નહેરુનગરમાં હિંસક અથડામણ : બે જૂથ વચ્ચે છરીઓ ઉડી
માલધારી ચોકમાં સૂરજ ડેરની ઓફિસ નજીક સામાન્ય બોલાચાલી હિંસક સંઘર્ષમાં ફેરવાઈ ; પ્રતાપ ઉર્ફે પત્યો જાડેજા સહિત છ શખ્સો સામે ગુનો નોંધાયો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરના નહેરૂનગર વિસ્તારમાં મંગળવારની રાત્રે બે જૂથ વચ્ચે થયેલી ઉગ્ર અથડામણે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચાવી હતી. સૂરજ ડેરની ઓફિસ નજીક શરૂ થયેલી બોલાચાલી થોડી જ વારમાં હિંસક સ્વરૂપ ધારણ કરી લેતા બંને પક્ષના શખ્સો એકબીજા પર તૂટી પડ્યા હતા. ઘટનામાં એક વ્યક્તિને છરીના ઘા વાગતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બીજી તરફ બંને પક્ષોએ એકબીજા સામે જાનથી મારી નાખવાની ધમકી, મારામારી અને હથિયાર વડે હુમલાના આક્ષેપો સાથે માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને પક્ષના કુલ છ શખ્સો સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ નહેરૂનગર પ્રાઇવેટ શેરી નં. 4માં રહેતા અને મજૂરીકામ કરતા 28 વર્ષીય કરણભાઈ જીલુભાઈ કુંભારવાડિયાએ પ્રતાપસિંહ ઉર્ફે પત્યો સુખદેવસિંહ જાડેજા, હેમાંગ ઉર્ફે હેમભા સુખદેવસિંહ જાડેજા અને ભાવિન દેવડા સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ મંગળવારે રાત્રે લગભગ સાડા નવ વાગ્યે કરણભાઈ સૂરજ ડેરની ઓફિસમાં બેઠા હતા, જ્યારે તેમના સગા અર્જુન કુંભારવાડિયા, યુવરાજ કુંભારવાડિયા અને અન્ય મિત્રો ઓફિસની બહાર બેઠા હતા. આ દરમિયાન પ્રતાપસિંહ ઉર્ફે પત્યો ત્યાં આવી પહોંચ્યો હતો અને કોઈ કારણ વિના બહાર બેઠેલા યુવકોને ગાળો બોલવાનું શરૂ કર્યું હતું. હોબાળો થતાં કરણભાઈ પણ બહાર આવ્યા હતા. ત્યારે પ્રતાપસિંહ યુવરાજ સાથે ઉગ્ર બોલાચાલી કરી તેને તમાચા મારવા લાગ્યો હતો. યુવરાજે વિરોધ કરતાં પ્રતાપસિંહે કથિત રીતે તમામને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ફરિયાદ મુજબ થોડા જ સમયમાં પ્રતાપસિંહનો ભાઈ હેમાંગ ઉર્ફે હેમભા અને તેનો મિત્ર ભાવિન દેવડા પણ સ્થળ પર આવી પહોંચ્યા હતા. ત્યારબાદ વાતાવરણ વધુ ઉગ્ર બન્યું હતું. હેમાંગે યુવકના વાળ પકડીને માર માર્યો હતો અને ત્યારબાદ છરી કાઢી હુમલો કરતાં હાથના ભાગે ઘા પહોંચ્યો હતો. હુમલા દરમિયાન કરણભાઈની પત્ની ધારા અને માતા ભાવનાબેન વચ્ચે પડતાં તેમને પણ ગાળો આપી માર મારવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આસપાસના લોકો એકત્ર થતાં હુમલાખોરો સ્થળ પરથી ભાગી ગયા હતા.
બીજી તરફ આ જ બનાવમાં સામાપક્ષે પણ અલગ ફરિયાદ નોંધાવી છે. નહેરૂનગર પ્રાઇવેટ શેરી નં. 5માં રહેતા અને ટિફિન સર્વિસનો વ્યવસાય કરતા 29 વર્ષીય હિમાનસિંહ સુખદેવસિંહ જાડેજાએ કરણ જીલુ કુંભારવાડિયા, અર્જુન નરેશ કુંભારવાડિયા અને યુવરાજ નરેશ કુંભારવાડિયા સામે ફરિયાદ નોંધાવી છે. હિમાનસિંહના જણાવ્યા મુજબ તેમને તેમના મિત્ર ભુપતનો ફોન આવ્યો હતો કે તેમના ભાઈ પ્રતાપસિંહ સાથે માલધારી ચોક પાસે ઝઘડો ચાલી રહ્યો છે. તેઓ તરત જ સૂરજ ડેરની ઓફિસ પાસે પહોંચ્યા હતા, જ્યાં કરણ, અર્જુન અને યુવરાજ ત્રણેય મળીને પ્રતાપસિંહને માર મારી રહ્યા હતા. તેઓ ભાઈને છોડાવવા વચ્ચે પડતા ત્રણેયે તેમની સાથે પણ ઝઘડો શરૂ કર્યો હતો. ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે કરણ કુંભારવાડિયાએ કમરના ભાગેથી છરી કાઢી હિમાનસિંહના હાથમાં ઘા ઝીંક્યો હતો, જેના કારણે તેમને લોહી નીકળવા લાગ્યું હતું. ત્યારબાદ ભુપત અને ભાવિન દેવડા સહિત અન્ય લોકો વચ્ચે પડતાં વધુ મોટો બનાવ બનતો અટક્યો હતો. ઇજાગ્રસ્ત હિમાનસિંહને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટનાને પગલે નહેરૂનગર અને માલધારી ચોક વિસ્તારમાં થોડા સમય માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં માલવીયાનગર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બંને પક્ષોની ફરિયાદના આધારે પ્રતાપસિંહ ઉર્ફે પત્યો જાડેજા, હેમાંગ ઉર્ફે હેમભા જાડેજા, ભાવિન દેવડા તેમજ કરણ કુંભારવાડિયા, અર્જુન કુંભારવાડિયા અને યુવરાજ કુંભારવાડિયા સહિત કુલ છ શખ્સો સામે મારામારી, ધમકી અને હથિયાર વડે હુમલાની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ હાલમાં સમગ્ર ઘટનાના કારણો, બંને જૂથ વચ્ચે અગાઉથી કોઈ અદાવત હતી કે નહીં અને ઝઘડાની સાચી હકીકત જાણવા માટે આસપાસના સીસીટીવી ફૂટેજ તેમજ સાક્ષીઓના નિવેદનો એકત્ર કરી રહી છે. પ્રાથમિક તપાસમાં બંને પક્ષે એકબીજા પર ગંભીર આક્ષેપો કર્યા હોવાથી પોલીસ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને નિષ્પક્ષ તપાસ આગળ વધારી રહી છે.


