રાજકોટ સહિત ગુજરાતમાં શિક્ષણને કલંકિત કરતી બદીઓ સામે રાજ્યવ્યાપી ઝુંબેશના મંડાણ
ગેરકાયદેસર ટ્યુશન ચલાવતા શિક્ષકો, ડમી શાળાઓ અને ડે-સ્કૂલ દૂષણ સામે કડક કાર્યવાહી કરવા ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશનનું મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને આવેદન
અગ્ર ગુજરાત, રાજકોટ
સમગ્ર ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થાને અસર કરતી ગેરરીતિઓ, શૈક્ષણિક ભ્રષ્ટાચાર અને કાયદાના ભંગ સામે આજે શિક્ષણવિદો, શૈક્ષણિક સંચાલકો અને વિવિધ શૈક્ષણિક સંગઠનોના અગ્રણીઓએ ગાંધીનગર ખાતે મહત્વપૂર્ણ રજૂઆતો કરી હતી. ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન-ગુજરાત, અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ તથા રાજ્યના વિવિધ જિલ્લાઓના શૈક્ષણિક સંગઠનોના પ્રતિનિધિઓએ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીની રૂબરૂ મુલાકાત લઈ રાજ્યમાં વકરી રહેલી શૈક્ષણિક બદીઓને જડમૂળથી નાબૂદ કરવા માટે વિસ્તૃત આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.
પ્રતિનિધિમંડળે રજૂઆતમાં જણાવ્યું હતું કે રાજ્યના શિક્ષણ ક્ષેત્રે છેલ્લા કેટલાક વર્ષોથી એવી અનેક પ્રવૃત્તિઓ વધી રહી છે, જે શિક્ષણના મૂળ હેતુ, વિદ્યાર્થીઓના હિતો અને શિક્ષણની ગુણવત્તાને ગંભીર નુકસાન પહોંચાડી રહી છે. ખાસ કરીને સરકારી તથા ગ્રાન્ટેડ શાળાઓમાં ફરજ બજાવતા કેટલાક શિક્ષકો દ્વારા નિયમો અને સેવા શરતોનું ઉલ્લંઘન કરીને મોટા પાયે ખાનગી ટ્યુશન ક્લાસીસ ચલાવવામાં આવી રહ્યા છે. આવા શિક્ષકો સરકારી પગાર મેળવતા હોવા છતાં વિદ્યાર્થીઓને શાળાની બહાર ફી આધારિત શિક્ષણ લેવા માટે પ્રોત્સાહિત કરતા હોવાના ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે.
ફેડરેશન દ્વારા રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી એકત્રિત કરવામાં આવેલી માહિતી મુજબ અનેક સ્થળોએ શાળાના કેમ્પસ, વર્ગખંડો અને શૈક્ષણિક માળખાનો ઉપયોગ પણ ગેરકાયદેસર રીતે ખાનગી ટ્યુશન માટે થતો હોવાનું સામે આવ્યું છે. આ અંગેના દસ્તાવેજી પુરાવા, ફોટોગ્રાફ્સ, સંચાલકો અને વાલીઓની રજૂઆતો તેમજ સંકળાયેલા શિક્ષકોની વિગતવાર યાદી સરકાર સમક્ષ રજૂ કરવામાં આવી છે. ફેડરેશને માંગ કરી છે કે આવા તમામ કિસ્સાઓમાં જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરી જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
આવેદનપત્રમાં વધુમાં જણાવાયું છે કે ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ડમી શાળાઓ અને ગેરકાયદેસર ડે-સ્કૂલ અને કોન્સેપ્ટ સ્કૂલ મોડલનું દૂષણ અત્યંત ચિંતાજનક રીતે વધ્યું છે. અનેક વિદ્યાર્થીઓ માત્ર બોર્ડની હાજરી અને પરીક્ષા માટે કાગળ ઉપર શાળામાં નોંધાયેલા હોય છે, જ્યારે વાસ્તવિક અભ્યાસ કોચિંગ સંસ્થાઓમાં કરવામાં આવે છે. આ પ્રથા શિક્ષણના કાયદાઓ, શૈક્ષણિક ધોરણો અને શાળાકીય વ્યવસ્થાની મૂળભૂત ભાવનાનો ભંગ કરતી હોવાનું ફેડરેશને જણાવ્યું હતું. આવી ડમી વ્યવસ્થાઓને કારણે નિયમિત શાળાઓને નુકસાન થાય છે, શિક્ષણનું સામાજિક મૂલ્ય ઘટે છે અને વિદ્યાર્થીઓમાં માત્ર પરીક્ષા કેન્દ્રિત અભિગમ વિકસે છે.
ફેડરેશને સરકારને યાદ અપાવ્યું કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP-2020), રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખું (NCF) અને વિવિધ શૈક્ષણિક સુધારાઓનો મુખ્ય હેતુ શાળાકીય શિક્ષણને મજબૂત બનાવવાનો છે. પરંતુ ડમી શાળાઓ, ગેરકાયદેસર ટ્યુશન અને ડે-સ્કૂલ જેવી પ્રવૃત્તિઓ આ તમામ સુધારાઓને નિષ્ફળ બનાવે છે. તેથી રાજ્ય સરકારે વિશેષ અભિયાન ચલાવી આવા તમામ ગેરકાયદેસર માળખાઓની ઓળખ કરીને કડક કાર્યવાહી કરવી જોઈએ.
પ્રતિનિધિમંડળે વધુમાં રજૂઆત કરી હતી કે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા “Guidelines for Regulation of Coaching Centers” અને દેશની વિવિધ અદાલતો દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓના અનુસંધાનમાં ગુજરાત સરકારે પ્રાઇવેટ કોચિંગ સેન્ટરોના નિયમન માટે જે કાયદો ઘડવાની પ્રક્રિયા શરૂ કરી છે, તેને તાત્કાલિક પૂર્ણ કરી કડક અમલીકરણ કરવામાં આવે. ફેડરેશનના મત અનુસાર યોગ્ય કાયદાકીય માળખું ઊભું થવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતોનું રક્ષણ થશે, શિક્ષણક્ષેત્રમાં પારદર્શિતા આવશે અને કાયદાનું પાલન કરીને કાર્યરત આત્મનિર્ભર ટ્યુશન સંચાલકોને પણ ન્યાય મળશે.
આ ઉપરાંત આવેદનપત્રમાં શિક્ષણ વિભાગને રાજ્યવ્યાપી સર્વેક્ષણ હાથ ધરી ગેરકાયદેસર ટ્યુશન પ્રવૃત્તિઓ, ડમી શાળાઓ, નિયમવિરુદ્ધ ચાલતી ડે-સ્કૂલ વ્યવસ્થાઓ તથા શાળાકીય માળખાના દુરુપયોગ અંગે વિશેષ તપાસ સમિતિ રચવાની માંગ કરવામાં આવી છે. સાથે જ આવા કિસ્સાઓ અંગે ફરિયાદ નોંધાવવા માટે રાજ્ય સ્તરે વિશેષ હેલ્પલાઈન અને ઓનલાઈન પોર્ટલ શરૂ કરવાની પણ ભલામણ કરવામાં આવી છે.


