નર્મદા નહેરમાંથી આવતીકાલથી સિંચાઇ માટે પાણી છોડવાની સરકારની જાહેરાત
ચોમાસા પૂર્વે પાક માટે પૂરતી વ્યવસ્થા કરવા લેવાયો નિર્ણય
અગ્ર ગુજરાત, ગાંધીનગર
રાજ્યના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ નિર્ણય લેતા આગામી 11 જૂન, ગુરુવારથી નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડવાની જાહેરાત કરી છે. ચોમાસા પૂર્વે ખેડૂતોને પાક માટે પૂરતું સિંચાઈનું પાણી મળી રહે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
નર્મદા કમાન્ડ વિસ્તારના અનેક ધારાસભ્યો અને સાંસદોએ ખેડૂતોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી સિંચાઈ માટે વહેલું પાણી છોડવાની રજૂઆત મુખ્યમંત્રી સમક્ષ કરી હતી. રજૂઆતોને ગંભીરતાથી લઈને મુખ્યમંત્રીએ તાત્કાલિક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી નર્મદા યોજનામાં ઉપલબ્ધ પાણીના જથ્થાની સમીક્ષા કરી હતી.
બેઠક દરમિયાન ખેડૂતોના પાકને પાણીની તાત્કાલિક જરૂરિયાતને ધ્યાનમાં રાખીને નર્મદા નહેરોમાંથી આયોજન કરતાં વહેલાં પાણી છોડવાનો નિર્ણય લેવાયો હતો. તેના પરિણામે હવે 11 જૂનથી રાજ્યના વિવિધ નર્મદા કમાન્ડ વિસ્તારોમાં સિંચાઈ માટે પાણી પહોંચશે, જેનાથી હજારો ખેડૂતોને સીધો લાભ મળશે.
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં સરદાર સરોવર નર્મદા નિગમના અધ્યક્ષ મુકેશ પૂરી, પાણી પુરવઠા વિભાગના અગ્ર સચિવ શાહમીના હુસેન, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે, સચિવ ડૉ. અજય કુમાર સહિત નર્મદા નિગમ અને પાણી પુરવઠા વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


