13 વર્ષ જૂના વ્યાજખોરી કેસમાં ગોંડલના ચાર આરોપીઓને અદાલતે નિર્દોષ જાહેર કર્યા
ફરિયાદ પક્ષ પૂરતા દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહેતાં રાજકોટ કોર્ટે તમામ આરોપીઓને શંકાનો લાભ આપીને મુક્ત કર્યા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમાં નોંધાયેલા લગભગ 13 વર્ષ જૂના વ્યાજખોરી અને ધમકીના કેસમાં ગોંડલના ચાર આરોપીઓને અદાલતે નિર્દોષ ઠરાવી મુક્ત કરવાનો મહત્વનો ચુકાદો આપ્યો છે. ફરિયાદ પક્ષ તરફથી પૂરતા દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં ન આવતા અને બચાવ પક્ષની દલીલોને ધ્યાનમાં રાખી કોર્ટે ચારેય આરોપીઓને શંકાનો લાભ આપ્યો હતો.
આ કેસમાં રાજકોટના માલવીયાનગર પોલીસ મથકે તા. 7 ફેબ્રુઆરી, 2013ના રોજ સરોજબેન દિલીપભાઈ સોભાપરાએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ દીપકસિંહ ઝાલા, કમલેશ ઉર્ફે કેશુભાઈ સાટોડીયા, મનોજ ચંદુલાલ પારેખ તથા જશુબેન ઉર્ફે જ્યોત્સનાબેન હીરપરા તેમના ઘરે ઘૂસી આવ્યા હતા અને મારપીટ, ગાળાગાળી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ફરિયાદીએ દીપકસિંહ ઝાલા પાસેથી રૂ. બે લાખ વ્યાજે લીધા હતા. મુદ્દલ અને વ્યાજની ઉઘરાણી માટે આરોપીઓ ઘરે આવ્યા હતા અને મકાનનો કબજો ખાલી કરી સોંપવા દબાણ કર્યું હતું. આ આધારે પોલીસ દ્વારા ભારતીય દંડ સંહિતાની કલમ 452, 323, 504, 506(2), 114 તેમજ મનીલેન્ડિંગ એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
તપાસ પૂર્ણ થયા બાદ ચાર્જશીટ અદાલતમાં રજૂ થતાં કેસની સુનાવણી હાથ ધરાઈ હતી. ફરિયાદ પક્ષે કુલ છ સાક્ષીઓની તપાસ કરી હતી. જોકે બચાવ પક્ષે તમામ સાક્ષીઓની અસરકારક ઊલટતપાસ કરી હતી. ઉપરાંત ફરિયાદ પક્ષ તરફથી કેસને સમર્થન આપતા જરૂરી દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા ન હોવાનું બચાવ પક્ષના વકીલ વિજયરાજસિંહ એસ. જાડેજાએ અદાલતના ધ્યાન પર દોર્યું હતું.
બંને પક્ષોની દલીલો અને ઉપલબ્ધ પુરાવાઓનું મૂલ્યાંકન કર્યા બાદ રાજકોટની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટે ફરિયાદ પક્ષ આરોપો પુરવાર કરવામાં નિષ્ફળ રહ્યું હોવાનું નોંધ્યું અને ચારેય આરોપીઓને નિર્દોષ જાહેર કરી મુક્ત કરવાનો હુકમ કર્યો હતો. આ કેસમાં આરોપી પક્ષ તરફેથી ગોંડલના એડવોકેટ વિજયરાજસિંહ સુધીરસિંહ જાડેજાએ સફળ રજૂઆત કરી હતી.


