પરમિશનની પળોજણથી કંટાળ્યા,બિલ્ડરો બોલ્યા…હવે બસ…!
40% બિલ્ડરોનું અમદાવાદ-મુંબઈ તરફ પ્રયાણ
મંજૂરીની ધીમી પ્રક્રિયા, વધતી મોંઘવારી અને તંત્રની કનડગતથી બિલ્ડરોનું પલાયન, વધુ 40% સ્થળાંતરની તૈયારીમાં ; શહેરના વિકાસ સામે ઊભો થયો મોટો પડકાર
ટીઆરપી અગ્નિકાંડ બાદ મંજૂરી પ્રક્રિયા બાબતે તંત્ર રમી રહ્યું છે સંતાકુકડી ; ફાઈલો મહિનાઓથી ધૂળ ખાય છે
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરને સૌરાષ્ટ્રનું પાટનગર તરીકે ઓળખવામાં આવે છે. છેલ્લા બે દાયકામાં રાજકોટે ઔદ્યોગિક, વ્યાપારી અને બાંધકામ ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ કર્યો છે. શહેરની આકાશરેખા બદલવામાં અને આધુનિક રાજકોટની ઓળખ ઊભી કરવામાં બિલ્ડર લોબીનો મોટો ફાળો રહ્યો છે. અવનવા રહેણાંક, કોમર્શિયલ અને ટાઉનશિપ પ્રોજેક્ટના કારણે રાજકોટ આજે મેટ્રો સિટી તરફ આગળ વધી રહ્યું છે. પરંતુ હવે આ જ બાંધકામ ઉદ્યોગ વહીવટી અવરોધોના કારણે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે.
છેલ્લા કેટલાક મહિનાઓથી રાજકોટમાં નવા બાંધકામ પ્રોજેક્ટોની ગતિ ધીમી પડી ગઈ છે. બિલ્ડરોના મતે ઇઝરાયેલ-ઈરાન યુદ્ધ બાદ વૈશ્વિક સ્તરે વધેલી મોંઘવારીની સીધી અસર કન્સ્ટ્રક્શન ઉદ્યોગ પર પડી છે. સિમેન્ટ, સ્ટીલ, ઇલેક્ટ્રિકલ સામગ્રી અને અન્ય બાંધકામ ખર્ચમાં વધારો થતાં નવા પ્રોજેક્ટોનું આયોજન મુશ્કેલ બન્યું છે. સ્થિતિ એવી બની છે કે અનેક પ્રોજેક્ટોમાં તૈયાર યુનિટો મહિનાઓથી વેચાણની રાહ જોઈ રહ્યા છે. નવા બુકિંગમાં ઘટાડો થતા બિલ્ડરો માટે નાણાકીય દબાણ પણ વધી રહ્યું છે. બાંધકામ ઉદ્યોગ સાથે જોડાયેલા હજારો કામદારો, કોન્ટ્રાક્ટરો અને સપ્લાયરો પર પણ તેની અસર જોવા મળી રહી છે.
બિલ્ડરોનો સૌથી મોટો આક્ષેપ સરકારી મંજૂરી પ્રક્રિયા સામે છે. તેમના કહેવા મુજબ વિવિધ વિભાગોની મંજૂરી મેળવવા માટે લાંબી અને જટિલ પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે છે. અનેક ફાઈલો મહિનાઓથી નહીં પરંતુ વર્ષોથી વિવિધ ટેબલ પર અટવાઈ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. પરિણામે નવા પ્રોજેક્ટો સમયસર શરૂ થઈ શકતા નથી અને રોકાણકારોમાં પણ અનિશ્ચિતતા વધી રહી છે.bખાસ કરીને ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સમગ્ર રાજ્યમાં સુરક્ષા અને મંજૂરી સંબંધિત નિયમો વધુ કડક બન્યા છે. સુરક્ષા જરૂરી હોવા છતાં બિલ્ડરો માને છે કે કેટલાક કિસ્સાઓમાં અધિકારીઓની અતિસાવચેતી અને વિલંબના કારણે પ્રોજેક્ટો અટકી રહ્યા છે. અનેક પ્રોજેક્ટો મંજૂરીના અભાવે હોલ્ડ પર હોવાનું કહેવાય છે.
બિલ્ડરોના વર્તુળોમાં એવી ચર્ચા છે કે રાજકોટના આશરે 30થી 40 ટકા બિલ્ડરો હવે અમદાવાદ અને મુંબઈ જેવા મોટા શહેરોમાં પોતાનો વ્યવસાય વિસ્તારી રહ્યા છે. અમદાવાદના સેટેલાઈટ, સાઉથ બોપલ, શેલા અને ગોતા જેવા વિસ્તારોમાં રાજકોટના બિલ્ડરો દ્વારા નવા પ્રોજેક્ટ શરૂ કરાયા હોવાનું પણ જાણવા મળે છે. ત્યાંની તુલનાત્મક રીતે ઝડપી મંજૂરી પ્રક્રિયા અને મોટા બજારને કારણે બિલ્ડરોને નવી તકો મળી રહી છે.
માત્ર એટલું જ નહીં, હજુ પણ અન્ય 30થી 40 ટકા બિલ્ડરો તેમના વ્યવસાયને અન્ય શહેરોમાં ખસેડવાની તૈયારીમાં હોવાનું કહેવાય છે. તેઓ અમદાવાદ અને મુંબઈના રિયલ એસ્ટેટ માર્કેટનો અભ્યાસ કરી રહ્યા છે અને આગામી સમયમાં ત્યાં વધુ સક્રિય થવાની યોજના બનાવી રહ્યા છે. જો આ વલણ ચાલુ રહેશે તો રાજકોટના બાંધકામ ક્ષેત્રને લાંબા ગાળે મોટું નુકસાન થઈ શકે છે. બાંધકામ ઉદ્યોગ માત્ર બિલ્ડરો પૂરતો મર્યાદિત નથી. આ ઉદ્યોગ સાથે હજારો મજૂરો, એન્જિનિયરો, આર્કિટેક્ટ, ઈન્ટિરિયર ડિઝાઈનરો, મટીરીયલ સપ્લાયરો અને નાના વેપારીઓની રોજગારી જોડાયેલી છે. તેથી આ ક્ષેત્રમાં મંદીનો અર્થ સમગ્ર આર્થિક પ્રવાહ પર અસર થવો પણ છે.
હાલમાં રાજકોટના નવા મેયર તરીકે નેહલ શુકલની વરણી થયા બાદ બિલ્ડર વર્ગમાં નવી આશા જાગી છે. યુવા અને ઊર્જાસભર નેતૃત્વ હેઠળ બાંધકામ ક્ષેત્રના પ્રશ્નોનો ઉકેલ આવશે અને મંજૂરી પ્રક્રિયામાં પારદર્શિતા તથા ઝડપ આવશે તેવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે. બિલ્ડરોનું માનવું છે કે જો સ્થાનિક તંત્ર અને રાજ્ય સરકાર આ ક્ષેત્રની વાસ્તવિક સમસ્યાઓને સમજીને જરૂરી રાહત આપે તો રાજકોટ ફરી વિકાસના માર્ગે દોડતું થઈ શકે છે.
રાજકોટની ઓળખ માત્ર ઉદ્યોગનગર તરીકે જ નહીં, પરંતુ ઝડપી વિકસતા શહેર તરીકે પણ થઈ રહી છે. જો બાંધકામ ઉદ્યોગને જરૂરી પ્રોત્સાહન અને અનુકૂળ વાતાવરણ નહીં મળે તો શહેરના વિકાસની ગતિ ધીમી પડી શકે છે. તેથી સમયની માંગ છે કે સરકાર, મહાનગરપાલિકા અને બાંધકામ ઉદ્યોગ સાથે મળીને ઉકેલ શોધે, જેથી રાજકોટની વિકાસયાત્રા અટકે નહીં અને ‘રંગીલું રાજકોટ’ પોતાની આગવી શાન જાળવી રાખી શકે.
40% બિલ્ડરો અમદાવાદ-મુંબઈમાં સક્રિય ; રાજકોટ શહેરના વિકાસ પર અસરની ચિંતા
રાજકોટના રિયલ એસ્ટેટ ક્ષેત્રે છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર વિકાસ થયો છે, પરંતુ હવે શહેરના અનેક બિલ્ડરો પોતાનો વ્યાપ અમદાવાદ અને મુંબઈ જેવા મહાનગરોમાં વિસ્તારી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. અંદાજે 40 ટકા જેટલા બિલ્ડરો બહારના શહેરોમાં નવા પ્રોજેક્ટ શરૂ કરવા તરફ વળ્યા હોવાનું રિયલ એસ્ટેટ વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.
અમદાવાદના સેટેલાઈટ, સાઉથ બોપલ, શેલા અને ગોતા જેવા વિકસતા વિસ્તારોમાં રાજકોટના બિલ્ડરો દ્વારા રહેણાંક અને કોમર્શિયલ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે. અનેક સાઇટો પર બાંધકામ કાર્ય ચાલી રહ્યું છે, જ્યારે કેટલાક બિલ્ડરો જમીન ખરીદ-વેચના વ્યવસાય સાથે પણ જોડાઈ ગયા છે.
માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ મુંબઈમાં પણ રાજકોટના બિલ્ડરો પગપેસારો કરી રહ્યા છે. પનવેલ, બાંદ્રા અને ભિવંડી જેવા વિસ્તારોમાં નવા પ્રોજેક્ટ હાથ ધરાયા હોવાનું જાણવા મળે છે. મહાનગરોમાં વધુ રોકાણની તકો અને ઊંચા વળતરની આશાએ બિલ્ડરોનું આકર્ષણ વધી રહ્યું છે.
રિયલ એસ્ટેટ ક્ષેત્રના જાણકારોના મતે, જો આ વલણ સતત વધશે તો રાજકોટમાં નવા પ્રોજેક્ટોની સંખ્યા અને રોકાણ પર તેની અસર પડી શકે છે. શહેરના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવનારા બિલ્ડરો બહારગામે વધુ સક્રિય બનતા આગામી દિવસોમાં રાજકોટની રિયલ એસ્ટેટ વૃદ્ધિની ગતિ ધીમી પડવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
મંજૂરીમાં વિલંબથી બિલ્ડરો પર ભાર: ફાઈલો વર્ષોથી અટવાતાં પ્રોજેક્ટો મોડા, કમિશનર સુમેરા અજાણ હોવાની પણ ચર્ચા
શહેરના બિલ્ડરોમાં વિવિધ વિભાગોમાં મંજૂરી માટેની ફાઈલો લાંબા સમયથી અટવાઈ રહેતી હોવાના મુદ્દે અસંતોષ જોવા મળી રહ્યો છે. બિલ્ડરોના જણાવ્યા મુજબ નવા રહેણાંક અને કોમર્શિયલ પ્રોજેક્ટોની ફાઈલો અલગ-અલગ શાખાઓમાં મહિનાઓથી લઈને વર્ષો સુધી પડતર રહેતી હોવાથી પ્રોજેક્ટ સમયસર શરૂ કરી શકાતા નથી.
બિલ્ડર વર્તુળોના જણાવ્યા પ્રમાણે રાજકોટ મહાનગરપાલિકાના નવા કમિશનર તુષાર સુમેરા કાર્યભાર સંભાળ્યા બાદ અનેક પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે સકારાત્મક અભિગમ અપનાવી રહ્યા છે. બિલ્ડરો રૂબરૂ રજૂઆત કરે ત્યારે કમિશનર દ્વારા તાત્કાલિક સંબંધિત અધિકારીઓને સૂચના આપી પ્રશ્નો ઉકેલવાના પ્રયાસો પણ કરવામાં આવે છે. તેમ છતાં, વિવિધ મંજૂરી પ્રક્રિયાઓ સાથે જોડાયેલી ફાઈલો નીચેના વિભાગોમાં અટવાઈ જતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. પરિણામે બાંધકામ ક્ષેત્રમાં રોકાણ, આયોજન અને પ્રોજેક્ટ અમલીકરણની ગતિ પર અસર પડી રહી છે. સમયસર મંજૂરી ન મળવાને કારણે ખર્ચમાં વધારો થતો હોવાની સાથે ખરીદદારોને પણ નવા પ્રોજેક્ટોની રાહ જોવી પડી રહી છે.
બિલ્ડરોનું માનવું છે કે કમિશનરને કદાચ આ પ્રકારના વિભાગીય વિલંબની સંપૂર્ણ જાણકારી ન હોય. તેથી મંજૂરી પ્રક્રિયાની સમીક્ષા કરી ફાઈલોના ઝડપી નિકાલ માટે અસરકારક વ્યવસ્થા ઉભી કરવામાં આવે તો બાંધકામ ક્ષેત્રને મોટી રાહત મળી શકે છે. રાજકોટના વિકાસને વેગ આપવા માટે આ મુદ્દે ત્વરિત નિર્ણય લેવાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી રહી છે.
ટીઆરપી અગ્નિકાંડ બાદ કડકાઈ
ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના પછી સુરક્ષા નિયમો વધુ કડક બનતા અનેક બાંધકામ પ્રોજેક્ટોને મંજૂરી મેળવવામાં મુશ્કેલીઓ વધી છે.
રાજકોટમાં પ્રોપર્ટીના ભાવમાં 20% વધારાના એંધાણ, બિલ્ડરો પર મંજૂરી અને મોંઘવારીનો ડબલ માર
શહેરમાં નવા રહેણાંક અને કોમર્શિયલ પ્રોજેક્ટ શરૂ કરનારા બિલ્ડરો માટે મંજૂરી પ્રક્રિયા દિવસો નહીં પરંતુ મહિનાઓ સુધી ખેંચાતી હોવાથી અનેક મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. બિલ્ડરોના જણાવ્યા મુજબ વિવિધ વિભાગોમાં ફાઈલો અટવાઈ રહેતા પ્રોજેક્ટ સમયસર શરૂ થઈ શકતા નથી, જેના કારણે પ્રોજેક્ટની કુલ કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી તરફ ઈરાન-ઇઝરાયેલ વચ્ચે સર્જાયેલી વૈશ્વિક કટોકટીની અસર બાંધકામ ઉદ્યોગ પર પણ જોવા મળી રહી છે. સિમેન્ટ, સ્ટીલ, ઇલેક્ટ્રિકલ સામગ્રી સહિતના અનેક બાંધકામ મટીરીયલના ભાવમાં વધારો નોંધાયો છે. પરિણામે બિલ્ડરોના ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદના અનેક બિલ્ડરોએ તાજેતરમાં જ તેમના નવા પ્રોજેક્ટોમાં આશરે 20 ટકા સુધીનો ભાવવધારો અમલમાં મૂક્યો છે. હવે રાજકોટમાં પણ આગામી દિવસોમાં નવા લોન્ચ થનારા પ્રોજેક્ટોમાં સમાન પ્રકારનો ભાવવધારો જોવા મળી શકે છે. હાલ બજારમાં ચાલી રહેલા મોટાભાગના પ્રોજેક્ટો જૂના દરે વેચાઈ રહ્યા છે, કારણ કે તેમની કિંમત અગાઉ નક્કી થઈ ચૂકી છે. જોકે નવા પ્રોજેક્ટોની મંજૂરી અને અમલીકરણ બાદ વધેલા બાંધકામ ખર્ચની સીધી અસર ગ્રાહકો પર પડશે અને પ્રોપર્ટીના ભાવમાં 20 ટકા સુધીનો વધારો થવાની શક્યતા બિલ્ડર લોબીમાં વ્યક્ત કરવામાં આવી રહી છે.
ટેક્સ વસૂલાય છે, સુવિધાઓ ક્યાં? મેયર સાહેબ નવા વિસ્તારોની એકવાર હાલત તો જુઓ
બિલ્ડર વર્ગે નવા મેયર નેહલ શુકલ સમક્ષ માત્ર મંજૂરી પ્રક્રિયા ઝડપી બનાવવાની જ નહીં, પરંતુ નવા વિકસિત વિસ્તારોમાં પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની પણ ઉગ્ર માંગણી કરી છે. બિલ્ડરોના જણાવ્યા મુજબ શહેરમાં અનેક ટાઉન પ્લાનિંગ (ટીપી) યોજનાઓ ફાઇનલ થઈ ચૂકી છે અને તે વિસ્તારોમાં મોટા પાયે રહેણાંક તથા કોમર્શિયલ પ્રોજેક્ટ્સ આકાર પામી ચૂક્યા છે.
બિલ્ડરો જણાવી રહ્યા છે કે, ટીપી ફાઇનલ થયા બાદ મકાનો પર નિયમિત વેરા-ટેક્સ પણ વસૂલવામાં આવી રહ્યા હોવા છતાં નવા વિકસિત વિસ્તારોમાં મૂળભૂત સુવિધાઓનો ગંભીર અભાવ છે. અનેક વિસ્તારોમાં આજે પણ રસ્તાઓ કાચા છે, ગટર વ્યવસ્થા અધૂરી છે અને પીવાના પાણીની સમસ્યા યથાવત છે. જેના કારણે ત્યાં રહેતા રહેવાસીઓ અને પ્રોજેક્ટ ડેવલપર્સ બંનેને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. બિલ્ડરોએ જણાવ્યું હતું કે શહેરના પોશ અને ઝડપથી વિકસી રહેલા વિસ્તારોમાં પણ સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે, જે વિકાસના દાવાઓ સામે પ્રશ્નો ઊભા કરે છે. તેમણે નવા મેયર નેહલ શુકલને આવા વિસ્તારોની સ્થળ મુલાકાત લઈ વાસ્તવિક સ્થિતિનું નિરીક્ષણ કરવાની અપીલ કરી છે. બિલ્ડર વર્ગે આશા વ્યક્ત કરી છે કે નવા મેયરના નેતૃત્વમાં રોડ, રસ્તા, ગટર, પાણી સહિતની પાયાની સુવિધાઓ ઝડપથી ઉપલબ્ધ બનશે અને નવા વિસ્તારોના વિકાસને યોગ્ય દિશા મળશે.
રોજગારી પર પણ અસર
બાંધકામ ઉદ્યોગમાં બ્રેક લાગતા પ્રોજેક્ટ સાઇટ પર કામ કરતા હજારો મજૂરો, કોન્ટ્રાક્ટરો, એન્જિનિયરો અને માલ સપ્લાયરોની આવક પર સીધી અસર થઈ રહી છે.
હજુ 40% બિલ્ડરો સ્થળાંતરની તૈયારીમાં
ઉદ્યોગ સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા મુજબ હજુ પણ ઘણા બિલ્ડરો અન્ય શહેરોમાં વ્યવસાય ખસેડવા માટે અભ્યાસ અને આયોજન કરી રહ્યા છે.
નવા મેયર નેહલ શુકલથી બિલ્ડર વર્ગને દેખાયું આશાનું કિરણ, મંજૂરી પ્રક્રિયા ઝડપી બનવાની અપેક્ષા
તાજેતરમાં રાજકોટ મહાનગરપાલિકાના નવા મેયર તરીકે પદભાર સંભાળનાર નેહલ શુકલ પાસેથી શહેરના બિલ્ડર વર્ગને મોટી અપેક્ષાઓ બંધાઈ છે. લાંબા સમયથી વિવિધ મંજૂરી પ્રક્રિયાઓમાં થતા વિલંબ અને વહીવટી અડચણોનો સામનો કરી રહેલા બિલ્ડરોને હવે વિકાસલક્ષી નિર્ણયો વધુ ઝડપથી લેવાશે તેવી આશા જાગી છે.
બિલ્ડર વર્ગના જણાવ્યા મુજબ નેહલ શુકલ માત્ર ચેમ્બરમાં બેસીને કામગીરી કરતા નેતા નથી, પરંતુ સ્થળ પર જઈને પરિસ્થિતિનું નિરીક્ષણ કરી હકીકતને નજીકથી સમજવાનો અભિગમ ધરાવે છે. જેના કારણે શહેરના વિકાસકાર્યો અને નવા હાઉસિંગ-કોમર્શિયલ પ્રોજેક્ટ્સને લગતી વાસ્તવિક સમસ્યાઓને તેઓ વધુ સારી રીતે સમજી શકશે તેવી માન્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
શહેરમાં નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે વિવિધ વિભાગોની મંજૂરી મેળવવામાં થતો સમય અને પ્રક્રિયાની જટિલતા બિલ્ડરો માટે લાંબા સમયથી ચિંતાનો વિષય રહી છે. આવા સમયે નવા મેયર બિલ્ડર લોબીની રજૂઆતોને ગંભીરતાથી સાંભળશે અને મંજૂરી પ્રક્રિયાને વધુ સરળ, પારદર્શક તથા ઝડપી બનાવવાના પ્રયાસો કરશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે.
બિલ્ડરોએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે નવા મેયરના નેતૃત્વમાં વિકાસને વેગ મળશે અને બિલ્ડર વર્ગને આવતી વહીવટી અડચણોમાં નોંધપાત્ર ઘટાડો થશે, જેનાથી શહેરના રિયલ એસ્ટેટ ક્ષેત્રને પણ નવી ગતિ મળશે.
બિનખેતી મંજૂરીમાં પણ વિલંબથી બિલ્ડરોમાં રોષ ; રાજકોટના વિકાસને કોણ લગાવી રહ્યું છે બ્રેક?
રાજકોટમાં વિકાસકાર્યો અને નવા રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ સામે બિનખેતી (એન.એ.) મંજૂરી પ્રક્રિયામાં થતા વિલંબનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. બિલ્ડર વર્ગે આક્ષેપ કર્યો છે કે સરકારી તંત્રની ધીમી કામગીરી અને વિવિધ વિભાગોમાં ફાઈલો લાંબા સમય સુધી અટવાઈ રહેવાના કારણે અનેક પ્રોજેક્ટ્સ સમયસર શરૂ થઈ શકતા નથી, જેના કારણે શહેરના વિકાસની ગતિ પર અસર પડી રહી છે.
બિલ્ડરોના જણાવ્યા મુજબ મહાનગરપાલિકાના વિવિધ વિભાગો ઉપરાંત કલેક્ટર કચેરીમાં પણ બિનખેતી સંબંધિત ફાઈલોની પ્રક્રિયામાં અનાવશ્યક વિલંબ થતો હોય છે. અનેક કિસ્સાઓમાં તમામ જરૂરી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પણ મંજૂરી મળવામાં લાંબો સમય લાગી જાય છે. પરિણામે જે વિસ્તારોમાં વિકાસ થવાનો હોય છે ત્યાં કામગીરી અટકી જાય છે અને નવા રોકાણોને પણ ફટકો પડે છે. બિલ્ડરોએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે અમદાવાદ, વડોદરા અને સુરત જેવા શહેરોમાં વિકાસકાર્યો ઝડપથી આગળ વધે છે, તો રાજકોટમાં જ આવી વિલંબભરી સ્થિતિ કેમ સર્જાય છે? તેમના મતે મંજૂરી પ્રક્રિયાની જટિલતા અને વિલંબના કારણે અનેક બિલ્ડરો અન્ય શહેરોમાં રોકાણ અને પ્રોજેક્ટ્સ તરફ વળી રહ્યા છે. બિલ્ડર વર્ગે ચેતવણી આપી છે કે જો સ્થિતિમાં સુધારો નહીં થાય અને બિલ્ડરોનું પલાયન યથાવત રહેશે, તો રાજકોટના ભાવિ વિકાસ, રોજગારીની તકો અને નવા રોકાણો પર ગંભીર અસર પડી શકે છે.
સરકારના હસ્તક્ષેપની માંગ
બિલ્ડરોનું માનવું છે કે રાજ્ય સરકાર ખાસ પેકેજ, નીતિગત રાહત અને ઝડપી મંજૂરી વ્યવસ્થા લાવશે તો બાંધકામ ક્ષેત્ર ફરી ગતિ પકડી શકે છે.


