ઉપલેટામાં રાજનેતાના ખાનગી શોરૂમમાં સરકારી સ્ટ્રીટલાઇટથી થતા અજવાળા
પાલિકાની વીજળીનો દુરૂપયોગ થતો હોવાના આક્ષેપ : મહિલા ચેરમેનના પતિ ઓફિસમાં બેસી સામ્રાજય ચલાવતા હોવાની રાવ
અગ્ર ગુજરાત, ઉપલેટા
ઉપલેટા નગરપાલિકા હાલમાં વહીવટી ગેરરીતિઓ, દાદાગીરી અને ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ હોવાની ભારે ચર્ચાઓ શહેરમાં જાગી છે. નગરપાલિકાના મહિલા ચેરમેનની જગ્યાએ તેમના પતિદેવ ખુદ ઓફિસમાં બેસીને પોતાનું સામ્રાજ્ય ચલાવતા હોવાની ગંભીર ફરિયાદો અરજદારો અને કેટલાક સદસ્યો દ્વારા ઉચ્ચ કક્ષાએ કરવામાં આવી છે. આ ઉપરાંત, શહેરમાં આવેલ એક રાજનેતાના ખાનગી વાહનના શોરૂમમાં નગરપાલિકાની સરકારી સ્ટ્રીટ લાઈટના કનેક્શનમાંથી ગેરકાયદેસર રીતે વીજળીનો વપરાશ થતો હોવાનું મોટું કૌભાંડ પણ સામે આવ્યું છે. છેલ્લા ઘણા મહિનાઓથી સરકારી વીજળીથી આ શોરૂમ રાત્રિ દરમિયાન ઝળહળતો હતો. આખરે જ્યારે તંત્ર દ્વારા આ ગેરકાયદેસર કનેક્શન કાપી નાખવામાં આવ્યું અને શોરૂમ બહાર અંધારપટ છવાઈ ગયો, ત્યારે લાલઘૂમ થયેલા આ રાજનેતા દ્વારા અધિકારીઓને ડરાવવા અને દબાવવાના પ્રયાસો થઈ રહ્યા હોવાની માહિતી પણ સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ રહી છે.
બીજી તરફ, નગરપાલિકાની કચેરીમાં જ કર્મચારીઓ અને અધિકારીઓ સરકારી ખર્ચે જલસા કરી રહ્યા હોવાનું બહાર આવ્યું છે. વિવિધ વિભાગોની ઓફિસોમાં કોઈપણ પ્રકારની મંજૂરી વિના એર કન્ડિશનર (AC) ફીટ કરી દેવામાં આવ્યા છે. ૧૭ થી ૨૦ ડિગ્રી તાપમાન સેટ કરીને કરાર આધારિત કર્મચારીઓ સહિતનો સ્ટાફ ઠંડક માણી રહ્યો છે. એટલું જ નહીં, કેટલીક ઓફિસોમાં દરવાજા પર કાળા કાચ પણ લગાવી દેવામાં આવ્યા છે, જેથી અંદરની કોઈ ગતિવિધિ બહાર ન દેખાય. થોડા દિવસો પહેલાં રજાના દિવસે નગરપાલિકા કચેરીમાં અમુક કર્મચારીઓ એકત્રિત થઈને ગેરકાયદેસર રીતે ‘રંગરેલિયા’ મનાવતા હોવાની ચકચારી ઘટના પણ પ્રકાશમાં આવી છે. આ ગંભીર બાબત ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચી હોવા છતાં, હજુ સુધી કોઈ તપાસ કે નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.
નગરપાલિકા કચેરીમાં સીસીટીવી કેમેરાનો સદંતર અભાવ આ પ્રકારની ગેરરીતિઓને મોકળું મેદાન પૂરું પાડી રહ્યો છે. અગાઉના એક ચીફ ઓફિસરે સીસીટીવી લગાવવાની લેખિત બાંહેધરી આપી હતી, પરંતુ એક વર્ષ વીતવા છતાં હજુ સુધી એક વાયર કે ખીલી પણ ક્યાંય જોવા મળતી નથી. નગરપાલિકામાં લાખો-કરોડો રૂપિયાના બિલ આસાનીથી પાસ થઈ રહ્યા છે અને એકતરફી શાસન ચલાવીને નિયમોના ખુલ્લેઆમ ધજાગરા ઉડાવવામાં આવી રહ્યા છે. પૂર્વ પદાધિકારીઓ અને નગરસેવકો દાદાગીરી કરી રાજાશાહી ઠાઠ ભોગવી રહ્યા છે. ત્યારે હવે જાગૃત નાગરિકો અને સ્થાનિક રાજકીય આગેવાનો મીટ માંડીને બેઠા છે કે, ઉચ્ચ અધિકારીઓ આ સમગ્ર મામલે આંખે કાળા ચશ્મા પહેરીને તેને અવગણશે કે પછી તંત્રને સુધારવા કોઈ કડક પગલાં ભરશે. આ મામલે લોકોની નજર હવે આગામી કાર્યવાહી પર મંડાયેલી છે.


