રાજકોટ સહિત રાજયભરમાં કાલથી બોર્ડની પૂરક પરીક્ષાનો થશે પ્રારંભ
આરોગ્ય સહિતની તમામ વ્યવસ્થા તંત્ર દ્વારા કરાઇ : પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
અગ્ર ગુજરાત, રાજકોટ
આગામી 11 જૂનથી 20 જૂન સુધી ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની બેસ્ટ ઓફ ટુ માટે પરીક્ષા યોજવાની છે. પરીક્ષા શાંતિ પૂર્ણ માહોલમાં યોજાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવશે. તેમજ અસહ્ય ગરમીના કારણે આરોગ્ય વિભાગની ટીમ પણ દરેક સેન્ટર પર રાખવામાં આવશે. ગુજરાત બોર્ડની બેસ્ટ ઓફ ટુ માટેની પરિક્ષામાં જે વિદ્યાર્થીઓ મુખ્ય પરીક્ષામાં નાપાસ થયા છે અને જે લોકો પહેલા પરિણામથી સંતુષ્ટ નથી જેથી પરિણામ સુધારવા માટે બીજી વખત પરીક્ષા આપવાના છે. જેથી જે વિદ્યાર્થીઓ બેસ્ટ ઓફ ટુ માટે પરીક્ષા આપશે તેમના મુખ્ય અને પૂરક પરીક્ષામાંથી જે ગુણ વધુ હોય તે અંતિમ પરિણામમાં ગણવામાં આવશે. જેથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પરિણામ સુધારવા માટે બેસ્ટ ઓફ ટુ માટેની પરીક્ષા આપી રહ્યા છે.
પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતી ન થાય તે માટે તમામ સેન્ટર પર CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. પરીક્ષાની કામગીરીમાં સંકળાયેલા લોકોને તાલીમ પણ આપવામાં આવી છે. તેમજ જે તે વિષયના વિષય શિક્ષકોને જે તે વિષયની પરીક્ષા વખતે સુપરવિઝનમાંથી મુક્ત રાખવામાં આવ્યા છે. પરીક્ષા દરમિયાન CCTV કેમેરાની સી.ડી.ની દરરોજ ચકાસણી ખાસ બે સેન્ટર પર અલગ ટીમની રચના પણ કરવામાં આવી છે. અસહ્ય ગરમીના કારણે વિદ્યાર્થીઓ અને સ્ટાફ પુરતા પીવાના પાણીની વ્યવસ્થા કરવાની સૂચના અપાઈ છે. તેમજ દરેક સેન્ટર પર આરોગ્ય વિભાગની ટીમ પણ રાખવામાં આવશે.


