાનનો નિક્કી ઈન્ડેક્સ પણ લગભગ 5 ટકા તૂટી પડ્યો હતો. રોકાણકારોમાં ભયનો માહોલ એટલો ગાઢ હતો કે સલામત રોકાણ ગણાતા સોનું અને ડોલર તરફ નાણાંનું સ્થળાંતર શરૂ થઈ ગયું હતું.
બજારમાં સૌથી મોટું દબાણ ક્રૂડ ઓઈલના ભાવોમાં આવેલા ઉછાળાના કારણે ઊભું થયું છે. બ્રેન્ટ ક્રૂડનો ભાવ વધીને 96 ડોલર પ્રતિ બેરલને પાર પહોંચી ગયો છે, જ્યારે ભારતીય ઓઈલ બાસ્કેટ પણ 100 ડોલરની સપાટીને વટાવી ગઈ છે. ભારત પોતાની જરૂરિયાતનું મોટાભાગનું કાચું તેલ આયાત કરતું હોવાથી આ વધારો સીધો અર્થતંત્ર પર અસરકારક બની શકે છે. અર્થશાસ્ત્રીઓના મતે જો પશ્ચિમ એશિયાનો સંઘર્ષ લાંબો ચાલશે તો ભારતમાં મોંઘવારી, વેપાર ખાધ અને ચલણ પર દબાણ વધવાની શક્યતા છે. આવી સ્થિતિમાં શેરબજારમાં અસ્થિરતા આગામી દિવસોમાં પણ યથાવત રહેવાની શક્યતા નકારી શકાય તેમ નથી.
રૂ. 5 લાખ કરોડનો ઝાટકો
* શરૂઆતની મિનિટોમાં જ રોકાણકારોની સંપત્તિમાં મોટું ધોવાણ
* માર્કેટ કેપિટલાઈઝેશનમાં ભારે ઘટાડો
* સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં વધુ અસર
સૌથી વધુ કયા શેર તૂટ્યા?
* ઈન્ડિગો
* બજાજ ફાઈનાન્સ
* ટાટા સ્ટીલ
* એશિયન પેઈન્ટ્સ
* ટીસીએસ
* અન્ય બ્લુચિપ શેરોમાં પણ વેચવાલી
કયા શેર બન્યા રક્ષણ કવચ?
* સન ફાર્મા
* ટેક મહિન્દ્રા
* ફાર્મા સેક્ટર
* હેલ્થકેર સેક્ટર
* ડિફેન્સિવ શેરોમાં મર્યાદિત ખરીદી
એશિયન બજારોમાં હાહાકાર
* દક્ષિણ કોરિયા 9% સુધી તૂટ્યું
* ટ્રેડિંગ 20 મિનિટ માટે રોકવું પડ્યું
* જાપાનનો નિક્કી 5% નીચે
* સમગ્ર એશિયામાં જોખમથી બચવાની વૃત્તિ
ક્રૂડ ઓઈલ કેમ બન્યું ચિંતાનું કારણ?
* બ્રેન્ટ ક્રૂડ 96 ડોલરને પાર
* ભારતીય ઓઈલ બાસ્કેટ 100 ડોલરની ઉપર
* આયાત ખર્ચમાં વધારો
* પેટ્રોલ-ડીઝલ પર દબાણ
ભારત માટે શું ખતરો?
* મોંઘવારી વધવાનો ભય
* વેપાર ખાધ વધી શકે
* રૂપિયામાં નબળાઈ
* સરકારની નાણાકીય ગણતરીઓ પર અસર
રોકાણકારોએ શું કરવું?
* ગભરાટમાં વેચવાલી ટાળવી
* ગુણવત્તાવાળા શેરોમાં રોકાયેલા રહેવું
* લાંબા ગાળાની વ્યૂહરચના જાળવવી
* જોખમ પ્રમાણે પોર્ટફોલિયોનું વિવિધીકરણ કરવું
આગળ શું નજર રાખવી?
* ઈરાન-ઈઝરાયલ સંઘર્ષની સ્થિતિ
* ક્રૂડ ઓઈલના ભાવ
* ડોલર ઇન્ડેક્સની ચાલ
* વિદેશી રોકાણકારોની ખરીદી-વેચવાલી
* આરબીઆઈ અને સરકારના આગામી પગલાં


