હર…હર…મહાદેવ રાજકોટથી અમરનાથ યાત્રાનું ટ્રેનનું પ્રસ્થાન
3પથી વધારે શ્રધ્ધાળુઓનું પ્રથમ ગ્રુપ રવાના : રેલવે સ્ટેશન ખાતે સર્જાયો ભકિતનો અનેરો માહોલ : બરફાની બાબાના દર્શન કરવાથી દિવ્ય અનુભૂતિ થતી હોવાનો શ્રધ્ધાળુઓનો વિશ્વાસ
અગ્ર ગુજરાત, રાજકોટ
આગામી 3 જુલાઈથી અમરનાથ યાત્રાનો પ્રારંભ થનાર છે. જેને લઈને સરકાર દ્વારા અગાઉ નોંધણી કરવામાં આવી ચૂકી છે. ત્યારે આજે 30 જૂન અમરનાથ યાત્રાની પ્રથમ ટ્રેન રાજકોટ રેલવે સ્ટેશનથી રવાના થઈ હતી. જેમાં મોટી સંખ્યામાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરનાં ભક્તો બાબા બરફાનીનાં દર્શને જવા રવાના થયા હતા. વર્ષોથી યાત્રા કરનારા ભક્તોએ જણાવ્યું હતું કે, બરફાની બાબાનાં દર્શન કરવાથી દિવ્ય અનુભૂતિ થાય છે. અને ત્યાં પણ બોર્ડ દ્વારા ખૂબ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હોવાથી કોઈ મુશ્કેલી થતી નથી.
વિવિધ ગ્રુપના સભ્યો મળીને યાત્રા માટે ઉત્સાહભેર નીકળ્યા આ અંગે યાત્રાએ જઈ રહેલાઓએ જણાવ્યું હતું કે, તેઓ વર્ષ 2011થી સતત અમરનાથ યાત્રાએ જઈ રહ્યા છે. શિવભક્તો જે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તે આતુરતાનો અંત આવ્યો છે અને આજે વિવિધ ગ્રુપના સભ્યો મળીને યાત્રા માટે ઉત્સાહભેર નીકળ્યા છે. છેલ્લા 10 વર્ષમાં ત્યાંની વ્યવસ્થામાં ઘણો મોટો બદલાવ આવ્યો છે. હવે યાત્રાળુઓને રહેવા, જમવા તેમજ ટ્રાન્સપોર્ટેશનની કોઈ અગવડ પડતી નથી. જમ્મુના ભગવતીનગર બેઝ કેમ્પથી તમામ બસોને સુરક્ષા સાથે કોન્વોયમાં મોકલવામાં આવે છે.
યાત્રાના અનુભવ વિશે વાત કરતા ઉમેર્યું કે, કોરોના કાળ દરમિયાન જ્યારે એક વર્ષ યાત્રા બંધ રહી ત્યારે એવું લાગતું હતું કે અમારું આખું વર્ષ જ નથી આવ્યું, આ યાત્રા શિવભક્તો માટે એક અનોખી અને અદ્ભુત અનુભૂતિ છે.
રાજકોટથી 35 શ્રદ્ધાળુઓનું એક ગ્રુપ અમરનાથ યાત્રા માટે રવાના થયું છે. આ અંગે તુષાર પોટાએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 5 વર્ષથી અમરનાથ યાત્રાએ જાય છે. તેમજ આ વર્ષે પણ દેવેન્દ્રભાઈ કામલિયા અને પ્રતીકભાઈ, જેઓ છેલ્લા 25 વર્ષથી યાત્રા કરી રહ્યા છે, તેમની સાથે 35 લોકોનું ગ્રુપ અમરનાથ જવા રવાના થયું છે. લોકો જે વાતો કરે છે તેવી કોઈ મુશ્કેલી ત્યાં હોતી નથી.
વધુમાં કહ્યુ કે, ત્યાં ખૂબ જ સારી વ્યવસ્થા અને ભંડારાઓ આયોજિત કરવામાં આવે છે. ખાસ કરીને ઇન્ડિયન આર્મીના જવાનો તમામ યાત્રીઓ માટે ખડેપગે રહીને ખૂબ જ ઉત્કૃષ્ટ સેવાઓ અને સુવિધા પૂરી પાડે છે. ત્યાં જઈને ખૂબ જ સરસ અને શાંતિપૂર્ણ રીતે દર્શન થાય છે અને સાક્ષાત શિવ સામે ઊભા હોય તેવી દિવ્ય અનુભૂતિ થાય છે. શિવલિંગના દર્શન કરવાનો અને ઠંડકમાં સમય વિતાવવાનો લહાવો અદ્ભુત હોય છે.
યાત્રાળુએ પોતાના અનુભવો શેર કરતાં જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 15થી 16 વર્ષથી મહાદેવની કૃપાથી નિયમિતપણે અમરનાથની યાત્રા કરી રહ્યા છે. સરકારની સુરક્ષા વ્યવસ્થાની પ્રશંસા કરતા તેઓએ ઉમેર્યું કે, 2014 પછીથી યાત્રાળુઓ માટે સુવિધાઓમાં મોટો બદલાવ આવ્યો છે અને સરકારનો સપોર્ટ ઘણો પ્રશંસનીય રહ્યો છે. પહેલાંના સમયમાં યાત્રા દરમિયાન પથ્થરમારા જેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો, પરંતુ 2014 અને 2015 પછી સ્થિતિમાં ઘણો સુધારો થયો છે. ભારતીય આર્મીના સહયોગ અને સરકારની સુવિધાઓને કારણે હવે આ યાત્રા ખૂબ જ સુરક્ષિત અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થાય છે, જે હિન્દુત્વ માટે ગર્વની બાબત છે. અમરનાથ જેવા દિવ્ય સ્થળ પર થતી અનુભૂતિ વિશે વાત કરતા તેમણે કહ્યું કે, બાબા બર્ફાનીના દર્શનથી થતો આનંદ અકલ્પનીય છે અને તેને શબ્દોમાં વર્ણવવો અશક્ય છે.
જરૂરી દવા સાથે રાખવી જોઇએ
4થી 5 કિલોમીટર ચાલવાની પ્રેક્ટિસ, પ્રાણાયામ અને કસરત જેવા શ્વાસ યોગ ઉલ્લેખનીય છે કે, યાત્રા દરમિયાન મેડિકલ સર્ટિફિકેટ, 4 પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ, આધાર કાર્ડ, RFID કાર્ડ, ટ્રાવેલ એપ્લીકેશન ફોર્મ સાથે રાખવુ જરૂરી છે. તો શારીરિક તંદુરસ્તીની દ્રષ્ટિએ, દરરોજ 4થી 5 કિલોમીટર ચાલવાની પ્રેક્ટિસ, પ્રાણાયામ અને કસરત જેવા શ્વાસ યોગ અગાઉથી જ કરવા જોઈએ. મુસાફરી દરમિયાન વૂલન કપડાં, રેઈનકોટ, ટ્રેકિંગ સ્ટીક્સ, પાણીની બોટલ અને જરૂરી દવાઓની થેલી સાથે રાખવી પણ હિતાવહ હોવાનું વારંવાર યાત્રા કરતા લોકોએ જણાવ્યું હતું.


