મોરબીના ઉદ્યોગપતિના હનીટ્રેપ કેસમાં આરોપી હાર્દિક લીંબાસીયાને આગોતરા જામીન
ગુજરાત હાઈકોર્ટની રાહત; ગુનાહિત ભૂતકાળ ન હોવા અને તપાસમાં સહકારની ખાતરીને ધ્યાને લઈ અરજી મંજૂર
અગ્ર ગુજરાત, રાજકોટ
મોરબી શહેરમાં નોંધાયેલા ચકચારી હનીટ્રેપ અને લાખો રૂપિયાની તોડબાજીના કેસમાં ગુજરાત હાઈકોર્ટે આરોપી હાર્દિક કરમશીભાઈ લીંબાસીયાને આગોતરા જામીન મંજૂર કરતા મોટી રાહત આપી છે. મોરબી સીટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ કેસમાં હાર્દિક લીંબાસીયાનું નામ સહ-આરોપી તરીકે સામે આવ્યું હતું.
ફરિયાદ મુજબ, મોરબીના રહેવાસી સંદીપભાઈ માવજીભાઈ કવાડીયાએ 11 એપ્રિલ, 2026ના રોજ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવાયું હતું કે માનસી રજનીકાંતભાઈ બારૈયા નામની યુવતીએ તેમને પ્રેમજાળમાં ફસાવી રાજકોટની એક હોટલમાં મુલાકાત ગોઠવી હતી અને ત્યાંના ફોટોગ્રાફ્સના આધારે બ્લેકમેઇલિંગ શરૂ કર્યું હતું. ફરિયાદીના આક્ષેપ અનુસાર, યુવતીએ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની તેમજ બળાત્કારના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી હતી. આ ધમકીઓના આધારે ફરિયાદી પાસેથી અલગ-અલગ સમયે અંદાજે રૂ. 13 લાખ રોકડા, રૂ. 7.14 લાખ કિંમતની સ્વિફ્ટ કાર, રૂ. 40 હજારનો એપલ આઈફોન, રૂ. 25 હજારની સોનાની વીંટી અને રૂ. 40 હજારનો સોનાનો બ્રેસલેટ પડાવી લેવામાં આવ્યા હતા. ઉપરાંત વધુ રૂ. 5 લાખની માંગણી પણ કરવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
કેસમાં હાર્દિક લીંબાસીયા સામે એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તેમણે ફરિયાદીને ફોન પર ધમકી આપી હતી અને બાદમાં અન્ય ચાર અજાણ્યા શખ્સો સાથે મોરબી બાયપાસ વિસ્તારમાં પહોંચી ફોટા ડિલીટ કરાવવા અને સમાધાન કરવા માટે દબાણ કર્યું હતું.
આ બનાવ અંગે પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 388, 506(1) અને 114 હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
ધરપકડથી બચવા માટે હાર્દિક લીંબાસીયાએ એડવોકેટ વારીસ એમ. જુણેજા મારફતે ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. બચાવ પક્ષે કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે હાલના તબક્કે આરોપીની કસ્ટોડિયલ પૂછપરછ જરૂરી નથી અને તેઓ તપાસમાં સંપૂર્ણ સહકાર આપવા તૈયાર છે.
નામદાર જસ્ટિસ સંજીવ જે. ઠાકરની કોર્ટમાં 9 જૂન, 2026ના રોજ થયેલી સુનાવણી દરમિયાન કોર્ટે નોંધ્યું હતું કે આ ગુનો આજીવન કેદ અથવા ફાંસીની સજાને પાત્ર નથી. ઉપરાંત આરોપીનો કોઈ ગુનાહિત ભૂતકાળ નથી અને તેઓ કાયદાકીય પ્રક્રિયામાંથી ભાગી જવાની સંભાવના પણ દેખાતી નથી. આ તમામ પરિસ્થિતિઓ અને સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓને ધ્યાનમાં રાખી ગુજરાત હાઈકોર્ટે શરતોને આધીન હાર્દિક લીંબાસીયાની આગોતરા જામીન અરજી મંજૂર કરવાનો હુકમ કર્યો હતો.
આ કેસમાં ગુજરાત હાઈકોર્ટના વકીલ મીનહાજ શેખ તેમજ રાજકોટના વકીલો રાજન કોટેચા, કૃણાલ કોટેચા, વારીસ એમ. જુણેજા, કિરણસિંહ ચૂડાસમા, ડેનીશાબેન પટેલ, ગૌરવ રાઠોડ અને સિદ્ધાર્થ સીતાપરાએ કાનૂની કામગીરી સંભાળી હતી.


