ચોટીલા પાસે કેમિકલ ચોરીના ગોરખધંધાનો પર્દાફાશ, SMC એ 46 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
નાની મોલડી ગામ નજીક હોટલ પાછળ ખુલ્લા પટમાં ચાલતું હતું કૌભાંડ; બે આરોપી ઝડપાયા, મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ શખ્સો ફરાર, 8,330 કિલો કેમિકલ અને બે વાહનો કબજે
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજ્યભરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સક્રિય બનેલી સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે રાજકોટ રેન્જમાં વધુ એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. ચોટીલા તાલુકાના નાની મોલડી ગામ નજીક કેમિકલ ચોરીના કૌભાંડનો પર્દાફાશ કરતાં પોલીસે અંદાજે રૂ.46 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે સમગ્ર કૌભાંડના મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ એસએમસીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે રાજકોટ-અમદાવાદ હાઇવે પર આવેલી પવનપુત્ર રાજસ્થાની હોટલ પાછળના ખુલ્લા વિસ્તારમાં ગેરરીતિથી કેમિકલનો જથ્થો સંગ્રહ કરી તેની હેરફેર કરવામાં આવી રહી છે. બાતમીના આધારે પીઆઇ એ.જે. ચૌહાણના માર્ગદર્શન હેઠળ ટીમે સ્થળ પર દરોડો પાડતા ગેરકાયદેસર પ્રવૃત્તિનો ભાંડો ફૂટ્યો હતો.
દરોડા દરમિયાન પોલીસે ચુનીલાલ તુલસીરામ ગામેતી અને આશિષકુમાર બદરીપ્રસાદ યાદવને સ્થળ પરથી ઝડપી લીધા હતા. તપાસ દરમિયાન ત્યાંથી અંદાજે રૂ.10.81 લાખની કિંમતનું 8,330 કિલો કેમિકલ મળી આવ્યું હતું. ઉપરાંત કેમિકલની હેરફેરમાં વપરાતા બે વાહનો, રોકડ રકમ, મોબાઇલ ફોન તેમજ પ્લાસ્ટિકના બેરલ સહિત કુલ રૂ.45.98 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ સમગ્ર કૌભાંડનો માસ્ટરમાઇન્ડ ભુપત બાવકુ પટગીર હોવાનું માનવામાં આવે છે. તેની સાથે ભાગીદાર હિતેશ ઉર્ફે ભાણો બચુ સોલંકી અને ભગીરથ ફીચડ પણ સંડોવાયેલા હોવાનું ખુલ્યું છે. જોકે દરોડા સમયે આ ત્રણેય શખ્સો હાથ લાગ્યા ન હોવાથી તેમને ફરાર જાહેર કરી શોધખોળ શરૂ કરવામાં આવી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કેસમાં સંડોવાયેલા કેટલાક આરોપીઓ અગાઉ પણ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ નોંધાયેલા ગુનાઓમાં પકડાઈ ચૂક્યા છે. હાલ એસએમસી દ્વારા કેમિકલ ક્યાંથી ચોરવામાં આવતું હતું, તેનો ઉપયોગ ક્યાં થવાનો હતો અને કૌભાંડમાં અન્ય કોણ-કોણ સંકળાયેલા છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.


