સોશિયલ મીડિયાની મિત્રતા બની દુઃસ્વપ્ન
પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી વિધર્મી શખ્સે હોટેલના આચર્યું દુષ્કર્મ, વિડીયો પણ ઉતાર્યા
ઈન્સ્ટાગ્રામમાં ‘જિદ્દી બોય’ નામથી ઓળખ આપનાર જૂનાગઢના ઈન્ફ્લુએન્ઝર સામે ગંભીર આરોપો
સહાયતા, ધમકી અને બ્લેકમેઈલિંગના આક્ષેપો સાથે મહિલા સહિત ચાર શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ
અગ્ર ગુજરાત, રાજકોટ
સોશિયલ મીડિયાના માધ્યમથી થયેલી ઓળખાણ બાદ પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપો સાથે રાજકોટ તાલુકા પોલીસ મથકે ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધાતા સમગ્ર મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ફરિયાદમાં જૂનાગઢના એક યુવક, મોરબીની એક યુવતી તેમજ અમદાવાદ અને જૂનાગઢના અન્ય બે શખ્સોના નામ સામેલ કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા ગુનાની નોંધ લઈ આરોપીઓને શોધવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ફરિયાદ મુજબ, ભોગ બનનાર મહિલાનો સંપર્ક કેટલાક મહિના અગાઉ સોશિયલ મીડિયા પર ‘જિદ્દી બોય’ નામની આઈડી ચલાવતા અફઝલ કારા સીડા નામના શખ્સ સાથે થયો હતો. શરૂઆતમાં મિત્રતા અને બાદમાં નજીકના સંબંધો કેળવાયા હોવાનું જણાવાયું છે. મહિલાનો આક્ષેપ છે કે આરોપીએ અફઝલ કારા સીડાએ પોતાની સાચી ઓળખ છુપાવી રાખી હતી અને પોતાને અન્ય ધર્મનો હોવાનું ન જણાવી વિશ્વાસ સંપાદિત કર્યો હતો.
મહિલાના જણાવ્યા અનુસાર, ઓળખાણ ગાઢ બન્યા બાદ અફઝલ કારા સીડા તેને રાજકોટમાં મળવા આવ્યો હતો અને ગોંડલ રોડ વિસ્તારમાં આવેલી એક હોટલમાં લઈ ગયો હતો. ત્યાં તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. મહિલાએ એવો પણ આક્ષેપ કર્યો છે કે આ દરમિયાન તેના ફોટા અને વીડિયો બનાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેને બ્લેકમેઈલ કરવામાં આવતી હતી.
ફરિયાદમાં મોરબીની એક યુવતી અનિશાની ભૂમિકાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મહિલાનો દાવો છે કે આરોપી યુવકને મળવામાં અને હોટલ સુધી પહોંચાડવામાં અનિશાએ મદદગારી કરી હતી. ત્યારબાદ આરોપીઓ દ્વારા સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હતો અને સોશિયલ મીડિયા પર લાઈવ થઈ મહિલાને બદનામ કરવાની કોશિશ કરવામાં આવતી હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.
ભોગ બનનાર મહિલાએ મીડિયાને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, સમય જતાં તેને જાણ થઈ હતી કે ‘જિદ્દી બોય’ તરીકે ઓળખ આપતો યુવક હકીકતમાં અફઝલ કારા સીડા નામનો વ્યક્તિ છે. આ હકીકત સામે આવ્યા બાદ તેણે સંબંધો તોડી નાખવાનો નિર્ણય લીધો હતો. જોકે ત્યારબાદ આરોપી દ્વારા ફોટા-વિડિયો વાયરલ કરવાની ધમકી આપી તેના પર દબાણ કરવામાં આવતું હોવાનું મહિલાએ જણાવ્યું છે.
મહિલાનો વધુ એક આક્ષેપ છે કે તેને અલગ-અલગ સ્થળોએ લઈ જઈ વારંવાર હેરાન કરવામાં આવી હતી. ઉપરાંત, કેટલાક ધાર્મિક સ્થળોએ લઈ જઈ ધાર્મિક વિધિઓ કરાવવામાં આવી હતી અને ધર્મ પરિવર્તન માટે પણ દબાણ કરવામાં આવ્યું હતું. જોકે, પોલીસ ફરિયાદમાં ધર્મ પરિવર્તન સંબંધિત મુદ્દાનો સ્પષ્ટ ઉલ્લેખ નોંધાયો નથી.
ફરિયાદમાં અમદાવાદના રવિ ગોસાઈ અને જૂનાગઢના વિજય ચુડાસમાનું નામ પણ સામેલ છે. મહિલાના જણાવ્યા મુજબ, પોલીસમાં અરજી કર્યા બાદ આ બંને વ્યક્તિઓ દ્વારા અરજી પાછી ખેંચી લેવા માટે ફોન પર ગાળો આપી ધમકી આપવામાં આવતી હતી. આ કારણે પોતે ભારે માનસિક દબાણ હેઠળ આવી ગઈ હતી.
સતત ધમકીઓ અને સોશિયલ મીડિયામાં થતા અપમાનજનક વર્તનના કારણે પોતે ડિપ્રેશનમાં આવી ગઈ હતી અને એક સમયે આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો, એવો દાવો મહિલાએ કર્યો છે. બાદમાં સમગ્ર ઘટનાની જાણ પોતાના પતિને કરતાં પરિવારના સહકારથી તેણે પોલીસનો સંપર્ક કર્યો હતો.
આ સમગ્ર મામલે તાલુકા પોલીસ મથકે દુષ્કર્મ, ધમકી અને મદદગારી સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ હાલ આરોપીઓ ફરાર છે અને તેમની ધરપકડ માટે અલગ-અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાક્રમની વાસ્તવિકતા વધુ સ્પષ્ટ થઈ શકશે.
દુષ્કર્મ કેસમાં નામ ખુલતા મીડિયા સમક્ષ આવી અનિશા, તમામ આક્ષેપોને ગણાવ્યા પાયા વિહોણા; ઇન્ટરવ્યૂ દરમિયાન પોલીસે કરી ધરપકડ
રાજકોટમાં યુવતી પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાના ચર્ચિત કેસમાં મદદગારીના આરોપોનો સામનો કરી રહેલી અનિશા આજે મીડિયા સમક્ષ આવી હતી. મીડિયા સાથેની વાતચીત દરમિયાન તેણે પોતાના પર લગાવવામાં આવેલા તમામ આક્ષેપોને સંપૂર્ણપણે પાયા વિહોણા ગણાવ્યા હતા. જોકે, ઇન્ટરવ્યૂ ચાલી રહ્યો હતો ત્યારે જ પોલીસને જાણ થતાં બહુમાળીભવન ચોક વિસ્તારમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી.
અનિશાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે છેલ્લા દોઢ મહિનાથી તેને સતત માનસિક રીતે હેરાન કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા તેની છબીને નુકસાન પહોંચાડવાના પ્રયાસો થઈ રહ્યા હોવાનું પણ તેણે જણાવ્યું હતું. પોતાના વિરુદ્ધ ચાલી રહેલા આક્ષેપોને નકારી કાઢતાં તેણે કહ્યું કે સમગ્ર ઘટનામાં તેને ખોટી રીતે સંડોવવામાં આવી છે. તેણે વધુમાં એવો દાવો કર્યો હતો કે કેટલાક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર યુવતીઓ દ્વારા તેને ફસાવવામાં આવી છે અને તેના નામે ખોટી વાતો પ્રસારિત કરવામાં આવી રહી છે. પોતે કોઈપણ ગેરકાયદે પ્રવૃત્તિમાં સામેલ નથી અને સત્ય તપાસમાં બહાર આવશે તેવી આશા પણ વ્યક્ત કરી હતી.
મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરતી વખતે મોટી સંખ્યામાં લોકો અને મીડિયા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન પોલીસને અનિશાની હાજરી અંગે જાણ થતાં તાલુકા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. પોલીસ અધિકારીઓએ કાયદેસરની કાર્યવાહી અંતર્ગત અનિશાની અટકાયત કરી હતી. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં નોંધાયેલા દુષ્કર્મ અને ધમકીના કેસમાં અનિશાનું નામ મદદગારીના આરોપો સાથે સામે આવ્યું હતું. આ કેસમાં અન્ય આરોપીઓ વિરુદ્ધ પણ ગુનો નોંધાઈ ચૂક્યો છે અને પોલીસ દ્વારા તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. અનિશાની ધરપકડ બાદ હવે પોલીસ તેની પૂછપરછ કરીને સમગ્ર ઘટનાક્રમ અંગે વધુ વિગતો મેળવશે. કેસના વિવિધ પાસાઓની તપાસ ચાલી રહી હોવાથી આગામી દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.


