આંતરરાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓ તૈયાર કરવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કવાયત
તા.૧૯ થી ૨૫ સુધી મેગા સ્પોર્ટસ સમર કોચિંગ કેમ્પનું ભવ્ય આયોજન
અગ્ર ગુજરાત, રાજકોટ
યુવા ખેલાડીઓની પ્રતિભાને વધુ નિખારવા અને તેમને ઓલ ઈન્ડિયા તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓ માટે તૈયાર કરવાના ઉમદા હેતુ સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તા. 19 થી 25 જૂન, 2026 દરમિયાન સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે મેગા સ્પોર્ટ્સ સમર કોચિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ઉત્પલ જોશી અને રજીસ્ટ્રાર ડૉ. અજયસિંહ જાડેજાના માર્ગદર્શન અને મંજૂરીથી આયોજિત આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ ખેલાડીઓને ઉચ્ચ કક્ષાની તાલીમ, આધુનિક રમતગમતનું જ્ઞાન અને સ્પર્ધાત્મક તૈયારી પૂરી પાડી તેમને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ પ્રદર્શન માટે સજ્જ કરવાનો છે.
સમર કોચિંગ કેમ્પ દરમિયાન બાસ્કેટબોલ, બેડમિન્ટન, જુડો, કબડ્ડી, એથ્લેટિક્સ, યોગા, વોલીબોલ હોકી સહિત વિવિધ રમતોની વિશેષ તાલીમ આપવામાં આવશે. ખેલાડીઓને રમતની ટેકનિક, ફિટનેસ, માનસિક મજબૂતી, કૌશલ્ય વિકાસ અને મેચ પ્રિપેરેશન અંગે માર્ગદર્શન આપવામાં આવશે.
કેમ્પમાં આઠથી વધુ અનુભવી અને નિષ્ણાત કોચ દ્વારા સઘન તાલીમ આપવામાં આવશે. ઉપરાંત દરરોજ વિવિધ રમતોના રાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓ, નિષ્ણાત કોચ તથા શારીરિક શિક્ષણ ક્ષેત્રના અનુભવી અધ્યાપકોને આમંત્રિત કરી ખેલાડીઓને પ્રેરણાત્મક માર્ગદર્શન આપવામાં આવશે. જેના કારણે ખેલાડીઓને રમતગમતના ક્ષેત્રમાં નવી દિશા અને પ્રેરણા મળશે.
કેમ્પમાં ભાગ લેનાર ખેલાડીઓની સુવિધાને ધ્યાનમાં રાખી દરરોજ સવારે પૌષ્ટિક નાસ્તાની વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. રમતગમત સાથે ખેલાડીઓના સ્વાસ્થ્ય અને ફિટનેસ પર પણ વિશેષ ભાર મૂકવામાં આવશે.
સમગ્ર સમર કોચિંગ કેમ્પનું આયોજન અને સંચાલન ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક ડૉ. હરીશ રાબાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવશે. ડૉ. રાબાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વધુમાં વધુ ખેલાડીઓ ઓલ ઈન્ડિયા યુનિવર્સિટી, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે અને યુનિવર્સિટીનું ગૌરવ વધારશે તેવા ઉદ્દેશ સાથે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના ખેલાડીઓ તથા રમતપ્રેમી વિદ્યાર્થીઓને આ અનોખી તકનો લાભ લેવા અને ઉત્સાહપૂર્વક કેમ્પમાં જોડાવા અનુરોધ કરવામાં આવ્યો છે.


