રાજુલા તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ અને કારોબારી ચેરમેનનું શિક્ષક સંઘ દ્વારા સન્માન
અગ્ર ગુજરાત, રાજુલા
અમરેલીના રાજુલા તાલુકા પંચાયત ખાતે એક વિશેષ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજુલા તાલુકા શિક્ષક સંઘ દ્વારા તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ (પ્રતિનિધિ) હિમતભાઈ બલદાણીયા તથા કારોબારી ચેરમેન(પ્રતિનિધિ) એડવોકેટ કે.બી. કામળીયાનું પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડીને ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે શિક્ષણ સંઘના પ્રમુખ ધર્મેન્દ્રભાઇ ધાંધલ, અમરેલી જિલ્લા શિક્ષણ સંઘના મહામંત્રી પ્રમોદભાઇ કાનપરિયા, ઉપપ્રમુખ ભાણાભાઇ મેગળ તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના ઉપપ્રમુખ અરશિભાઇ જાલંધરા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી. આ સન્માન સમારોહ બાદ ઉપસ્થિત આગેવાનો અને શિક્ષક સંઘના હોદ્દેદારો વચ્ચે એક અગત્યની બેઠક યોજાઇ જેમાં તાલુકાના બાળકોના શિક્ષણનો પ્રાથમિક પાયો કેમ વધુ મજબૂત બનાવી શકાય અને શૈક્ષણિક સ્તરને કેવી રીતે ઊંચું લાવી શકાય તે અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી.


