બ્રહ્માકુમારીઝ દ્વારા સમસ્ત ગુજરાતમાં એક સાથે ‘વોક ફોર પીસ એન્ડ યોગા’ કાર્યક્રમ યોજાયો
પદયાત્રીઓએ વહેલી સવારે રોડ પર ઓમ ધ્વનિ તથા યોગાસનો, એકસરસાઈઝ કરી યોગ પ્રત્યે સૌને જાગૃત કર્યા
અગ્ર ગુજરાત, રાજકોટ
આગામી ‘વિશ્વ યોગ દિવસ’ના ઉપલક્ષમાં, બ્રહ્માકુમારીઝ ગુજરાત ઝોન દ્વારા આયોજિત ‘વોક ફોર પીસ એન્ડ યોગા’ (શાંતિ અને યોગા યાત્રા) તથા સામૂહિક યોગાભ્યાસનો કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહભર્યા અને દિવ્ય વાતાવરણમાં રવિવાર વહેલી સવારે સંપન્ન થયો હતો.
ગુજરાત ઝોન ડાયરેક્ટર ભારતી દીદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતના બ્રહ્માકુમારીઝના 500 સેવા કેન્દ્ર પર એકસાથે આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય જનમાનસમાં માનસિક શાંતિનો સંચાર કરવો અને શારીરિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો.
પવિત્રતાના પ્રતીક સમાન શ્વેત વસ્ત્રો ધારણ કરીને સંપૂર્ણ શિસ્ત, મર્યાદા અને શાંતિ સાથે એક જ લાઈનમાં આગળ વધતી આ યાત્રાએ માર્ગ પરથી પસાર થતા નગરજનોને મંત્રમુગ્ધ કર્યા હતા અને વાતાવરણમાં સકારાત્મક ઉર્જાનો ફેલાવો કર્યો હતો. પદયાત્રીઓએ ટ્રાફિક નિયમોનો અને સડક સુરક્ષાનો પૂરતો ખ્યાલ રાખ્યો હતો. કોઈ પણ પ્રકારે ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન ન થાય તેની પૂરતી તકેદારી રાખવામાં આવી હતી.
રાજકોટમાં વિવિધ એરિયામાં (પંચશીલ સોસાયટી, રણછોડ નગર, શાસ્ત્રીનગર, કોઠારીયા રોડ, રવિ રત્ન પાર્ક ,ગાયકવાડી, રાજનગર ,ગાંધીગ્રામ ,મોટા મોવા, જાગનાથ, મેહુલ નગર, ભોજલરામ ગોપ વંદના વગેરે) બ્રહ્માકુમારીઝના આશરે 20થી વધારે સેવા કેન્દ્ર પરથી આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બ્રહ્માકુમારી બહેનો સહિત 1000 કરતા પણ વધારે ભાઈ બહેનોએ ભાગ લીધો.


