મોટાદડવા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી
નવોદિત વિદ્યાર્થીઓનું સ્વાગત, તેજસ્વી તારલાઓનું બહુમાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
અગ્ર ગુજરાત, મોટા દડવા
માધ્યમિક શાળા મોટાદડવા ખાતે “કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ – પ્રગતિનો પ્રવેશોત્સવ 2026” ઉત્સાહ, ઉમંગ અને ગૌરવપૂર્ણ વાતાવરણમાં ઉજવવામાં આવ્યો હતો. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ગામના દરેક બાળક સુધી શિક્ષણનો પ્રકાશ પહોંચે અને સો ટકા નામાંકન સુનિશ્ચિત થાય તે રહ્યો હતો.
કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે આસિસ્ટન્ટ એન્જિનિયર ઓડિયા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. લાયઝન તરીકે સીઆરસી કો-ઓર્ડિનેટર તેમજ હાઈસ્કૂલ ના આચાર્ય દિલીપભાઈ લાવડીયા તેમજ નટુભાઈ ખાચર સહિત સમગ્ર સ્ટાફાગણ સહિત ગામના સરપંચ ઉપસરપંચ ભુપતભાઇ વાળા, મનુભાઈ લાવડીયા ગ્રામ પંચાયતના સભ્યો, ગોંડલ તાલુકા પંચાયતના સદસ્ય દિલીપભાઈ સોજીત્રા વજુભાઇ ચાવડા મોટાદડવા જૂથ સેવા સહકારી મંડળીના પ્રમુખ રઘુભાઈ વરસાની તેમજ ઉધોગપતિ ગિરધરભાઈ વેકરિયા તથા ગામના અગ્રણી જગાભાઈ સુસરા ડૉ કે.પી કારેથા,બાબાસાહેબ વેગડા સતિષભાઈ મેવાડા સહિત SMC/SMDCના સભ્યો, ગ્રામજનો તેમજ મોટી સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા હતા.
કાર્યક્રમ અંતર્ગત આંગણવાડી, બાલવાટિકા, ધોરણ-1 અને ધોરણ-9 સુધીના નવપ્રવેશિત વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક કરી, મોં મીઠું કરાવી અને શૈક્ષણિક કીટ અર્પણ કરીને હર્ષોલ્લાસભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. નવા વિદ્યાર્થીઓના ચહેરા પર આનંદ અને આત્મવિશ્વાસની ઝળહળાટી જોવા મળી હતી.
આ પ્રસંગે શાળાનું ગૌરવ વધારનાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું. CET (કોમન એન્ટ્રન્સ ટેસ્ટ), જ્ઞાન સાધના સ્કોલરશિપ તથા માધ્યમિક શિષ્યવૃત્તિ જેવી રાજ્ય કક્ષાની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવનાર વિદ્યાર્થીઓને શીલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત સંકુલ કક્ષાના કલા ઉત્સવમાં તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીને પણ અભિનંદન સાથે સન્માનિત કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમના અંતમાં પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતા મહાનુભાવો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. હરિયાળા અને સ્વચ્છ પર્યાવરણના સંકલ્પ સાથે કાર્યક્રમની સફળ પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે એમ.ડી વખારીયા ઉચ્ચતર માધ્યમિક શાળા મોટાદડવા હમીરપુરા, હમીરપુરા કન્યા કુમાર શાળા મોટાદડવા કન્યા કુમાર તાલુકા શાળાના આચાર્યઓ, શિક્ષકગણ અને કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.આ તકે બાલમંદિર ના સુપરવાઈઝર નયનાબેન મહેતા તેમજ તેડાગર સહિત વર્કર તમામ આંગણવાડી ના બહેનો ઉપસ્થિત રહ્યા હતા બાળકોનો કિલકલાટ સાથે શાળા તેમજ બાલમંદિર શોભી ઉઠ્યા હતા


