અરડોઇમાં વિદ્યાર્થીઓને બચાવવા જતા સર્જાયેલા અકસ્માતમાં યુવકનું મોત
બાઈક સ્લીપ થતાં ગંભીર ઇજા પામેલા 29 વર્ષીય યુવકે રાજકોટની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા
અગ્ર ગુજરાત, રાજકોટ
કોટડા સાંગાણી તાલુકાના અરડોઇ ગામે માનવતાભર્યો પ્રયાસ એક યુવાન માટે જીવલેણ સાબિત થયો હતો. રસ્તા પર અચાનક આવી ગયેલા સ્કૂલના વિદ્યાર્થીઓને બચાવવા જતાં બાઈક સ્લીપ થઈ જતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ અરડોઇ ગામના રહેવાસી કેતનભાઈ મનસુખભાઈ સાંગાણી (ઉ.વ. 29) બાઈક લઈને ગામમાં પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન અચાનક કેટલાક સ્કૂલના વિદ્યાર્થીઓ રસ્તા વચ્ચે આવી જતા અકસ્માત ટાળવા માટે તેમણે બાઈક પરનો કાબૂ ફેરવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આ દરમિયાન બાઈક સ્લીપ થઈ જતાં તેઓ ગંભીર રીતે ઘવાયા હતા. અકસ્માત બાદ તેમને તાત્કાલિક સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોની સારવાર છતાં તેમની સ્થિતિમાં સુધારો ન થતા અંતે તેમનું મોત નિપજ્યું હતું. હોસ્પિટલ તરફથી જાણ થતાં ગાંધીગ્રામ પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. પોલીસે અકસ્માત અંગે નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે. યુવાન વયે કેતનભાઈના અવસાનથી સાંગાણી પરિવારમાં અને અરડોઇ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.


