શાપરમાં બકરા મુદ્દે પડોશીઓ વચ્ચે અથડામણ, મહિલાને પથ્થરના ઘા ઝીંકાયા
ઘરના ફળિયામાં આવેલા બકરાને બહાર કાઢતાં ઉગ્ર બોલાચાલી બાદ હુમલો; રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ જિલ્લાના શાપર વિસ્તારમાં બકરા કાઢવાની બાબતે પડોશીઓ વચ્ચે થયેલી તકરાર હિંસક સ્વરૂપ ધારણ કરતાં એક મહિલા ઇજાગ્રસ્ત થઈ હતી. માથા અને શરીરના ભાગે ઇજા પહોંચતાં તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ, શાપરના સરદાર ચોક હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતા ચંદાબેન વિજયભાઈ સોઢા (ઉ.વ. 35) પોતાના ઘર પાસે હાજર હતા ત્યારે પડોશમાં રહેતા કેટલાક લોકો સાથે બકરાને લઈને બોલાચાલી થઈ હતી. પાડોશીના બકરા તેમના ઘરના ફળિયામાં ઘૂસી આવતા ચંદાબેને તેને બહાર કાઢ્યો હતો. આ મુદ્દે શરૂ થયેલી ઉગ્ર બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો.
આક્ષેપ છે કે સુરેશ, સંતુ અને તેમના સાથીદારોએ પથ્થર વડે હુમલો કરતાં ચંદાબેનને માથા સહિત શરીરના અન્ય ભાગોમાં ઇજાઓ પહોંચી હતી. ઘટનાના પગલે તેમને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. સ્થાનિક સ્તરે સામાન્ય લાગતી બાબતે થયેલી અથડામણને કારણે વિસ્તારમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે.


