ઉપલેટાના ભાયાવદરમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત
ખેતીકામ માટે લીધેલા વ્યાજના રૂપિયાની પઠાણી ઉઘરાણી થતા યુવાને પોતાના ઘરમાં જીવન ટૂંકાવ્યું : ચાર સામે ગુનો
અગ્ર ગુજરાત, ઉપલેટા
ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામે રહેતા ૨૮ વર્ષીય રવિ નામના યુવાને વ્યાજખોરોના અસહ્ય ત્રાસથી કંટાળીને પોતાના જ ઘરમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે મૃતકના માતા નિર્મળાબેન ઉર્ફે નીમુબેન મકવાણાની ફરિયાદના આધારે ભાયાવદર પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, મરણજનાર રવિએ ખેતીકામ અર્થે અલગ-અલગ વ્યક્તિઓ પાસેથી ઊંચા વ્યાજે રૂપિયા લીધા હતા. જેમાં તેણે ગણોદના દેવાંગભાઈ વિરડા પાસેથી ૩% લેખે કુલ રૂ. ૧૩ લાખ, નીલાખાના જસ્મીનભાઈ ચાવડા પાસેથી ૧૦% લેખે રૂ. ૩ લાખ, ઉપલેટાના મીહીરભાઈ ચોવટીયા પાસેથી ૩% લેખે રૂ. ૫૦ હજાર અને ઉપલેટામાં રહેતા ઇન્દ્રજીતસિંહ ચૌહાણ પાસેથી ૩% લેખે રૂ. ૩ લાખ વ્યાજે લીધા હતા. આરોપીઓએ મુદ્દલ અને વ્યાજ કરતા પણ વધારે રકમ વસૂલ કરી લીધી હોવા છતાં, તેઓ અવારનવાર ફોન કરીને તેમજ રૂબરૂ મળીને રવિ તથા તેની માતાને ગાળો ભાંડતા હતા અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા હતા.
આ ચારેય વ્યક્તિઓની સતત પઠાણી ઉઘરાણી અને ધમકીઓથી માનસિક રીતે ભાંગી પડેલા રવિએ તારીખ ૨૩ જૂન ૨૦૨૬ના રોજ સવારે પોતાના ઘરમાં હોલના હૂકમાં દોરડું બાંધીને ફાંસો ખાઈ લીધો હતો. પાડોશીઓએ દોડી આવીને યુવાનને નીચે ઉતારી સરકારી દવાખાને ખસેડ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાને પગલે ભાયાવદર પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ બી.એન.એસ.ની ૧૦૮, ૩૦૮(૫), ૩૫૨, ૩૫૧(૩), ૩(૫) અને ગુજરાત નાણા ધીરધાર અધિનિયમની કલમ ૪૦, ૪૨ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ પી.આઈ. એચ.એમ. ધાધલ ચલાવી રહ્યા છે.


