રાજકોટમાં ‘ઓપન અંડર-14 અને અંડર-17 બોય્ઝ ફૂટબોલ ટુર્નામેન્ટ-2026’નો રોમાંચ
ધી રાજકોટ કોમર્શિયલ કો-ઓપરેટિવ બેન્ક અને ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનના સંયુક્ત આયોજનમાં શેઠ શ્રી જયંતિલાલ કુંડલિયા મેમોરિયલ કપ માટે યુવા ખેલાડીઓએ દેખાડ્યો જોરદાર જુસ્સો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં રમતગમતને પ્રોત્સાહન આપવાના ઉમદા આશય સાથે, ધી રાજકોટ કોમર્શિયલ કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડ અને ડીસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન, રાજકોટના સંયુક્ત ઉપક્રમે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ “શેઠ શ્રી જયંતિલાલ કુંડલિયા મેમોરિયલ કપ” ફૂટબોલ ટુર્નામેન્ટ ૨૦૨૬નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટનું આયોજન રેલવે લોકો કોલોનીના વિશાળ અને સુવિધાયુક્ત ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે, જ્યાં શહેરભરમાંથી વિવિધ ટીમોએ ભાગ લીધો છે. ખાસ કરીને અંડર-૧૪ અને અંડર-૧૭ બોય્ઝ વિભાગમાં આ વર્ષે ખેલાડીઓનો ઉત્સાહ જોવા જેવો છે.
આ ટુર્નામેન્ટના સફળ સંચાલન માટે ધી રાજકોટ કોમર્શિયલ કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડના સીઈઓ (CEO) ડો. પુરુષોત્તમ પીપરીયા, ડેપ્યુટી જનરલ મેનેજર (DGM) પ્રકાશ શંખાવલા અને આસિસ્ટન્ટ જનરલ મેનેજર (AGM) જુલીબેન પીપરીયાનો વિશેષ સહયોગ અને માર્ગદર્શન પ્રાપ્ત થયેલ છે. બેન્ક પદાધિકારીઓનો આ અદમ્ય સહયોગ રમતગમત અને સામાજિક જવાબદારીના સુમેળનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. તેમની સતત દેખરેખ અને પ્રોત્સાહનને કારણે ખેલાડીઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ યુવાનોને નકારાત્મક પ્રવૃત્તિઓથી દૂર રાખીને રમતગમતના માધ્યમથી રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા માટે પ્રેરિત કરવાનો છે.
દર વર્ષ ની જેમ આ વર્ષે પણ રાજકોટ કોમર્સિયલ કો ઓપરેટીવ બેન્ક લિમિટેડ ના સહયોગ દ્વારા ટુર્નામેન્ટના અંડર-૧૪ વિભાગમાં કુલ ૧૫ ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે, જેમાં આજની મેચોમાં ખેલાડીઓએ રમતનું અદભૂત પ્રદર્શન કર્યું હતું. અંડર-૧૪ વિભાગની રોમાંચક મેચોમાં SNK-A ની ટીમે Master FC Blue સામે ૩-૦ ના સ્કોર સાથે વિજય મેળવ્યો હતો. તેમજ TGS Wadi School ની ટીમે ક્રાઇસ્ટ સ્કૂલ સામે ૬-૦ થી એકતરફી જીત મેળવી હતી. આ ઉપરાંત, YCC ની ટીમે જીનિયસ સ્કૂલ સામે ૩-૦ થી અને RDSA Railway ની ટીમે YCC મવડી સામે ૩-૦ થી વિજય પ્રાપ્ત કરીને ટુર્નામેન્ટના આગામી રાઉન્ડમાં પોતાનું સ્થાન મજબૂત કર્યું હતું.
અંડર-૧૭ વિભાગમાં પણ ૧૨ ટીમો વચ્ચે ભારે રસાકસી જોવા મળી હતી, જેમાં ખેલાડીઓની રમત પ્રત્યેની ગંભીરતા અને કૌશલ્ય સ્પષ્ટપણે વર્તાતા હતા. આ વિભાગની મહત્વની મેચોમાં YCC ની ટીમે SNK-B ને ૫-૦ થી હરાવી હતી. જ્યારે DLSS જય ઇન્ટરનેશનલ સ્કૂલની ટીમે ક્રાઇસ્ટ સ્કૂલ સામે ૫-૦ થી ભવ્ય જીત નોંધાવી હતી. આ ઉપરાંત, TGS ની ટીમે SNK-A સામે ૫-૧ ના સ્કોરથી વિજય મેળવીને પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી હતી. દરેક મેચમાં ખેલાડીઓએ ટીમવર્ક અને વ્યૂહાત્મક રમતનું પ્રદર્શન કર્યું હતું.
આજના મેચોમાં ખેલાડીઓનું પ્રદર્શન જોતા એવું સ્પષ્ટ થાય છે કે સ્થાનિક સ્તરે ફૂટબોલની તાલીમ અને માર્ગદર્શનનું સ્તર ઊંચું આવ્યું છે. મેદાન પર ખેલાડીઓની ફિટનેસ, સ્ટ્રેટેજી અને ગોલ કરવાની ક્ષમતા ખરેખર પ્રશંસનીય હતી.
ઉપરાંત તા.૨૫.૬.૨૦૨૬ના રોજ આયોજિત મેચોમાં ખેલાડીઓએ રમતનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. આ સ્પર્ધાત્મક મેચોમાં રાજકોટ સિટી પોલીસની ટીમે વાયસીસી (YCC) એસએફ (SF) ની ટીમને ૨-૦ થી, એસએનકે (SNK) સ્કૂલની ટીમે વાયસીસી (YCC) ‘એ’ ટીમને ૧-0 થી, અને ડીએલએસએસ (DLSS) જય ઇન્ટરનેશનલ સ્કૂલની ટીમે એસજીવીપી (SGVP) રીબડાની ટીમને ૪-૦ થી મહાત આપીને ટુર્નામેન્ટના બીજા રાઉન્ડમાં સત્તાવાર રીતે પ્રવેશ મેળવ્યો છે. ઉપરાંત તા.૨૫.૬.૨૦૨૬ ના રોજ અંડર-૧૭ વિભાગમાં પણ રોમાંચક મુકાબલાઓ જોવા મળ્યા હતા, જેમાં ખેલાડીઓએ રમતનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. આ મેચોના પરિણામો જોઈએ તો, આરડીએસએ (RDSA) રેલ્વેની ટીમે ક્રાઇસ્ટ સ્કૂલની ટીમને ૧-૦ થી એસએનકે (SNK) ‘એ’ ટીમે માસ્ટર એફસી બ્લૂની ટીમને ૩-૦ થી, એસજીવીપી (SGVP) રિબડાની ટીમે એસએનકે (SNK) ‘બી’ ટીમને ૪-૦ થી અને ગ્રીનવૂડ ઇન્ટરનેશનલ સ્કૂલની ટીમે રાજકોટ સિટી પોલીસની ટીમને ૨-૧ થી પરાજય આપી ટુર્નામેન્ટમાં પોતાની મજબૂત પકડ જમાવી હતી.
એસોસિએશન દ્વારા નિર્ધારિત નિયમો અને શિસ્તના માળખામાં રહીને દરેક ટીમે શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો પ્રયાસ કર્યો હતો. રેફરી દ્વારા પણ મેચોનું સંચાલન ખૂબ જ કુશળતાપૂર્વક કરવામાં આવ્યું હતું, જેનાથી ખેલાડીઓનો ઉત્સાહ જળવાઈ રહ્યો હતો અને કોઈ પણ પ્રકારનો વિવાદ વગર મેચો સંપન્ન થઈ હતી.
આ સમગ્ર ટુર્નામેન્ટના સફળ આયોજન પાછળ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન, રાજકોટના હોદ્દેદારોની ખૂબ મોટી મહેનત રહેલી છે. એસોસિએશનના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા, બી. કે. જાડેજા અને સેક્રેટરી રોહિત બુંદેલા સહિતના તમામ સભ્યો દ્વારા ટુર્નામેન્ટના આયોજન માટે કરવામાં આવેલ અથાક પ્રયાસો ખરેખર નોંધપાત્ર છે. તેમના અનુભવ અને માર્ગદર્શન હેઠળ જ આ ટુર્નામેન્ટ આટલી ભવ્યતા સાથે આયોજિત થઈ રહી છે, જે સ્થાનિક ફૂટબોલ જગતમાં પ્રોત્સાહનનું મોટું કામ કરી રહી છે.
આવી ટુર્નામેન્ટો સામાજિક સ્તરે પણ ખૂબ મોટું પરિવર્તન લાવે છે. જ્યારે કોઈ સંસ્થા કે બેન્ક રમતગમતને દત્તક લે છે, ત્યારે ખેલાડીઓને આર્થિક અને નૈતિક બંને પ્રકારનું પીઠબળ મળે છે. આ મેમોરિયલ કપના માધ્યમથી રાજકોટના ફૂટબોલ ખેલાડીઓને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓ માટે તૈયાર થવાની તક મળી રહી છે. ભવિષ્યમાં પણ આવા આયોજનો ચાલુ રહે અને વધુને વધુ યુવાનો ફૂટબોલ તરફ આકર્ષાય તેવી આશા સહ આ કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે.
“અંતમાં, આ રોમાંચક ટુર્નામેન્ટની આગામી મેચોનો લ્હાવો માણવા તથા આપણા યુવા ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે રાજકોટના તમામ રમતપ્રેમીઓ, વિદ્યાર્થીઓ અને વાલીઓને રેલવે લોકો કોલોનીના ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે પધારવા માટે અમે હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ. આપની ઉપસ્થિતિ ચોક્કસપણે ખેલાડીઓનું મનોબળ વધારનારી બની રહેશે.
ફૂટબોલની આ અદભૂત રમત અને યુવા પ્રતિભાઓના કૌશલ્યને નજીકથી નિહાળવા માટે આપ સૌ પધારશો, એવી અમને ખાતરી છે કે આગામી મેચોમાં પણ આપને રમતનો અભૂતપૂર્વ આનંદ મળશે અને ખેલાડીઓનું પ્રદર્શન આપને મંત્રમુગ્ધ કરી દેશે.”


