ટ્રેક્ટરની વ્હીલ પ્લેટોની આડમાં દારૂની હેરાફેરીનો ભાંડો ફૂટ્યો, PCB નો દરોડો
માલીયાસણ પાસે આઇસર ટ્રકમાંથી ઇંગ્લિશ દારૂ અને બીયરનો જથ્થો ઝડપાયો ; 7.53 લાખના મુદામાલ સાથે જામનગરનો શખ્સ પકડાયો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેર પોલીસની પ્રોહિબિશન વિરોધી ઝુંબેશ અંતર્ગત પી.સી.બી.એ વધુ એક મહત્વની કાર્યવાહી હાથ ધરી છે. કુવાડવાથી રાજકોટ તરફ જતા હાઇવે રોડ પર સાગર ઇન્ડસ્ટ્રીયલ ઝોન નજીક માલીયાસણ ગામના સર્વિસ રોડ ઉપર ટ્રેક્ટરની વ્હીલ પ્લેટોની આડમાં છુપાવીને લાવવામાં આવેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી કુલ રૂ.7.53 લાખથી વધુનો મુદામાલ કબજે કર્યો છે.
રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝાના માર્ગદર્શન હેઠળ શહેરમાં પ્રોહિબિશનની ગેરકાયદે પ્રવૃત્તિઓ પર અસરકારક નિયંત્રણ લાવવા માટે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના અનુસંધાને પી.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પી.સી.બી.ની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન એ.એસ.આઇ. મયુરભાઈ પાલરીયા, પો.હેડ કોન્સ્ટેબલ નગીનભાઈ ડાંગર અને હિરેનભાઈ સોલંકીને મળેલી ચોક્કસ બાતમીના આધારે માલીયાસણ ગામ પાસે સર્વિસ રોડ પર વોચ ગોઠવવામાં આવી હતી. ત્યાંથી પસાર થતા આઇસર ટ્રક નં. GJ-03-BY-5672ને અટકાવી તપાસ કરતા ટ્રેક્ટરની વ્હીલ પ્લેટોની આડમાં મોટી માત્રામાં ઇંગ્લિશ દારૂ અને બીયરનો જથ્થો સંતાડેલો મળી આવ્યો હતો. પોલીસે ટ્રકના ચાલક અતુલભાઈ રમેશભાઈ લાંબા (ઉ.વ. 33), રહે. રામેશ્વરનગર, પટેલવાડી શેરી નં.1, જી.જી. હોસ્પિટલ પાછળ, જામનગરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તપાસ દરમિયાન 192 બોટલ રોયલ ચેલેન્જ ફાઇનેસ્ટ પ્રીમિયમ વ્હિસ્કી, 288 બોટલ બેગ પાઇપર ડિલક્સ વ્હિસ્કી તેમજ 480 ટીન કિંગફિશર અલ્ટ્રા મેક્સ પ્રીમિયમ સ્ટ્રોંગ બીયર મળી આવી હતી. દારૂ-બીયરનો જથ્થો અને ટ્રક સહિત કુલ રૂ.7,53,824નો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે. આ સમગ્ર કાર્યવાહી પી.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. ગોંડલીયા, પીએસઆઇ પી.બી. ત્રાજીયા, આર.કે. જાડેજા, એ.એસ.આઇ. મયુરભાઈ પાલરીયા સહિતની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી. પોલીસ દ્વારા દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.


