છેલ્લા સપ્તાહમાં અસંખ્ય કર્મચારી ઝપટે ચડયા
આણંદમાં મહિલા ASI અને હેડ કોન્સ્ટેબલ રૂશ્વત લેતા ઝડપાયા
પુત્રવધુ દ્વારા કરવામાં આવેલી અરજીમાં હેરાન નહી કરવા લાખ રૂપિયા માંગ્યા હતા : ACBનો સપાટો
અગ્ર ગુજરાત, આણંદ
એસીબીએ મોટી ટ્રેપ કરીને બે મહિલા પોલીસકર્મીઓને ઝડપી લીધા છે. તેમની પાસેથી 1 લાખ 10 હજાર રૂપિયાની રિકવરી કરવામાં આવી છે. ફરિયાદી અને તેમના પરિવારના સભ્યો સામે મહિલા પોલીસ સ્ટેશનમાં પુત્રવધુ દ્વારા કરવામાં આવેલી અરજી સંદર્ભે તપાસ ચાલી રહી હતી.
આ અરજીમાં ફરિયાદી તથા તેમના પરિવારને હેરાન ન કરવા તેમજ ફરિયાદીના પુત્રનો પાસપોર્ટ જમા ન લેવા બદલ આરોપી મહિલા ASIએ રૂ.1.10 લાખની લાંચની માંગણી કરી હતી.
આ અરજીની તપાસ મહિલા હેડ કોન્સ્ટેબલ દ્વારા કરવામાં આવતી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીમાં સંપર્ક કર્યો હતો ACBએ આણંદ રેલવે સ્ટેશન નજીક રેલવે ગોદી વિસ્તારમાં ટ્રેપ કરી હતી. જેમાં મહિલા ASIએ ફરિયાદી પાસેથી રૂ.1.10 લાખની લાંચ સ્વીકારી હતી. અને ACB ની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને બંને આરોપીઓને સ્થળ પરથી ઝડપી પાડ્યા હતા.


