લગ્નના વચનો આપી ત્યક્તા પર વારંવાર દુષ્કર્મ, શાપરમાં યુવક ઝડપાયો
સાથે નોકરી દરમિયાન પરિચય પ્રેમમાં ફેરવાયો; લગ્નની ખાતરી આપી સંબંધ બાંધ્યા બાદ ઇન્કાર કરતાં પીડિતાએ પોલીસનો દરવાજો ખખડાવ્યો
અગ્ર ગુજરાત, રાજકોટ
શાપર વિસ્તારમાં લગ્ન કરવાની લાલચ આપીને ત્યક્તા મહિલા સાથે અવારનવાર દુષ્કર્મ આચરવાના ગંભીર આરોપસર પોલીસે એક યુવકની ધરપકડ કરી છે. કારખાનામાં સાથે કામ કરતી વખતે થયેલો પરિચય પ્રેમસંબંધમાં બદલાયો હતો. આરોપીએ લગ્નનું આશ્વાસન આપી મહિલાનો વિશ્વાસ જીત્યો હતો, પરંતુ લાંબા સમય સુધી શારીરિક સંબંધ બાંધ્યા બાદ લગ્ન કરવાની ના પાડી દેતાં અંતે પીડિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, મૂળ પશ્ચિમ બંગાળની 31 વર્ષીય મહિલા હાલ શાપરમાં રહી મજૂરી કરે છે. અગાઉ તેણી પોતાના પતિ અને બે દીકરીઓ સાથે રહેતી હતી, પરંતુ પારિવારિક અણબનાવને કારણે છૂટાછેડા થયા બાદ તેણીએ શાપરના એક કારખાનામાં નોકરી શરૂ કરી હતી. ત્યાં આરોપી ધીરજ ચાવડા (ઉ.વ. 26, રહે. શાપર વેરાવળ) સાથે પરિચય થયો હતો.
સમય જતાં બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. ફરિયાદ મુજબ, ધીરજ ચાવડાએ મહિલાને લગ્ન કરવાની ખાતરી આપી વિશ્વાસમાં લીધી હતી. આ વિશ્વાસના આધારે તે મહિલાના ઘરે જતો અને લગ્નના વચનો આપીને અવારનવાર શારીરિક સંબંધ બાંધતો રહ્યો હતો.
પીડિતાએ વારંવાર લગ્ન અંગે પૂછપરછ કરતાં આરોપીએ આખરે લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી અને સંબંધ તોડી મહિલાને તરછોડી દીધી હતી. પોતે છેતરાયાની લાગણી થતાં મહિલાએ શાપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે શાપર પોલીસે દુષ્કર્મ સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પીઆઈ આર.બી. રાણાના માર્ગદર્શન હેઠળ પોલીસે આરોપી ધીરજ ચાવડાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.


