વાલીના ઠપકાથી ઘર છોડનાર ચાર સગીરા રાજકોટ બસ સ્ટેન્ડેથી સુરક્ષિત મળી આવી
સાજીડીયારી ગામેથી વહેલી સવારે નીકળી ગયેલી બહેનો અને તેમની સહેલીને કલાકોમાં શોધી કાઢવામાં પોલીસની સફળતા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ જિલ્લાના ભાયાવદર તાલુકાના સાજીડીયારી ગામમાંથી ગુમ થયેલી ચાર સગીર દીકરીઓને ગ્રામ્ય પોલીસે ગણતરીના કલાકોમાં શોધી કાઢીને સુરક્ષિત રીતે પરિવારને સોંપી દીધી છે. વાલીના સામાન્ય ઠપકાથી મન દુઃખી થયેલી એક કિશોરીએ પોતાની બે બહેનો અને એક સહેલી સાથે ઘર છોડ્યું હતું, પરંતુ પોલીસની સતર્કતા અને ઝડપી તપાસને કારણે કોઈ અનિચ્છનીય ઘટના બનતા પહેલાં જ તમામ બાળકીઓને હેમખેમ પરત લાવવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, ગામમાં રહેતી એક કિશોરીને તેના વાલી દ્વારા કોઈ બાબતે સમજાવટ આપવામાં આવી હતી. આ વાતને લઈને તે નારાજ થઈ ગઈ હતી અને ભાવનાત્મક નિર્ણય લઈને પોતાની બે નાની બહેનો તેમજ એક બહેનપણી સાથે વહેલી સવારે ઘરેથી નીકળી ગઈ હતી. ચારેય બાળાઓ કોઈને જાણ કર્યા વગર સવારે લગભગ પાંચ વાગ્યાના અરસામાં ગામ છોડીને નીકળી જતા પરિવારજનોમાં ચિંતા વ્યાપી ગઈ હતી. પરિવારે તાત્કાલિક ભાયાવદર પોલીસનો સંપર્ક કરતાં પોલીસે ગુમ થયેલી બાળકીઓની શોધખોળ માટે વિશેષ કામગીરી શરૂ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ ગ્રામ્ય એલસીબી, એસઓજી અને ભાયાવદર પોલીસની ટીમો સક્રિય બની હતી.
તપાસ દરમિયાન પોલીસે માનવસૂત્રો ઉપરાંત ટેકનિકલ સાધનોનો ઉપયોગ કરીને વિવિધ દિશામાં તપાસ આગળ વધારી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે ચારેય બાળાઓ એસ.ટી. બસ મારફતે ઉપલેટા પહોંચી હતી. ત્યારબાદ પોલીસે ઉપલેટા બસ સ્ટેન્ડ પર સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી અને બસ સ્ટેન્ડના સત્તાવાર નેટવર્ક મારફતે બાળકીઓના ફોટોગ્રાફ પણ શેર કર્યા હતા. જેથી સીસીટીવીના આધારે મહત્વની કડી મળી હતી કે ચારેય બાળાઓ ઉપલેટાથી રાજકોટ જતી બસમાં સવાર થઈ હતી. માહિતી મળતા જ ગ્રામ્ય એલસીબીની ટીમો રાજકોટ બસ પોર્ટ પર તૈનાત થઈ ગઈ હતી. બસ રાજકોટ પહોંચતા પોલીસે તુરંત તપાસ હાથ ધરી અને ચારેય દીકરીઓને સુરક્ષિત રીતે શોધી કાઢી હતી.
પોલીસની સમયસરની કામગીરીને કારણે બાળકીઓ કોઈ અજાણ્યા કે ખોટા તત્વોના સંપર્કમાં આવે તે પહેલાં જ તેમને સુરક્ષિત બચાવી લેવામાં આવી હતી. સમગ્ર ઓપરેશનમાં એલસીબી પીઆઈ જે.પી. રાવના માર્ગદર્શન હેઠળ પોલીસ કર્મચારીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી. બાળકીઓ સુરક્ષિત મળી આવતા પરિવારજનોમાં રાહતનો માહોલ છવાઈ ગયો હતો અને તેમણે પોલીસની કામગીરી પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.


