પ્રેમ સંબંધમાં આડખીલી બનેલા પતિની કરાઈ હત્યા, પત્ની જ માસ્ટરમાઈન્ડ
પ્રેમ સંબંધમાં આડખીલી બનતા પતિને રસ્તામાંથી હટાવવાનો પ્લાન ઘડ્યો ; દારૂના ધંધામાં લાખો કમાવવાની લાલચ આપી ડૈયા નજીક લઈ જઈ પથ્થરના ઘા ઝીંક્યા, પત્ની નામીયાબાનું અને પ્રેમી આસિફ ડેલા ઝડપાયા
અગ્ર ગુજરાત, રાજકોટ
ગોંડલમાં પ્રેમ સંબંધના કારણે રચાયેલા એક સનસનીખેજ કાવતરાનો કરૂણ અંત આવ્યો છે. દેવપરા વિસ્તારમાં રહેતા અને કરિયાણાની દુકાન ચલાવતા 33 વર્ષીય જુનેદ ઈબ્રાહીમ કબીર પર થયેલા જીવલેણ હુમલાનો બનાવ હવે હત્યામાં પલટાયો છે. બુધવારે વહેલી સવારે ડૈયા ગામ નજીક ગંભીર હાલતમાં મળી આવેલા જુનેદે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ગુરુવારે મોડી રાત્રે અંતિમ શ્વાસ લીધા હતા. તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, જુનેદની પત્ની અને તેના પ્રેમીએ મળીને તેને રસ્તામાંથી હટાવવા માટે કાવતરું ઘડી હુમલો કર્યો હતો.
મળતી માહિતી મુજબ, ગોંડલના દેવપરા વિસ્તારમાં રહેતા જુનેદ કબીર છેલ્લા કેટલાક સમયથી મોવિયા રોડ પર કરિયાણાની દુકાન ચલાવતા હતા. તેમના બીજા લગ્ન ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણની નામીયાબાનું સાથે થયા હતા. દંપતીને ચાર વર્ષની એક દીકરી પણ છે. બહારથી સામાન્ય લાગતું આ પરિવારિક જીવન અંદરખાને ગંભીર વિખવાદ અને સંબંધોના જાળમાં ફસાયેલું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
બુધવારે વહેલી સવારે જુનેદના ભાઈ યાસીનભાઈને તેમના ભાભી નામીયાબાનુનો ફોન આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જુનેદ રાત્રે થોડીવારમાં પરત આવવાની વાત કહીને નીકળ્યા હતા, પરંતુ હજુ સુધી ઘરે આવ્યા નથી. ત્યારબાદ પરિવારજનોએ જુનેદનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનો ફોન બંધ આવતો હતો. આ દરમિયાન સવારે જાણ થઈ કે જુનેદને ગંભીર હાલતમાં ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા ત્યારે જુનેદના માથામાં ગંભીર ઇજાઓ જોવા મળી હતી અને તેઓ બેભાન હાલતમાં હતા. પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ગોંડલ તાલુકા પોલીસે અજાણ્યા શખ્સ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
તપાસ દરમિયાન પોલીસને જુનેદના પારિવારિક જીવન અંગે મહત્વની માહિતી મળી હતી. જુનેદની પત્ની નામીયાબાનું અને પડોશમાં રહેતા આસિફ સતાર ડેલા વચ્ચે પ્રેમ સંબંધ હોવાની વિગતો સામે આવી હતી. આ દિશામાં તપાસ આગળ વધારતાં પોલીસે આસિફને પૂછપરછ માટે બોલાવ્યો હતો. શરૂઆતમાં ગોળગોળ જવાબ આપનાર આસિફ પોલીસની સઘન પૂછપરછ સામે તૂટી પડ્યો હતો અને સમગ્ર કાવતરું બહાર આવ્યું હતું.
પોલીસ તપાસ મુજબ, નામીયાબાનું પોતાના પતિ જુનેદથી છૂટકારો મેળવવા માંગતી હતી. તેણે પોતાના પ્રેમી આસિફને એવો વિશ્વાસ અપાવ્યો હતો કે જુનેદ તેના પર ત્રાસ ગુજારે છે અને બંનેના લગ્નજીવનમાં સતત તણાવ રહે છે. ત્યારબાદ બંનેએ ભવિષ્યમાં સાથે રહેવા માટે જુનેદને રસ્તામાંથી હટાવવાનો નિર્ણય કર્યો હતો. કાવતરાના ભાગરૂપે આસિફે જુનેદને દારૂના ધંધામાં મોટો નફો કમાવવાની લાલચ આપી હતી. રાત્રિના સમયે દારૂનો જથ્થો ઉતારવાનો હોવાનું કહી તેને ડૈયા ગામની સીમમાં નદીકાંઠા તરફ લઈ ગયો હતો. ત્યાં એકાંત સ્થળે પહોંચ્યા બાદ આસિફે પથ્થર અને બેલા જેવા બોથડ પદાર્થોથી જુનેદના માથામાં અનેક ઘા ઝીંક્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા જુનેદને મૃત્યુ પામ્યો હોવાનું માની આસિફ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
જો કે, વહેલી સવારે સ્થાનિક લોકોને જુનેદ બેભાન હાલતમાં મળી આવતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ડોક્ટરોએ જીવ બચાવવાના તમામ પ્રયાસો કર્યા હતા, પરંતુ માથામાં થયેલી ગંભીર ઇજાઓના કારણે ગુરુવારે મોડી રાત્રે તેમનું મોત નીપજ્યું હતું. જુનેદના મોતના સમાચાર મળતાં જ પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. ચાર વર્ષની માસૂમ દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવતાં સમગ્ર પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી. બીજી તરફ, પોલીસ તપાસમાં પત્ની અને તેના પ્રેમીની સંડોવણી સામે આવતાં વિસ્તારમાં પણ ભારે ચર્ચા જાગી હતી.
ગોંડલ તાલુકા પોલીસે આરોપી આસિફ સતાર ડેલા અને નામીયાબાનું જુનેદ કબીરની ધરપકડ કરી લીધી છે. જુનેદના મોત બાદ અગાઉ નોંધાયેલા હત્યાના પ્રયાસના ગુનામાં હવે હત્યાની કલમનો ઉમેરો કરવામાં આવી રહ્યો છે. પોલીસ બંને આરોપીઓની વધુ પૂછપરછ કરી રહી છે અને કાવતરામાં અન્ય કોઈ વ્યક્તિની ભૂમિકા હતી કે નહીં તે દિશામાં પણ તપાસ આગળ ધપાવી રહી છે. પ્રેમ સંબંધ, વિશ્વાસઘાત અને લાલચના આ ઘાતકી ખેલમાં એક યુવાનનો જીવ ગયો છે, જ્યારે એક નાની દીકરી પિતાના પ્રેમથી વંચિત બની છે. સમગ્ર ઘટનાએ ગોંડલ પંથકમાં ભારે ચકચાર મચાવી છે.


