સાંઢીયા પુલના લોકાર્પણની પૂર્વ સંધ્યા શહેરીજનો માટે સંભારણું બની
મનપા આયોજીત હેપ્પી સ્ટ્રીટમાં બાળકોથી લઇ વડીલોએ લીંબુ ચમચી, રસ્સા ખેંચ, કોથળા દોડ, સાપસીડી, પઝલ, ગરબા સહિતની વિવિધ રમતોની મજા માણી
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરના સુવ્યવસ્થિત અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસના વધુ એક મહત્વપૂર્ણ સોપાનરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જામનગર રોડ પર રૂ.૭૪.૩૨ કરોડના ખર્ચે નવનિર્મિત ઓવરબ્રિજ, જે સાંઢિયા પુલ તરીકે લોકપ્રિય છે, તેનું લોકાર્પણ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે આજે થયું હતું. શુક્રવારના રોજ રાત્રે ૯:૦૦ કલાકે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સાંઢિયા પુલ, જામનગર રોડ, એરપોર્ટની દિવાલ પાસેના ગાર્ડન ખાતે “Happy Street”નું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. “Happy Street” અંતર્ગત વિવિધ વયજૂથના લોકો માટે અનેક આકર્ષક પ્રવૃત્તિઓ સામેલ કરવામાં આવી હતી, જેમાં વિવિધ રમતગમત પ્રવૃત્તિઓ, ફન એક્ટિવિટીઝ, ફિટનેસ આધારિત કાર્યક્રમો, મ્યુઝિકલ માહોલ અને સામૂહિક મનોરંજનની પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવેલ. બાળકો, યુવાનો, મહિલાઓ તેમજ વડીલો સૌ આ કાર્યક્રમ આનંદ અને ઉત્સાહથી જોડાયા હતા. લોકોએ લીંબુ ચમચી, રસ્સા ખેંચ, કોથળા દોડ, દોરડા કૂદ, લૂડો, સાપસીડી, હોપ્સકોચ, પઝલ જેવી રમતો, ડ્રોઈંગ એક્ટિવિટી, જુમ્બા, ગરબા, સહિતની રમતની લોકોએ મજા માણી હતી.


