ફિલ્મમાં રોલની લાલચે રાજકોટની સગીરા પર દુષ્કર્મ મામલે પ્રોડ્યુસર-ડાયરેક્ટરને હાઈકોર્ટનો ઝટકો
કાસ્ટિંગ કાઉચ જેવા ગંભીર કેસમાં જામીન નામંજૂર; સાક્ષીઓને પ્રભાવિત કરવાની શક્યતા ગણાવી ટ્રાયલ ઝડપથી પૂર્ણ કરવાનો આદેશ
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાતી ફિલ્મ જગત સાથે સંકળાયેલા પ્રોડ્યુસર અને ડાયરેક્ટર જયેશ તંબોલિયાને સગીરા પર દુષ્કર્મ અને શારીરિક શોષણના કેસમાં ગુજરાત હાઈકોર્ટમાંથી કોઈ રાહત મળી નથી. ફિલ્મમાં રોલ અપાવવાની લાલચ આપીને સગીરાનું લાંબા સમય સુધી શોષણ કર્યાના આક્ષેપોને ગંભીર ગણાવતા કોર્ટે તેમની નિયમિત જામીન અરજી ફગાવી દીધી હતી. સાથે જ ટ્રાયલ કોર્ટને કેસની સુનાવણી ઝડપી ગતિએ પૂર્ણ કરવા સૂચના પણ આપી છે.
ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી પોક્સો ફરિયાદ મુજબ આરોપીએ ફિલ્મમાં તક અપાવવાના બહાને સગીરાને પોતાની ઓફિસે બોલાવી હતી. ફરિયાદમાં એવો આક્ષેપ છે કે કેફી પદાર્થ પીવડાવી યુવતીને અર્ધબેભાન બનાવી તેની સાથે વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ઘટનાક્રમ લાંબા સમય સુધી ચાલ્યો હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
જામીન અરજી દરમિયાન બચાવ પક્ષે દલીલ કરી હતી કે ફરિયાદ ખૂબ મોડેથી નોંધાવવામાં આવી છે અને આરોપી વિરુદ્ધ કોઈ મજબૂત ટેકનિકલ અથવા સ્વતંત્ર પુરાવા તપાસમાં એકત્રિત થયા નથી. જમીન સંબંધિત વિવાદને કારણે ખોટી ફરિયાદ નોંધાવવામાં આવી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો. આરોપી લાંબા સમયથી જેલમાં હોવાની દલીલ સાથે જામીનની માંગ કરવામાં આવી હતી.
જોકે, સરકાર અને ફરિયાદી પક્ષે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે ઘટનાના સમયે પીડિતા સગીર વયની હતી અને આરોપીએ પોતાના પ્રભાવનો ઉપયોગ કરીને ફિલ્મમાં કામ આપવાનું પ્રલોભન આપ્યું હતું. ભોગ બનનારના નિવેદનો અને મેડિકલ હિસ્ટ્રી સહિતના પ્રાથમિક પુરાવાઓ આરોપીની સંડોવણી તરફ સ્પષ્ટ સંકેત આપે છે.
કોર્ટે નોંધ્યું હતું કે મેજિસ્ટ્રેટ સમક્ષ આપવામાં આવેલા નિવેદનમાં પીડિતાએ સમગ્ર ઘટનાક્રમનું વર્ણન કર્યું છે. કેસની પ્રકૃતિને ધ્યાનમાં રાખીને તેને ‘કાસ્ટિંગ કાઉચ’ સાથે સંકળાયેલો ગંભીર પ્રકારનો મામલો ગણાવવામાં આવ્યો હતો. તપાસમાં કેટલીક ખામીઓ હોવા છતાં તે આધારે આરોપીને જામીન આપવાનું યોગ્ય ન હોવાનું કોર્ટે સ્પષ્ટ કર્યું હતું.
હાઈકોર્ટે વધુમાં અવલોકન કર્યું કે સગીરાના ભવિષ્ય સાથે જોડાયેલા આવા સંવેદનશીલ અને ગંભીર ગુનાઓમાં માત્ર ફરિયાદ મોડેથી નોંધાઈ હોવાના આધારે કેસની ગંભીરતા ઓછી થઈ શકતી નથી. આરોપી પ્રભાવશાળી વ્યક્તિ હોવાથી પુરાવા સાથે ચેડાં કરવા અથવા સાક્ષીઓને પ્રભાવિત કરવાની શક્યતા પણ નકારી શકાય તેમ નથી. આ કારણોસર જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી. સાથે જ ટ્રાયલ કોર્ટને કેસની કાર્યવાહી ઝડપી ગતિએ આગળ વધારી શક્ય હોય તેટલી વહેલી તકે, ખાસ કરીને આગામી છ મહિનાની અંદર ટ્રાયલ પૂર્ણ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.


