વલ્લભીપુરમાં પશુચોર ‘મસડા ગેંગ’ને દબોચી લેતી પોલીસ
દરેક ચોરી વખતે કારનો રંગ બદલી નાખતાં : માસ્ટર માઇન્ડ ‘ઇદ્રીશ ઉર્ફે બના’ સામે અત્યાર સુધીમાં ૨૦થી વધુ અને તેના અન્ય સાગરીતો સામે ૭થી વધુ ગંભીર ગુનાઓ
અગ્ર ગુજરાત, વલ્લભીપુર
ભાવનગરના વલ્લભીપુર પંથકમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી પશુપાલકો અને માલધારીઓમાં ફફડાટ ફેલાવનાર પશુચોર ટોળકી આખરે પોલીસના સકંજામાં આવી ગઈ છે. માત્ર ત્રણ દિવસ પૂર્વે જ અમારા માધ્યમ દ્વારા પશુ ચોરી કરતા ઈસમોના આતંક અને માલધારીઓની વ્યથા રજૂ કરતી સ્ટોરી પ્રસિદ્ધ કરવામાં આવી હતી, જેની ધારદાર અસર જોવા મળી. આ અહેવાલ બાદ તંત્ર ઘેરી ઊંઘમાંથી જાગ્યું હતું અને પોલીસની ટીમે આ કુખ્યાત ગેંગને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.
વલ્લભીપુર પોલીસને આ એક મોટી સફળતા હાથ લાગી છે. પંથકમાં લાંબા સમયથી હાહાકાર મચાવતી કુખ્યાત ‘મસડા ગેંગ’ના સાગરીતોને પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. આ કોઈ સામાન્ય ચોરી કરનાર ગેંગ નહોતી, પરંતુ તેમની મોડસ ઓપરેન્ડી એકદમ હાઈટેક અને ચોંકાવનારી હતી.
શાતિર ગુનેગારો એવી રીતે ચોરીને અંજામ આપતા હતા કે, દરેક વખતે પોતાની સ્કોર્પિયો ગાડીનો રંગ બદલી નાખતા, જેથી પોલીસને તેમને પકડવામાં મુશ્કેલી પડે. આ ગેંગનો માસ્ટર માઇન્ડ ‘ઇદ્રીશ ઉર્ફે બના’ છે, જેની સામે અત્યાર સુધીમાં ૨૦થી વધુ અને તેના અન્ય સાગરીતો સામે ૭થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.
આખરે આ હાઈટેક ગેંગના ઝડપાઈ જવાથી વલ્લભીપુર પંથકના પશુપાલકો અને માલધારીઓએ હાશકારો અનુભવ્યો છે. પોલીસની આ કામગીરીને સ્થાનિકો દ્વારા પણ બિરદાવવામાં આવી રહી છે.


