બાલાજી વેફર્સમાંથી છોડાતા કેમિકલ યુકત પાણીથી સાત ગામની ખેતીની જમીનને અસર
વડવાજડી, વીરડા વાજડી, વાજડી ગઢ, વેજાગામ, રોણકી, ઇશ્વરીયા અને હરિપર ગામમાં બોરવેલના પાણી પ્રદુષિત બન્યાના આક્ષેપ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ નજીક આવેલી જાણીતી બાલાજી વેફર્સ (Balaji Wafers) ફેક્ટરીમાંથી નીકળતા કથિત પ્રદૂષિત પાણીના મુદ્દે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક ગ્રામજનો અને આગેવાનોના આક્ષેપ મુજબ ફેક્ટરીમાંથી છોડવામાં આવતું ગંદુ પાણી આસપાસના જળસ્ત્રોતો, ખેતીની જમીન અને પશુપાલન પર ગંભીર અસર પહોંચાડી રહ્યું છે.
ગ્રામજનોના જણાવ્યા અનુસાર વડવાજડી સહિતના અનેક ગામોમાં છેલ્લા કેટલાક સમયથી પાણી પ્રદૂષણની સમસ્યા વધી રહી છે. વડવાજડી, વીરડા વાજડી, વાજડી ગઢ, વેજગામ, રોણકી, ઈશ્વરીયા અને હરિપર જેવા ગામોના લોકોનો દાવો છે કે ફેક્ટરી (Balaji Wafers)માંથી છોડાતા પાણીના કારણે સ્થાનિક બોરવેલ અને સિંચાઈ માટેના પાણીની ગુણવત્તા પર અસર પડી રહી છે.
સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે પ્રદૂષિત પાણીના કારણે જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે અને ખેતીના ઉત્પાદન પર પણ નકારાત્મક અસર જોવા મળી રહી છે. ઘણા ખેડૂતોને આર્થિક નુકસાનનો સામનો કરવો પડી રહ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
પશુપાલકો દ્વારા પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. ગ્રામજનોનું કહેવું છે કે પશુઓ માટે ઉપલબ્ધ પાણીના સ્ત્રોતો પ્રદૂષિત થતા પશુઓના સ્વાસ્થ્ય પર જોખમ ઊભું થયું છે. કેટલાક લોકોએ રોગચાળો ફેલાવાની ભીતિ પણ વ્યક્ત કરી છે.
હાલ આ મુદ્દો સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે અને ગ્રામજનો દ્વારા પ્રદૂષણ રોકવા માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરવામાં આવી રહી છે.
GPCB સામે પણ લોકોમાં ભારે રોષ
સ્થાનિક અગ્રણીઓ અને પૂર્વ સરપંચોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, બાલાજી વેફર્સ દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR)ના નામે માત્ર મોટો દેખાડો કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતામાં તેઓ ગ્રામજનોનું જીવવું હરામ કરી રહ્યા છે. નેતાઓ અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સામે પણ લોકોમાં ભારે રોષ છે. ગ્રામજનોનો આરોપ છે કે અધિકારીઓ કુંભકર્ણની નિદ્રામાં છે અને રાજકીય નેતાઓ માત્ર ચૂંટણી ટાણે જ મોઢું બતાવે છે, બાકીના સમયે તેઓ મોટા ઉદ્યોગગૃહો સામે નતમસ્તક થઈ જાય છે. જો આ પ્રદૂષણ પર તાત્કાલિક રોક લગાવવામાં નહીં આવે, તો આવનારા દિવસોમાં આ સમગ્ર વિસ્તાર રહેવાલાયક નહીં રહે તેવી ભયાનક સ્થિતિ સર્જાઈ છે.


