નવી ઔદ્યોગિક નીતિથી રાજકોટના ઉદ્યોગો વૈશ્વિક ફલક પર ચમકશે: ધારાસભ્ય રમેશ ટીલાળા
સૌરાષ્ટ્ર ઇકોનોમિક રીજન (SaER) અંતર્ગત રાજકોટ-શાપરના ઓટો પાર્ટ્સ અને એન્જિનિયરિંગ હબને નવી ગતિ મળશે
અગ્ર ગુજરાત, રાજકોટ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના ‘વિકસિત ભારત @2047’ ના સંકલ્પને સાકાર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જાહેર કરાયેલી “વિકસિત ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2026″ ને રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠકના ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળાએ હૃદયપૂર્વક આવકારી છે. તેમણે આ નીતિને ગુજરાતના ઔદ્યોગિક અને આર્થિક વિકાસ માટે એક ઐતિહાસિક અને દૂરોગામી પગલું ગણાવ્યું છે.
ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ ૨૦૨૬ અંતર્ગત એમએસએમઈ (MSME) સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે રોકાણના માપદંડો વધુ ઉદાર બનાવવામાં આવ્યા છે. આ નવતર સુધારાના ભાગરૂપે પ્લાન્ટ અને મશીનરીમાં રોકાણની મર્યાદા માઇક્રો એન્ટરપ્રાઇઝ માટે રૂ. ૨.૫ કરોડ સુધી, સ્મોલ એન્ટરપ્રાઇઝ માટે રૂ. ૨૫ કરોડ સુધી અને મીડિયમ એન્ટરપ્રાઇઝ માટે રૂ. ૧૨૫ કરોડ સુધી નિર્ધારિત કરવામાં આવી છે. આ નવીનતમ વર્ગીકરણ હેઠળ પાત્ર એકમોને ૨૫% થી ૩૫% સુધીની કેપિટલ સબસિડી, ૭% વ્યાજ સહાય અને રૂ. ૧ થી ૨ પ્રતિ યુનિટ વીજ દરમાં રાહત જેવા લાભો કારગત નીવડશે. સરકારના આ સકારાત્મક નિર્ણયથી રાજ્યમાં નાના-મોટા ઉદ્યોગોનો વિકાસ ઝડપી બનશે અને મોટા પાયે રોજગારીની નવી તકો ઊભી થશે.” સરકારના આ આંકડાકીય અને સકારાત્મક નિર્ણયથી રાજ્યમાં ઉદ્યોગોનો વિકાસ ઝડપી બનશે અને મોટા પાયે રોજગારીની નવી તકો ઊભી થશે. તેમજ નવપ્રવર્તક સ્ટાર્ટઅપ્સ માટે કેપિટલ સબસીડી, ઇન્ટરેસ્ટ સબસીડી અને પાવર ટેરિફમાં જે વિશેષ રાહતો જાહેર કરવામાં આવી છે, તેનાથી સ્થાનિક રોજગારી અને વેપારમાં અભૂતપૂર્વ ઉછાળો આવશે. ખાસ કરીને ‘સૌરાષ્ટ્ર ઇકોનોમિક રીજન (SaER)’ અંતર્ગત રાજકોટ અને આસપાસના વિસ્તારોના ઓટો પાર્ટ્સ ઉદ્યોગો માટે જે નવી તકોનું સર્જન થવા જઈ રહ્યું છે, તેનાથી રાજકોટના એન્જિનિયરિંગ ઉદ્યોગો વૈશ્વિક સ્તરે વધુ સ્પર્ધાત્મક બનશે.
આ નીતિની સૌથી મોટી વિશેષતા એ છે કે તે ઉદ્યોગોના વિકાસ સાથે ‘ઇઝ ઓફ લિવિંગ’ (સરળ જીવનશૈલી) અને પર્યાવરણીય સુધારાઓ પર વિશેષ ભાર મૂકે છે. ગ્રીન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક્સ અને વેસ્ટ-વોટર મેનેજમેન્ટ માટેની આર્થિક સહાયથી ઉદ્યોગો પર્યાવરણને અનુકૂળ બનશે. આ ઉપરાંત, ઔદ્યોગિક ક્ષેત્રે મહિલાઓની ભાગીદારી વધારવા માટે વર્કિંગ વિમેન હોસ્ટેલ અને વધારાની નાણાકીય સહાયની જે જોગવાઈ છે, તે ખૂબ જ પ્રશંસનીય અને સર્વસમાવેશી છે. અંતમાં, ધારાસભ્યશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ‘સ્વદેશી’ અને ‘વોકલ ફોર લોકલ ટુ ગ્લોબલ’ ના મંત્ર સાથે તૈયાર કરાયેલી આ નીતિ ગુજરાતને આગામી પાંચ વર્ષમાં વૈશ્વિક કક્ષાનું મેન્યુફેક્ચરિંગ હબ બનાવશે અને લાખો યુવાનો માટે ગુણવત્તાયુક્ત રોજગારીની નવી તકોનું સર્જન કરશે.


