રાજુલામાં પ્રજાના પૈસાનું પાણી કરનારા કોન્ટ્રાક્ટરો સામે તંત્ર લાલઘૂમ
છતડીયા રોડ પર પીસીસી કામગીરીમાં ભ્રષ્ટાચારની વ્યાપક ફરિયાદો બાદ અધિકારીઓનો કાફલાએ સ્થળ તપાસ કરી : કામગીરીમાં સુધારો નહીં થાય તો બિલ નહીં ચૂકવવાની સુચના, ત્રણ દિવસમાં પીસીસી કામ પૂર્ણ કરવા અલ્ટીમેટમ
અગ્ર ગુજરાત, રાજુલા
અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં વિકાસ કામોના નામે લોલમલોલ ચલાવતા કોન્ટ્રાક્ટરો સામે તંત્ર દ્વારા આકરી કાર્યવાહીના સંકેતો આપવામાં આવ્યા છે. રાજુલાના છતડીયા રોડ પર પાણીની પાઇપલાઇન નાખ્યા બાદ રીપેરીંગ માટે કરવામાં આવેલી પીસીસી કામગીરી તદ્દન હલકી ગુણવત્તાની હોવાની સ્થાનિકોની રાવ બાદ ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની GUDC અને પ્રાદેશિક નગર નિયામક કચેરીના ઉચ્ચ અધિકારીઓએ સ્થળ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન નબળી કામગીરી જોઇને અધિકારીઓએ ભારે નારાજગી વ્યક્ત કરી હતી અને સંબંધિત એજન્સી તેમજ પેટા કોન્ટ્રાક્ટરને કડક સુચના આપી હતી. રાજુલા-છતડીયા રોડ પર પાઇપલાઇનના ખોદકામ બાદ રસ્તો બિસ્માર બન્યો હતો. અગાઉ એજન્સી દ્વારા અહીં પીસીસી કામ કરવામાં આવ્યું હતું પરંતુ નબળી ગુણવત્તાના કારણે તે બેસી ગયું હતું. આથી બીજી વખત કામગીરી શરૂ કરવામાં આવી હતી. જોકે પેટા કોન્ટ્રાક્ટર દ્વારા ફરીથી હલકી ગુણવત્તાવાળી સામગ્રી વાપરીને લોલમલોલ કામ કરવામાં આવતા લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય નગરજનોને શુદ્ધ અને પૂરતા પ્રેશરથી પીવાનું પાણી પહોંચાડવાનો છે. પરંતુ એજન્સીઓ સરકારી નાણાંનો દુરુપયોગ કરી બેદરકારી દાખવી રહી હોવાના આક્ષેપો ઉઠ્યા હતા. છતડીયા રોડ પર દરરોજ હજારો વાહનોની અવરજવર ધરાવતા આ માર્ગની દુર્દશા અંગે સ્થાનિકોની સતત ફરિયાદોને પગલે ધારાસભ્ય દ્વારા થોડા સમય અગાઉ તંત્રના અધિકારીઓ સાથે એક તાત્કાલિક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકની ગંભીરતાને લઇને GUDC અને પ્રાદેશિક નગર નિયામક કચેરીના અધિકારીઓનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને રસ્તાનું નિરીક્ષણ કર્યું હતું. આ સ્થળ તપાસ અંગે GUDC ના અધિકારી ભાવેશભાઈ ખેતાણીએ જણાવ્યું હતું કે, પ્રાદેશિક નિયામક અને નગરપાલિકાના હોદ્દેદારો સાથે સંયુક્ત તપાસ કરવામાં આવી છે. કોન્ટ્રાક્ટરને આગામી ત્રણ દિવસમાં આધુનિક મશીનરી દ્વારા રાજુલા-છતડીયા રોડનું કામ સંપૂર્ણ અને ગુણવત્તાયુક્ત રીતે પૂરું કરવા આદેશ કરાયા છે. જો કામગીરી નિયમ મુજબ અને યોગ્ય ગુણવત્તાવાળી નહીં હોય તો ત્યાં સુધી એજન્સીનું બિલ ચૂકવવામાં આવશે નહીં તેવી કડક સૂચના પણ આપી દેવાઇ છે. તેમજ આ અંગે રાજુલા નગરપાલિકાના પ્રમુખ પ્રતિનિધિ મયુરભાઇ દવેએ જણાવ્યું હતું કે, સરકાર શહેરીજનો માટે કરોડો રૂપિયા ફાળવે છે ત્યારે કોન્ટ્રાક્ટરની આવી નબળી કામગીરી બિલકુલ ચલાવી લેવાશે નહીં. છતડીયા રોડ પર નિયમોનું ઉલ્લંઘન કરીને થતા કામ અંગે અમે GUDC ને જાણ કરી હતી. લોકોના હિત અને સુવિધા માટે અમારી આખી ટીમ અને સદસ્યો ચોવીસ કલાક ખડેપગે છે. આ બેઠકમાં જીગ્નેશભાઈ પટેલ, રાજુલા નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધિ મયુરભાઈ દવે, નગરપાલિકાના એન્જિનિયર પ્રભાત જોશી, પાણી પુરવઠા ચેરમેન પ્રતિનિધિ રાજેશભાઇ જાખરા તેમજ GUDC ના સ્થાનિક સુપરવાઇઝર પ્રકાશભાઈ વાણીયા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતાં. શાસકો અને વહીવટી તંત્રની આ આકરી સૂચના બાદ હવે કોન્ટ્રાક્ટર કેવું કામ કરે છે તે જોવાનું રહ્યું.


