જાફરાબાદના ટીંબી ગામે રૂપેણ નદીના પટ વિસ્તારમાં મામલતદારના દરોડા
ત્રણ શંકાસ્પદ શખ્સોની સ્થળ પરથી ધરપકડ
અગ્ર ગુજરાત, જાફરાબાદ
અમરેલીના જાફરાબાદ તાલુકાના ટીંબી ગામ પાસે મામલતદાર ટીમ દ્વારા ગેરકાયદેસર ખનીજ ચોરી સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જાફરાબાદના મામલતદાર એમ. બી.લકુમ અને તેમની ટીમ દ્વારા ટીંબી ગામથી વાકિયા તરફ જતા રૂપેણ નદીના પટ વિસ્તારમાં અચાનક દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન નદીના પટમાંથી ગેરકાયદેસર રીતે ખનન કરી રહેલા તત્વોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. તંત્રની આ કાર્યવાહીમાં ધટના સ્થળેથી ખનીજ ચોરીમાં વપરાતા એક જેસીબી મશીન, ૧ ટ્રેક્ટર ટ્રોલી અને ૩ મોટરસાયકલ સહિતના વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. આ સાથે જ ખનન પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ૩ શંકાસ્પદ ઈસમોને પણ સ્થળ પરથી ઝડપી પાડવામાં આવ્યા છે. જ્યારે અન્ય વાહન ચાલકો નાસી છૂટ્યા હતા જેમની સામે આગળની કાયદેસરની તપાસ અને શોધખોળ હાથ ધરવામાં આવી છે. મામલતદારની આ કડક કાર્યવાહીને પગલે ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. સ્થાનિક લોકોએ તંત્રની આ કામગીરીને બિરદાવી છે. લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે જો તંત્ર દ્વારા આવા ગેરકાયદે કરતા ખનીજ ચોરો સામે સતત કડક પગલાં લેવામાં આવે તો જ ગેરકાનૂની પ્રવૃત્તિ કરનારાઓમાં કાયદાનો ડર થશે. અને સરકારને થતું આર્થિક નુકસાન અટકાવી શકાશે. આ કામગીરીમાં જાફરાબાદ મામલતદાર એમ. બી.લકુમ, નાયબ મામલતદાર રાહુલભાઈ ગોહિલ સહિત સ્ટાફ જોડાયો હતો.


